હાર્ડ બ્રેક્ઝિટથી ફળ-શાકભાજી મોંઘા થઈ વધુ લોકો મોતને શરણ થશે

Saturday 27th October 2018 07:10 EDT
 
 

લંડનઃ હાર્ડ બ્રેક્ઝિટથી વર્ષે વધુ ૫,૬૦૦ લોકો મોતને શરણ થશે કારણકે લોકોને ઘણા પ્રકારના ફળ અને શાકભાજી પોસાઈ નહિ શકે. અન્ન અને ફળ, શાકભાજીની આયાતની વધતી કિંમત લોકોના ડાયેટને ખોરવી નાખશે, જેના પરિણામે ૧૦ વર્ષમાં કેન્સર, હૃદયરોગ અને સ્ટ્રોક્સનું પ્રમાણ વધી જશે તેમ ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોના અભ્યાસે જણાવ્યું છે. જોકે, ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈકોનોમિક એફેર્સના ચીફ ઈકોનોમિસ્ટ જુલિયન જેસોપે બ્રેક્ઝિટથી વધુ મોત થવાના દાવાને હાસ્યાસ્પદ ગણાવ્યો હતો.

નોંધપાત્ર બાબત એ છે કે યુકે તેની ફળ અને શાકભાજીની જરુરિયાતનો ૯૦ ટકા હિસ્સો આયાત કરે છે ત્યારે ઓક્સફર્ડના સંશોધકોએ બ્રેક્ઝિટ પછી લોકોના આહારમાં શું પરિવર્તન આવશે અને તેની રોગોના જોખમ પર શું અસર થશે તેની સરખામણી કરી હતી. તેમણે આગાહી કરી હતી કે હાર્ડ બ્રેક્ઝિટથી વર્તમાન લેવલ કરતાં દર વર્ષે વધુ ૫,૬૦૦ લોકો રોગથી મોતને શરણ થશે, જ્યારે સોફ્ટ બ્રેક્ઝિટથી થનારા મોતની સંખ્યા વધુ ૨,૭૦૦ હશે. રોગો વધવાથી NHSને દર વર્ષે વધારાના ૬૦૦ મિલિયન પાઉન્ડનો બોજો આવશે, જે સોફ્ટ બ્રેક્ઝિટથી ૨૯૦ મિલિયન પાઉન્ડનો હશે. ગ્લોબલ બર્ડન ઓફ ડિસીઝ સ્ટડીના ડેટા અનુસાર વિશ્વમાં પાંચમાંથી એક મૃત્યુ નબળા આહાર સાથે સંકળાયેલું છે.

સંશોધનપત્રના આલેખક ડો. માર્કો સ્પ્રીંગમેન અને ડો. ફ્લોરીઆન ફ્રીન્ડે જણાવ્યું હતું કે બ્રેક્ઝિટથી વેપારખર્ચ વધશે અને અન્નની આયાત વધુ મોંઘી બનશે, જેનાથી આહારમાં થનારો ફેરફાર આરોગ્યને અસર કરશે. વધેલા ભાવથી લોકોના ખોરાકમાં કઠોળ ઉપરાંત, ફળ અને શાકભાજી તેમજ ડેરીપેદાશ, રેડ મીટ અને કેલરીનું પ્રમાણ ઘટશે. સંશોધકોનું કહેવું છે કે બ્રેક્ઝિટના પરિણામે યુકેમાં દર વર્ષે ૨૭૦,૦૦૦ ટન શાકભાજી અને ૩૩૦,૦૦૦ ટન ફળ ઓછાં ખવાશે.

ઈન્સ્યુલિનનાં જથ્થાનો કરાતો સંગ્રહ

બ્રેક્ઝિટના પરિણામે પુરવઠાની ચેઈન ખોરવાઈ ન જાય તે માટે બ્રિટનના ઈન્સ્યુલિનના મુખ્ય સપ્લાયર દ્વારા મોટા પાયે સંગ્રહ કરાઈ રહ્યો છે. દેશમાં આશરે ૪.૬ મિલિયન લોકોને ડાયાબિટીસ હોવાનું મનાય છે, જેમાંથી ઘણાં ઈન્સ્યુલિન પર આધાર રાખે છે. ડેનિશ હેલ્થકેર કંપની નોવો નોર્ડિસ્ક બ્રિટનની ઈન્સ્યુલિન જરુરિયાતનો અડધાથી વધુ પુરવઠો પુરો પાડે છે.કંપની આગામી જાન્યુઆરી પહેલા ઈન્સ્યુલિનનો ૧૬ સપ્તાહનો અનામત જથ્થો ઉભો કરવા માગે છે જેથી બ્રિટન આયાતને મુશ્કેલ બનાવતી વેપારી સમજૂતી વિના જ ઈયુ છોડે તો પણ ડાયાબિટીસના દર્દીઓને ઈન્સ્યુલિનની અછત સહન કરવી પડે નહિ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter