લંડનઃ બ્રિટિશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (BBC)એ હિંદુઈઝમ સંબંધિત હિંદુ કાર્યક્રમો માટે વધુ કલાકો ફાળવવા જોઈએ તેવી હિંદુઓની માગણી છે. યુનિવર્સલ સોસાયટી ઓફ હિંદુઈઝમના પ્રમુખ રાજન ઝેડે બીબીસીના ડિરેક્ટર જનરલ લોર્ડ ટોની હોલને આ બાબત ગંભીરતાથી લઈ હિંદુઓ સંબંધિત કાર્યક્રમોનું પ્રસારણ બીબીસી ટીવી, રેડિયો અને ઓનલાઈન વધારવા અનુરોધ કર્યો છે.
બીબીસીની આંતરિક સમીક્ષામાં જણાયું હતું કે ધાર્મિક કાર્યક્રમોના પ્રસારણમાં તેનો ઝોક ખ્રિસ્તીતરફી વધુ છે અને બીબીસીએ હિંદુ, મુસ્લિમ અને શીખો માટેના કાર્યક્રમો વધારવા જોઈએ.
ઝેડે જણાવ્યું હતું કે યુકેમાં બહુસંસ્કૃતિવાદ વિકસવા સાથે હવે તે વિવિધ ધર્મો, સંપ્રદાયો તથા નાસ્તિકોનો અલગ સમાજ બની ગયો છે. પરંતુ, બીબીસીએ તેની સાથે સાતત્ય જાળવ્યું નથી. બીબીસી પર હિંદુઓ માટેનો પ્રસારણ સમય વધવો જોઈએ અને યુકેના મુખ્ય મંદિરોથી આરતીના જીવંત પ્રસારણને બીબીસીના નિયમિત કાર્યક્રમોમાં સ્થાન મળવું જોઈએ. બીબીસીએ નવરાત્રિ, દિવાળી, હોળી, ગણેશ ચતુર્થી સહિતના હિંદુ તહેવારોનું પૂરતું કવરેજ થાય તે સુનિશ્ચિત કરવું જોઈએ.
ઝેડે ઉમેર્યું હતું કે હિંદુ સહિત યુકેના પરિવારો દ્વારા ચૂકવાતી લાઈસન્સ ફીની રકમથી ચાલતા પબ્લિક સર્વિસ બ્રોડકાસ્ટર તરીકે બીબીસીએ ધાર્મિક કાર્યક્રમોની બાબતે પૂરતી જવાબદારી દર્શાવવી જોઈએ. યુકેના દરેક દર્શકે બીબીસી નિહાળવા માટે ૧૪૫.૫૦ પાઉન્ડનું ટીવી લાઈસન્સ લેવું જરૂરી છે.


