લંડનઃ હાર્ટફૂલનેસના માર્ગદર્શક અને શ્રી રામ ચંદ્ર મિશનના પ્રેસિડેન્ટ દાજીની રાહબરી હેઠળ વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે યુટ્યૂબ પર જીવંત પ્રસારણ કરાયેલા સામૂહિક ધ્યાન-મેડિટેશનમાં 175 દેશના અંદાજે 20 મિલિયન લોકો સામેલ થવાની ઘટનાએ નવો ગિનેસ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. સામૂહિક ધ્યાન-મેડિટેશનમાં લોકો વિવિધ સમયે વ્યક્તિગત, સંસ્થાઓ દ્વારા આયોજિત સત્રો અને ઓનલાઈન સામેલ થયા હતા.
હૈદરાબાદ નજીક વિશ્વના સૌથી વિશાળ ધ્યાન કેન્દ્ર કાન્હા શાંતિ વનમ ખાતે સવારના ધ્યાનસત્રમાં ભારતના ઉપરાષ્ટ્રપતિ સી.પી. રાધાકૃષ્ણન, તેલંગણાના ગવર્નર જિષ્ણુ દેવ વર્મા, તેલંગણાના આઈટી મિનિસ્ટર ડી. શ્રીધર બાબુ ઉપસ્થિત રહ્યા હતા. તેમની ઉપસ્થિતિએ સ્વાસ્થ્ય અને સંવાદિતા માટે પ્રેક્ટિકલ સપોર્ટનો સંદેશો પાઠવ્યો હતો.
વર્લ્ડ મેડિટેશન ડે નિમિત્તે ભારતભરમાં મજબૂત સંસ્થાકીય પાર્ટિસિપેશન જોવાં મળ્યું હતું. મધ્ય પ્રદેશના 2500થી વધુ પોલીસ સ્ટેશનોમાં ધ્યાન કેન્દ્રો યોજાયા હતા, જેમાં 50,000થી વધુ પોલીસ કર્મચારીઓ સામેલ થયા હતા. તમામ શહેરો અને સ્થાનિક સરકારો, શાળાઓ અને કોલેજો, પ્રાઈવેટ કોર્પોરેશનોમાં પણ ધ્યાનકેન્દ્રોમાં લોકો હજારોની સંખ્યામાં જોડાયા હતા. ઓછામાં ઓછાં 200 રાજદૂતાવાસ અને કોન્સ્યુલેટ્સ અને ઈન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ પણ આ ગાઈડેડ મેડિટેશનમાં સામેલ થયા હતા.
હાર્ટફૂલનેસના ગ્લોબલ નેટવર્કે પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી અને 280 આશ્રમો અને 6,000થી વધુ હાર્ટફૂલનેસ કેન્દ્રોમાં 16,000થી વધુ તાલીમબદ્ધ વોલન્ટીઅર્સના સપોર્ટ સાથે મોટા પાયા પર ધ્યાનસત્રો યોજાયાં હતાં. 100થી વધુ ટેલિવિઝન ચેનલોએ સવારના ધ્યાન અને સંબંધિત ઈવેન્ટ્સને આવરી લીધાં હતાં. દાજીના માર્ગદર્શન હેઠળના ધ્યાનમાં પ્રાણહૂતિનો સમાવેશ થયો હતો, જે હાર્ટફૂલનેસ પ્રેક્ટિસનું મહત્ત્વનું અંગ છે. લાલજી મહારાજ અને બાબુજી મહારાજના ઉપદેશોના મૂળ સાથે હાર્ટફૂલનેસ દાજીના માર્ગદર્શન હેઠળ વૈશ્વિક આંદોલન સ્વરૂપે પ્રસરી રહેલ છે.


