લંડનઃ કોવેન્ટ્રીમાં એલ્ડર રોડ પર રહેતી હાલ ૧૮ વર્ષની સંદીપ સામરાને ગયા વર્ષે ૧ જૂન અને ૩૧ જુલાઈ વચ્ચે નર્સ તરીકે સીરિયા જઈને હિંસક કૃત્યો આચરવાની યોજના ઘડવા બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટમાં ચાલેલી કાર્યવાહીમાં દોષિત ઠેરવવામાં આવી હતી. પરંતુ, તેણે ત્યાં જઈને હિંસા આચરવાનો કોઈ ઉદ્દેશ હોવાનો ઈનકાર કર્યો હતો. જોકે, પ્રોસિક્યુટર્સે આક્ષેપ કર્યો હતો કે સામરાના મોબાઈલમાંના સંદેશા ‘ગોઈંગ ફોર ડેથ’ અને ‘જોઈન વીથ બ્રધર્સ’ તે વાતને દર્શાવે છે. તેના ફોનમાં ‘હું સલામતી માટે ત્યાં જતી નથી, હું મરવા માટે ત્યાં જઉં છું’ અને ‘અલ્લા મને આ કામમાં મોત આપે’ જેવા મેસેજ હતા.
સારા વ્હાઈટહાઉસ QCએ જણાવ્યું હતું કે ઈસ્લામ ધર્મ અંગીકાર કરનારી શીખ તરૂણી સંદીપ સામરાએ તેના પ્રથમ પાસપોર્ટ માટે સપ્ટેમ્બર ૨૦૧૫માં અરજી કરી હતી. પરંતુ, શિક્ષકો ચિંતિત થતાં અને આતંકવાદ વિરોધી ટીમને તેની જાણ કરતા એક મહિના પછી તેના પિતાએ પાસપોર્ટ પોલીસને સોંપી દીધો હતો. તે પાસપોર્ટ રદ કરી દેવાયો હતો. પરંતુ, જૂન ૨૦૧૭માં તેણે ફરી પાસપોર્ટ માટે અરજી કરી હતી. એક મહિના પછી તેની ધરપકડ કરાઈ હતી અને તેનો ફોન જપ્ત કરાતા તેની સીરિયા જવાની યોજનાની જાણ થઈ હતી. જુલાઈ, ૨૦૧૫માં તે જ્યારે ૧૬ વર્ષની હતી ત્યારે તેના ફોનના વોટ્સએપ મેસેજીસથી જણાતું હતું કે તે ઈસ્લામિક સ્ટેટની સમર્થક બની ગઈ હતી.


