ઘણી મુસ્લિમ મહિલાઓ હિજાબ અથવા હેડસ્કાર્ફ પહેરવાનું પસંદ કરે છે. મુસ્લિમ કોમ્યુનિટીમાં હિજાબને સન્માનીય અને ગૌરવશાળી લેખાય છે. પરંપરાની દૃષ્ટિએ મુસ્લિમ છોકરીઓ કિશોરાવસ્થામાં પહોંચે ત્યારે મર્યાદા-લજ્જાની નિશાનીરુપે હિજાબ પહેરે છે. જોકે, હવે તો પાંચ વર્ષની છોકરીઓ પણ હિજાબ પહેરતી હોય તેવી સંખ્યામાં વધારો થયો છે. ઓફસ્ટેડના ઈન્સ્પેક્ટરો પ્રાઈમરી સ્કૂલની મુસ્લિમ છોકરીઓને તેઓ શા માટે હિજાબ પહેરે છે તે શોધવા પૂછપરછ કરશે.
ઓફસ્ટેડના વડા અમાન્ડા સ્પાઈમેન કહે છે કે, ‘પોતાના સાંસ્કૃતિક માપદંડ અનુસાર બાળકોને ઉછેરવાની પેરન્ટ્સની પસંદગીને માન આપવા સાથે પ્રાઈમરી શાળાના બાળકો પાસે હિજાબ પહેરવાની અપેક્ષા હોય તેવું વાતાવરણ સર્જવું તેનું અર્થઘટન નાની છોકરીઓનાં સેક્સ્યુલાઈઝેશન તરીકે થઈ શકે છે. શાળાઓ તેમના વિદ્યાર્થીઓમાં સમાનતાને ઉત્તેજન આપે છે કે નહિ તેના મૂલ્યાંકન માટે ઈન્સ્પેક્ટરો આવાં વસ્ત્રો પહેનારી છોકરીઓને તેઓ શાળામાં શા માટે આમ કરે છે તેની ચકાસણીનાં પ્રશ્નો કરશે.’
બ્રિટિશ મુસ્લિમ મહિલાઓ ‘સેકન્ડ ક્લાસ નાગરિક’ ગણાતી હોવાની લાગણી અનુભવતા ધ મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટનના સેક્રેટરી જનરલ હારુન ખાન કહે છે કે, ‘હેડસ્કાર્ફ પહેરતી નાની મુસ્લિમ છોકરીઓની પૂછપરછ કરાશે તેવી ઓફસ્ટેડની જાહેરાત ચિંતાજનક છે. આમ કરનારી દરેક બ્રિટિશ મહિલાને સ્પષ્ટ સંદેશો મોકલાશે કે તેઓ સેકન્ડ ક્લાસ નાગરિક છે, જેઓ હેડસ્કાર્ફ પહેરવા મુક્ત છે પરંતુ, તેઓ પહેરે નહિ તેમ એસ્ટાબ્લિશમેન્ટ ઈચ્છે છે.’
ઘણી બ્રિટિશ મુસ્લિમ મહિલાઓ નાની વયથી જ હિજાબ પહેરે છે અને આ તેમની ઓળખનો હિસ્સો બન્યો છે. તેના વિના ઓળખ અધૂરી લાગે છે. હિજાબ ન પહેરવાનો નિર્ણય તમારી હેટ ઉતારી લેવા જેટલો સરળ નથી. મુસ્લિમ મહિલાને હિજાબ પહેરવાનું ગૌરવ હોવાં છતાં, ઘણી મહિલાઓ હેડસ્કાર્ફ કાઢી નાખવાનું શાથી પસંદ કરે છે? ‘Headscarves and Hymens’ના લેખિકા મોના એલ્થાવે કહે છે કે, ‘મેં નવ વર્ષ હિજાબ પહેર્યો હતો અને તેને કાઢી નાંખતા મને આઠ વર્ષ લાગ્યાં હતાં.
અન્ય મુસ્લિમ મહિલા વૂડલેન્ડ કહે છે કે, ‘ ૧૩ વર્ષ સુધી લગભગ દરરોજ તે પહેરવાની વિધિ પુરુષોના સંદર્ભે મારાં અસ્તિત્વનું દૈનિક પુષ્ટિકરણ હતું. મારી પાસે ઓછી આઝાદી હતી કારણકે તેમની પાસે વધુ સત્તા હતી. મારી જવાબદારી વધુ હતી કારણકે તેમનું સ્વનિયંત્રણ ઓછું હતું.’
હિજાબ કાઢી નાખવા મુદ્દે સોશિયલ મીડિયા પર ‘ફેઈથ ટુ ફેઈથલેસ’ ગ્રૂપની સ્થાપક આલિયાહ સલીમનો સંપર્ક સૌથી વધુ થાય છે. ધર્મ છોડવાં છતાં ઘણી મહિલાઓ હેડસ્કાર્ફ પહેરે છે. તેઓ વધુ સુંદર દેખાવા પ્રયાસ કરતાં હોવાનો આક્ષેપ થવાનો તેમને ભય છે. શરમ ઘણી હોય છે. કેટલીક મહિલા કાઢવા ઈચ્છે છે પરંતુ, તેમ કરી શકતી નથી. હેડસ્કાર્ફ ઉતારવાથી કુલટા અથવા અન્ય ખરાબ શબ્દોથી વગોવાશે તેવો ભય પણ તેમને રહે છે.
યુનાઈટેડ કિંગ્ડમમાં દરેકને ઈચ્છાનુસાર વસ્ત્રો પહેરવા, પસંદગીનો ધર્મ પાળવા અને લાઈફસ્ટાઈલથી રહેવાની આઝાદી છે. આમ છતાં, ઘણી સ્ત્રીઓ હિજાબ કાઢી નાખવામાં અસલામતી શાથી અનુભવે છે? તેઓ જેમ રહેવા ઈચ્છે તેમ રહેવાનો અને પોતાની પસંદગીઓ ધરાવવાનો વિશેષાધિકાર ધરાવે છે. તેમણે કોઈને ખુલાસો આપવાની જરુર નથી. તેઓ હેડસ્કાર્ફ પહેરે કે કાઢી નાખે, પહેરવેશને ધ્યાનમાં રાખ્યા વિના જ સ્ત્રીઓનું સન્માન થવું જોઈએ અને તેમની ઈચ્છાનુસાર જિંદગી જીવવા બદલ કસૂરવાર હોવાની લાગણી કરાવવી ન જોઈએ.


