લંડનઃ હિન્દુ, શીખ અને પાકિસ્તાની ક્રિશ્ચિયન જૂથોએ છોકરા-છોકરીઓને યોનશોષણ માટે લલચાવવાના કિસ્સાઓમાં વંશીય પરિબળનો મુદ્દો ઉઠાવનારા લેબર પાર્ટીના સાંસદ સારાહ ચેમ્પિયનનો જોરદાર બચાવ કર્યો છે. નેટવર્ક ઓફ શીખ ઓર્ગેનાઈઝેશન્સ તેમજ બ્રિટિશ પાકિસ્તાની ક્રિશ્ચિયન એસોસિયેશન અને હિન્દુ કાઉન્સિલ યુકે વતી સંયુક્ત પત્રમાં લોર્ડ સિંહ ઓફ વિમ્બલ્ડને સહી કરી હતી.
આ પત્રમાં સારાહ ચેમ્પિયને ઉઠાવેલા મુદ્દાનો નબળો પ્રતિભાવ આપવા બદલ લેબર પાર્ટીની ટીકા કરવામાં આવી છે. પત્રમાં જણાવાયું છે કે ઘણા સેક્સ ગ્રૂમિંગ શિકારીઓ પાકિસ્તાની મૂળના હોવા વિશે ધ્યાન દોરવા બદલ લેબર સાંસદને પદત્યાગની ફરજ પડાઈ હતી.
ધ ટાઈમ્સમાં પ્રસિદ્ધ પત્રમાં જણાવાયું છે કે,‘ સારાહ ચેમ્પિયન અને મુસ્લિમ કાઉન્સિલર અમીના લોને ગુનાખોરીના દેખીતા પ્રવાહ સામે આંગળી ચીંધી તે માટે અમે તેમને અભિનંદન પાઠવીએ છીએ. સેક્સ્યુઅલ ગ્રૂમિંગ કેસીસમાં પાકિસ્તાની મુસ્લિમ પુરુષોને દોષિત ઠરાવાયા છે, જેનું ઉદાહરણ રોચડેલ, રોધરહામ અને છેલ્લે ન્યૂકેસલની ઘટનાઓ આપે છે. માત્ર શ્વેત છોકરીઓ જ આ લોકોનો શિકાર બની નથી. દાયકાઓથી હિન્દુ, શીખ અને ક્રિશ્ચિયન સંગઠનો આ મુદ્દો ઉઠાવતાં આવ્યાં છે. દરેક વખતે શિકાર બિન-મુસ્લિમ છોકરીઓ જ હોય છે. પ્રજાની જાહેર ચિંતાને વાચા આપવી તેને રંગદ્વેષ કે ઈસ્લામોફોબિક ગણાવી ન શકાય.’
સાંસદ સારાહ ચેમ્પિયને ધ સન અખબારમાં લખ્યું હતું કે,‘બ્રિટનમાં બ્રિટિશ પાકિસ્તાની પુરુષો દ્વારા શ્વેત છોકરીઓનાં બળાત્કાર અને શોષણની મોટી સમસ્યા છે.’ જોકે, તેમણે પાછળથી શબ્દોની ખોટી પસંદગી બદલ માફી માગી હતી અને વિમેન એન્ડ ઈક્વલિટીઝના શેડો સેક્રેટરીની ભૂમિકા છોડી દીધી હતી. લેબર નેતા જેરેમી કોર્બીને તેમની કથિત હકાલપટ્ટી કર્યા મુદ્દે તેમણે મૌન સેવ્યું હતું.


