લંડનઃ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ (BAT)ના બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ દ્વારા નવા ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તરીકે હિતેન મહેતા OBEની નિયુક્તિ જાહેર કરાઈ છે જેઓ 10 વર્ષ સુધી આ પદ સંભાળનારા રિચાર્ડ હોક્સ OBEના અનુગામી બનશે. હિતેન મહેતાએ 2007માં સૌપ્રથમ કર્મચારી તરીકે બ્રિટિશ એશિયન ટ્રસ્ટની સ્થાપનામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. ગત 18 વર્ષ દરમિયાન તેમણે અગાઉના પ્રિન્સ ઓફ વેલ્સ અને હાલ કિંગ ચાર્લ્સ તૃતીય સાથે ગાઢપણે કામ કર્યું છે. બ્રિટિશ એશિયન ટ્રસ્ટની વરિષ્ઠ નેતાગીરીના દીર્ઘકાલીન સભ્ય તરીકે તેમણે રિચાર્ડ હોક્સ સાથે મળીને સંસ્થાને સાઉથ એશિયામાં કાર્યરત સૌથી સન્માનીય અને ઈનોવેટિવ આંતરરાષ્ટ્રીય ચેરિટીઝમાં એક તરીકે વિકસાવવા કામ કર્યું છે. હિતેનભાઈ પોતાના કાર્યકાળમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના વૈશ્વિક વિસ્તરણમાં કેન્દ્રસ્થાને રહ્યા છે તેમજ યુકે, સાઉથ એશિયા, ગલ્ફ અને તાજેતરમાં નોર્થ અમેરિકામાં તેના વિકાસમાં મદદ કરી છે. વૈશ્વિક સાઉથ એશિયન ડાયસ્પોરા સાથે સંબંધો મજબૂત બનાવવા તેમજ ફિલાન્થ્રોપી, ફાઈનાન્સ અને બિઝનેસ ક્ષેત્રોમાં પ્રભાવશાળી નેટવર્ક્સ વિસ્તારવામાં ટ્રસ્ટના પ્રયાસોને આગળ વધારવામાં માર્ગદર્શન કર્યું છે.
હિતેન મહેતાએ આ નિયુક્તિના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘બ્રિટિશ એશિયન ટ્રસ્ટ માટે આવી મહત્ત્વપૂર્ણ પળે આ ભૂમિકામાં કાર્ય કરવું તે મોટું સન્માન છે. આપણે વૈશ્વિક અને યુકે ડાયસ્પોરા સંબંધોના મહત્ત્વપૂર્ણ સમયગાળામાં પ્રવેશીએ છીએ ત્યારે આપણા મિશનમાં વિશ્વાસ દાખવવા બદલ હું આપણા ટ્રસ્ટીઓ, આપણા રોયલ ફાઉન્ડિંગ પેટ્રન તેમજ મૂલ્યવાન પાર્ટનર્સ અને શુભેચ્છકોનો ભારે આભારી છું. ગત દાયકામાં કામગીરી માટે રિચાર્ડનો પણ આભાર માનીશ. હું આપણે સર્જેલા મજબૂત પાયા પર વધુ નિર્માણ કરવા પ્રતિબદ્ધ છું. હું આપણી અદ્ભૂત ટીમ સાથે મળી આપણી ગ્લોબલ ફૂટપ્રિન્ટ્સ આગળ વધારવા, ઈનોવેશન્શને ગતિ આપવા તેમજ સાઉથ એશિયામાં કોમ્યુનિટીઝ માટે અર્થપૂર્ણ અને કાયમી પરિવર્તન લાવવાનું ચાલુ રાખવા ઉત્સુક છું.’
બોર્ડ ઓફ ટ્રસ્ટીઝના અધ્યક્ષ લોર્ડ જીતેશ ગઢિયાએ જણાવ્યું હતું કે,‘બ્રિટિશ એશિયન ટ્રસ્ટના સ્થાપક નેતા તરીકે હિતેને પ્રારંભિક દિવસોથી જ સંસ્થાના મૂલ્યો, નેટવર્ક્સ અને વૈશ્વિક અસરનું ઘડતર કર્યું છે. સાઉથ એશિયાની ઊંડી જાણકારી, આંતરરાષ્ટ્રીય પરોપકારિતામાં તેમની વિશ્વસનીયતા તેમજ બ્રિટિશ એશિયન સમુદાયમાં તેમના વિશ્વાસપાત્ર સંબંધોએ તેમને ટ્રસ્ટના આગામી પ્રકરણ, રિચાર્ડના પરિવર્તનકારી નેતૃત્વને આગળ વધારવામાં ટ્રસ્ટને માર્ગદર્શન આપવાના અનોખા સ્થાને બેસાડ્યા છે.’
વિદાયમાન સીઈઓ રિચાર્ડ હોક્સે જણાવ્યું હતું કે,‘ બ્રિટિશ એશિયન ટ્રસ્ટ ખાતે અદ્ભૂત 10 વર્ષ વીતાવ્યા પછી મારા માટે નવા પડકારો શોધવા અને ગત દાયકામાં જેમની સાથે ગાઢપણે કામ કર્યું છે તેવા હિતેનને જવાબદારી સુપરત કરવાની આ યોગ્ય પળ છે.’ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે એક દાયકાની સેવા આપવા બદલ રિચાર્ડ હોક્સ OBE પ્રતિ આભારની લાગણી વ્યક્ત કરી ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી હતી. તેમના નેતૃત્વ હેઠળ BATએ તેના કદ અને અસરને સાઉથ એશિયામાં 18 મિલિયનથી વધુ લોકોના જીવન સુધારવા સુધી નોંધપાત્રપણે વિસ્તારી હતી.
