ગ્લાસગો, લંડનઃ હિન્દુ ઈકોનોમિક ફોરમ (HEF) યુકે દ્વારા 18 જાન્યુઆરીએ ગ્લાસગોના ભવ્ય ટ્રેડ્સ હોલ ખાતે તેમના સ્કોટલેન્ડ ચેપ્ટરનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે હિન્દુ બિઝનેસ કોમ્યુનિટીના સશક્તિકરણ તથા સમગ્ર યુકેમાં નેતાઓ અને અગ્રણીઓમાં એકતા સ્થાપવાના તેના મિશનમાં સીમાચિહ્ન રચાયું હતું.
આ લોન્ચિંગ કાર્યક્રમમાં કાઉન્સિલર એન મેક્ટેગાર્ટ, પૂર્વ સાંસદ માર્ટીન ડે, કાઉન્સિલર ગ્રેહામ કેમ્પબેલ તેમજ એડિનબરાના ભારતીય કોન્સ્યુલેટમાંથી વાઈસ કોન્સલ અમિત ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ઈંગ્લેન્ડ અને સ્કોટલેન્ડના બિઝનેસ અગ્રણીઓ યુકેમાં તેમજ વૈશ્વિક હિન્દુ કોમ્યુનિટી સાથે સંબંધો મજબૂત બનાવવા અને સંપર્કો વિકસાવવાના હેતુસર એકત્ર થયા હતા.
વર્લ્ડ હિન્દુ ઈકોનોમિક ફોરમના ચેરમેન સ્વામી વિજ્ઞાનાનંદજી તથા HEF UKના નેતાઓ અનિલ પૂરી, સુભાષ ઠકરાર OBE અને કે. શંકરના નેતૃત્વ હેઠળ તેમજ ચેપ્ટરના નેતાઓ રાજેશ રાજન સિંહ અને રામ રાઘવનના સપોર્ટ થકી સંસ્થાનો ઝડપી વિકાસ થયો છે અને માત્ર બે વર્ષમાં સભ્યસંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે.
HEFના સ્કોટલેન્ડ ચેપ્ટર પ્રેસિડેન્ટ ડો. રિચા સિંહા અને વાઈસ પ્રેસિડેન્ટ રણજિથ શંકરનારાયણનની નેતાગીરી હેઠળ સ્કોટલેન્ડની હિન્દુ કોમ્યુનિટીમાં સહકારના વિકાસ, જ્ઞાનના આદાનપ્રદાન અને આર્થિક સશક્તિકરણનું લક્ષ્ય ધરાવે છે.
સ્કોટલેન્ડ ચેપ્ટરના સફળ લોન્ચિંગમાં પ્રેરણાદાયી સંબોધનો, નેટવર્કિંગ તેમજ ફિરંગી રેસ્ટોરાંના આલોક સિંહ દ્વારા અનુપમ ભોજન રસાસ્વાદનો અનુભવ નોંધપાત્ર રહ્યો હતો. સ્થાનિક બિઝનેસમેન ગણેશ શિન્દેએ આ પહેલને આવકારવા સાથે તેને ‘સ્કોટલેન્ડ માટે અદ્ભૂત આગેકદમ’ તરીકે વર્ણવી હતી. હિન્દુ ઈકોનોમિક ફોરમ હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સને ઈન્વેસ્ટમેન્ટ્સ, કોલબરેશન્સ અને ફ્રેન્ચાઈઝ તકો માટે નેટવર્ક સાથે સપોર્ટ કરે છે. કોમ્યુનિટીની એકતા અને પ્રગતિ માટેના ઈવેન્ટ્સ અને ઈનિશિયેટિવ્ઝમાં મેમ્બરશિપની ફીનું પારદર્શી પુનઃરોકાણ કરવામાં આવે છે.
સુભાષ ઠકરાર OBEએ આ ઈવેન્ટનું મહત્ત્વ સમજાવતા જણાવ્યું હતું કે,‘સ્કોટિશ બિઝનેસીસ દ્વારા દર્શાવાયેલો ઉત્સાહ સહકાર અને વિકાસની ગર્ભિત ક્ષમતા પ્રદર્શિત કરે છે જે આર્થિક સશક્તિકરણ માટે HEFની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે.’
-----------------------
ફોટોલાઈનઃ HEFના સ્કોટલેન્ડ ચેપ્ટરના લોન્ચિંગ ઈવેન્ટમાં ઉપસ્થિત મહાનુભાવો


