હિંસક અને જાતીય અપરાધીઓએ વધુ સમય જેલમાં રહેવું પડશે

અપરાધીઓને સજા અંગે વર્તમાન કાયદામાં સુધારાઓ

Friday 25th September 2020 02:48 EDT
 
 

લંડનઃ અપરાધીઓને સજા અંગે વર્તમાન કાયદામાં સુધારાઓ થઈ રહ્યા છે. હવે બળાત્કાર સહિતના જાતીય અને હિંસક અપરાધીઓએ જેલની સજાની અડધી મુદતના બદલે ઓછામાં ઓછી બે તૃતીઆંશ મુદત જેલમાં રહેવું પડશે. હિંસક અપરાધીઓને જેલની લાંબી સજા તેમજ બાળકોના હત્યારા અને સામૂહિક મોતના કારણરુપ ત્રાસવાદની ઘટનાઓના દોષિત ૧૮થી ૨૦ વયજૂથના ગુનેગારને આજીવન કેદની સજા થઈ શકશે.

જસ્ટિસ સેક્રેટરી રોબર્ટ બકલેન્ડે જણાવ્યું હતું કે સૂચિત ફેરફારોથી ગુંચવણભર્યા અને જટિલ કાયદાઓનો અંત આવશે. બળાત્કાર, માનવવધ અને ગંભીર શારીરિક ઈજા સહિતના ગુનાઓમાં ચારથી સાત વર્ષની જેલની સજા અપાય છે. આ સજા અડધી કાપ્યા પછી જેલમાંથી મુક્ત કરાશે નહિ. હવે તેમણે સજાની ઓછામાં ઓછી બે તૃતીઆંશ મુદત જેલમાં રહેવું પડશે.

ગંભીર હિંસા અને સેક્સ્યુઅલ અપરાધીઓને લાયક લાંબી સજા થશે. ઝડપી ગતિએ વાહન હંકારવાથી અથવા આ સમયે મોબાઈલનો ઉપયોગ કરવાથી કોઈનું મોત નીપજાવે તેવા ખતરનાક ડ્રાઈવર્સને આજીવન કેદની સજા ફરમાવી શકાશે. આ સુધારાથી લોકોને શાંતિ થશે કે ખતરનાક અપરાધીઓ આપણી શેરીમાંથી લાંબો સમય દૂર રહેશે. આ સુધારાઓ હેઠળ ચોર અને લૂંટારાઓ પર જેલમાંથી છૂટ્યા પછી પણ નજર રાખી શકાય તે માટે GPS ટ્રેકર લગાવવામાં આવશે.

સૂચિત સુધારાઓથી પૂર્વ અપરાધીઓને નોકરી મેળવવામાં મદદ મળે તે માટે જુના અપરાધોની વિગતો જાહેર કરવાનો સમય પણ ઘટાડવામાં આવ્યો છે. એક વર્ષથી ઓછી સજા મેળવનારા, સજા પછી વધુ ૧૨ મહિના કોઈ અપરાધ ન કર્યો હોય તેમજ એકથી ચાર વર્ષ સુધીની સજા કાપ્યા પછીના ચાર વર્ષ કોઈ ગુનો કર્યો ન હોય તેમણે સજાની વિગતો એમ્પ્લોયર સમક્ષ જાહેર કરવાની રહેશે નહિ. અત્યારે ચાર અને સાત વર્ષ સુધીની સજાની વિગતો એમ્પ્લોયર સમક્ષ જાહેર કરવી પડે છે. ચાર કરતા વધુ વર્ષની સજા હોય અને સાત વર્ષના પુનર્વસનનો ગાળો પૂર્ણ કરાયો હોય તે સંજોગોમાં સજાની વિગતો આપમેળે અમ્પ્લોયર સમક્ષ જાહેર નહિ કરાય. અત્યારે આ ગુનાઓની વિગતો અપરાધીના સમગ્ર જીવન દરમિયાન એમ્પ્લોયર સમક્ષ જાહેર કરવાની રહે છે. જોકે, આ ફેરફારો ગંભીર જાતીય, હિંસક અથવા ત્રાસવાદી ગુનાઓની સજા કરાયેલા અથવા સંવેદનશીલ ક્ષેત્રોમાં નોકરી ઈચ્છતા અપરાધીઓને લાગુ નહિ કરાય.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter