લંડનઃ Ofgemના તાજા આંકડા મુજબ હાઉસહોલ્ડ એનર્જી દેવું અને એરિયર્સ 2020ના અંતમાં 1.45 બિલિયન પાઉન્ડ હતું તે ગત વર્ષના બીજા ક્વાર્ટર સુધીમાં વધીને 3.69 બિલિયન પાઉન્ડ અને આ વર્ષે વધીને 4.43 બિલિયન પાઉન્ડ પહોંચ્યું છે. કુલ 1,133,683 ઈલેક્ટ્રિસિટી ગ્રાહકો અને 926,545 ગેસ ગ્રાહકો દેવામાં ડૂબ્યાં છે જેમની પાસે રિપેમેન્ટની કોઈ વ્યવસ્થા નથી. આ સંયુક્ત દેવાંના પરિણામે ઘરપરિવારોને વાર્ષિક 145 પાઉન્ડનો વધારાનો ખર્ચ સહન કરવાનો આવશે.
Ofgemની પ્રવક્તાએ જણાવ્યું હતું કે એનર્જી દેવાંનું વર્તમાન સ્તર પહોંચી વલાય તેવું નથી. રેગ્યુલેટર, સરકાર અને ઈન્ડસ્ટ્રીએ સાથે મળી તેનું નિરાકરણ લાવવું પડશે. સંઘર્ષરત પરિવારોને પોતાની ગાડી વ્યવસ્થિત માર્ગે ચઢાવવામાં મદદ કરવા તેમજ એનર્જી કટોકટી દરમિયાન વધીને એકત્ર થયેલાં દેવાને સુધારવા ડેટ રીલિફ સ્કીમ દાખલ કરવાની યોજના છે.
સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એનર્જી દેવાંને સિસ્ટમમાંથી બહાર કાઢવા અને લોકોને કોસ્ટ ઓફ લિવિંગમાં મદદ કરવા અમે Ofgem સાથે તાકીદે કામ કરી રહ્યા છીએ. એન્ડ ફ્યૂલ પોવર્ટી કોએલિશનના કોઓર્ડિનેટર સિમોન ફ્રાન્સીસ અનુસાર એનર્જી દેવાં હેઠળના પાંચમાંથી એક હાઉસહોલ્ડ ગેરકાયદે મનીલેન્ડર્સના શિકાર બને છે.