લંડનઃ હિન્દુ દેવી-દેવતાના ચિત્રો સાથેના સ્વિમ-શોર્ટ્સના વેચાણથી હિન્દુઓની લાગણી દુભાઈ છે. લંડનના શાર્ડ ખાતે વડુ મથક ધરાવતા ગ્લોબલ લક્ઝરી શોપિંગ ડેસ્ટિનેશન મેચીસફેશન (MatchesFashion) દ્વારા બજારમાં મૂકાયેલા જિમી હેન્ડ્રિક્સ સ્વિમ શોર્ટ્સને તત્કાળ પાછા ખેંચી લેવા અને હિન્દુઓની માફી માગવા જણાવાયું છે.
યુએસએના નેવાડામાં યુનિવર્સલ સોસાયટી ઓફ હિન્દુઈઝમના પ્રમુખ રાજન ઝેડે જણાવ્યું છે કે,‘ આ શોર્ટ્સમાં ચિતરાયેલા હિન્દુ દેવતાઓ હિન્દુ ધર્મમાં સન્માનીય અને પૂજનીય છે. મંદર અને ઘરમાં પૂજા કરવા માટે છે. કોઈ વ્યક્તિના સાથળ, નિતંબ કે પ્રજનન અંગો પર તેમનું સ્થાન હોઈ ન શકે. હિન્દુ દેવી-દેવતાની મૂર્તિઓ, આદર્શો અને પ્રતીકોનો વેપારી અથવા અન્ય રીતે ઉપયોગ અયોગ્ય છે. તેમણે મેચીસફેશનને વેચાણમાં મૂકાયેલા જિમી હેન્ડ્રિક્સ સ્વિમ શોર્ટ્સને બજારમાંથી તત્કાળ પાછા ખેંચવા અને લાગણી દુભાવવા બદલ હિન્દુઓની માફી માગવા પણ જણાવ્યું છે. વાંધાયુક્ત સ્વિમ શોર્ટ્સ ૨૭૩ ડોલરની કિંમતે વેચાય છે. મેચીનફેશનની સ્થાપના ૧૯૮૭માં થયેલી છે અને તે ૪૫૦થી વધુ લક્ઝરી બ્રાન્ડ્સ ઓફર કરે છે.
વિશ્વમાં હિન્દુ ધર્મ સૌથી પ્રાચીન હોવા ઉપરાંત, ૧.૧ બિલિયન શ્રદ્ધાળુઓ સાથે ત્રીજા ક્રમનો સૌથી મોટો ધર્મ છે. આધ્યાત્મિક અને ફિલોસોફીમાં સમૃદ્ધ આ ધર્મને મજાકમાં લેવો ન જોઈએ. કોઈ પણ, નાના કે મોટા ધર્મના પ્રતીકો સાથે દુર્વ્યવહાર કરાવો ન જોઈએ. રાજન ઝેડે વધુમાં જણાવ્યું હતું કે હિન્દુ દેવીદેવતાઓની આવી મજાકથી વિશ્વભરના હિન્દુઓમાં રોષ સર્જાયો છે. કોઈ પણ ધર્મ પવિત્ર હોય છે અને તેને મજાક બનાવવાથી તેમના અનુયાયીઓ દુભાય તે સ્વાભાવિક છે.