કોમ્યુનિટી પ્રત્યે આજીવન પ્રતિબદ્ધતા (મેટરમાં બોક્સ)
હિતેન મહેતાના પારિવારિક મૂળ ગુજરાતના પોરબંદરમાં છે. તેમના ગ્રાન્ડપેરન્ટ્સ સ્થળાંતર કરીને યુગાન્ડા અને કેન્યા પહોંચ્યા હતા અને તેમના માતાપિતા પાછળથી યુકે આવીને સ્થાયી થયા હતા, જ્યાં તેમનો જન્મ અને ઉછેર થયો. તેમણે પોતાના પરિવારમાં ગુજરાતી પરંપરાઓ જાળવવાની સાથોસાથ લંડનના નિસડનસ્થિત BAPS(બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા) શ્રી સ્વામિનારાયણ સંસ્થા મંદિરમાં 28 વર્ષ સુધી વોલન્ટીઅર તરીકે સેવા આપવા થકી કોમ્યુનિટી સાથે જોડાયેલા રહીને સાંસ્કૃતિક સંબંધોનું જતન કર્યું છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે 1907માં વૈશ્વિક-સામાજિક સંસ્થા BAPSની સ્થાપના કરી હતી.
હિતેન મહેતાએ વર્ષો દરમિયાન, BAPSના ‘મિસ્ટિક ઈન્ડિયા’ ફિલ્મના આંતરરાષ્ટ્રીય લોન્ચિંગમાં ચાવીરૂપ ભૂમિકા ભજવવા સાથે મહત્ત્વના ઈનિશિયેટિવ્ઝમાં યોગદાન આપ્યું છે અને વેક્સિન પ્રમોશન, ઈન્ટરફેઈથ રિલેશન્સ અને યુક્રેનિયન નિર્વાસિતો માટે સપોર્ટ સહિતના પ્રોજેક્ટ્સ પર કામ કર્યું છે. શાહી પરિવારો, સરકારી પદાધિકારીઓ, રાજદ્વારીઓ અને અગ્રણી બિઝનેસ લીડર્સ સાથે BAPSના મહત્ત્વના સ સંબંધો જાળવવામાં પણ તેમની મહત્ત્વની ભૂમિકા રહી છે. તેમણે અમદાવાદમાં(2022ના ઉત્તરાર્ધથી 2023ના પૂર્વાર્ધ) પ્રમુખ સ્વામી મહારાજની શતાબ્દી ઊજવણીઓ દરમિયાન રચાયેલા વિશાળ હંગામી ટાઉનશિપ પ્રમુખ સ્વામી નગરમાં સ્વયંસેવક તરીકે સેવા પણ આપી હતી.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ સાથે 2021માં વાતચીતમાં બ્રિટિશ એશિયન ટ્રસ્ટના તત્કાલીન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હિતેન મહેતાએ ભારતમાં કોવિડ-19ના પ્રથમ મોજા સમયે સંસ્થાના તત્કાળ પ્રતિસાદ વિશે જણાવ્યું હતું. માઈગ્રન્ટ વર્કર્સ માટે ઓક્સિજન અને આવશ્યક સામગ્રીના પુરવઠાની જરૂરિયાત ધ્યાને લઈ મહેતાએ ઈન્ડિયા ઓક્સિજન અપીલના લોન્ચિંગની નેતાગીરી સંભાળી હતી. સ્થાનિક બિનસરકારી સંસ્થાઓ સાથે ભાગીદારી કરીને 4800થી વધુ ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સની વ્યવસ્થા અને કેશ ટ્રાન્સફર કામગીરી હાથ ધરી હતી. આ અભિયાનને યુકેની પ્રજા, મીડિયા, કોર્પોરેટ્સ અને હાઈ પ્રોફાઈલ દાતાઓનો બહોળો સપોર્ટ સાંપડ્યો હતો.
હિતેન મહેતાએ ચેરિટેબલ સેક્ટરમાં મહત્ત્વના કોમ્યુનિટી અને ફંડરેઈઝિંગ ઈનિશિયેટિવ્ઝ થકી બ્રિટિશ એશિયન કોમ્યુનિટીમાં આદરપાત્ર સ્થાન મેળવ્યું છે. 2018માં યુકે-ઈન્ડિયા સંબંધોમાં સૌથી પ્રભાવશાળી 100 વ્યક્તિઓમાં એક તરીકે તેમનો પણ ઉલ્લેખ કરાયો હતો. તેમને 2023માં કોમ્યુનિટી અને પરોપકારી કાર્યો બદલ કિંગ ચાર્લ્સ તૃતીય દ્વારા OBE સન્માન અપાયું ત્યારે તેમણે તેનો યશ મંદિરના મેન્ટર્સને આપતા જણાવ્યું હતું કે તેમણે મેન્ટર્સ, સ્વામીઓ અને નિસડન મંદિરના વરિષ્ઠ સ્વયંસેવકો પાસેથી જ પાઠ શીખ્યા છે.


