હિન્દુ ધર્મમાં શ્રાવણ અતિ પવિત્ર મહિનો ગણાય છે અને મુખ્યત્વે ભગવાન શિવની પૂજાને સમર્પિત છે. ઉપવાસ, પ્રાર્થના અને પૂજાવિધિઓ સાથેનો શ્રાવણ મહિનો આધ્યાત્મિક પવિત્રતા અને આશીર્વાદ લાવતો હોવાનું મનાય છે. આ સમયગાળો ચોમાસાની ઋતુ સાથે સંકળાયેલો હોવા ઉપરાંત, નવા આધ્યાત્મિક કાર્યોનો આરંભ કરવા માટે શુભ ગણાય છે.
પૌરાણિક દૃષ્ટિએ ભગવાન શિવે પૃથ્વીને બચાવવા વિષપાન કર્યું હતું તે સમુદ્ર મંથનની ઘટના શ્રાવણ મહિનામાં જ થઈ હોવાનું કહેવાય છે. થાઈલેન્ડના બેંગકોક એરપોર્ટ પર સમુદ્ર મંથનને દર્શાવતી વિશાળ સર્પપ્રતિમાને નિહાળતા અમને ભારે આશ્ચર્ય થયું હતું. એરપોર્ટનું નામ સુવર્ણભૂમિ ઈન્ટરનેશનલ એરપોર્ટ છે.
શ્રાવણ મહિનો સમર્પણ, ઉપવાસ અને ધ્યાન દ્વારા આંતરિક શુદ્ધિકરણનો સમય હોવાનું મનાય છે. શ્રાવણ મહિના દરમિયાન દાન-સખાવતી કાર્યો, સ્વયંશિસ્ત અને સમર્પણના કાર્યો થકી રચનાત્મક આધ્યાત્મિક પરિણામો મળતા હોવાનું પણ મનાય છે. શ્રાવણ મહિનામાં ભાઈ-બહેનો, પિતરાઈઓના સંબંધોની ઊજવણી કરતા સાર્વત્રિક ભારતીય ઉત્સવ રક્ષાબંધનમાં બહેનો ભાઈઓના હાથ પર પવિત્ર રાખડી બાંધે છે. આ ઉપરાંત, ભગવાન શ્રીકૃષ્ણના જન્મદિવસ-જન્માષ્ટમી અને બ્રિટિશ રાજથી આઝાદી પ્રાપ્ત કરવાનો રાષ્ટ્રભક્તિનો સ્વાતંત્ર્યદિન પણ શ્રાવણમાં જ આવે છે. આમ, રાષ્ટ્રપ્રેમ, આધ્યાત્મિકતા અને આનંદને એક સાથે માણવાનો આ સમય છે.
ઉત્તર ભારતમાં, કાવડયાત્રા અથવા ગંગા નદીમાંથી પવિત્ર જળને લાવવાની યાત્રા શ્રાવણ મહિના દરમિયાન મહત્ત્વપૂર્ણ ઈવેન્ટ છે. શ્રાવણમાં મંગળવારનો દિવસ દેવી પાર્વતી (ગૌરી)ને સમર્પિત હોય છે અને સ્ત્રીઓ આનંદી લગ્નજીવન માટે ઉપવાસ રાખે છે.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના તમામ વાચકો તેમજ વિશ્વના ઘણા પ્રતિષ્ઠિત ન્યૂઝપેપર્સે પ્રકાશનો બંધ કરી દીધા છે અને ઘણાએ તો નાદારી નોંધાવી છે તેવા સંજોગોમાં યુરોપમાં સૌથી મોટા સાપ્તાહિક ન્યૂઝપેપર્સના પ્રકાશન સાથે સંકળાયેલા સહુ પર ભગવાન શિવ, ભગવાન શ્રીકૃષ્ણ અને માતા ગૌરીના આશીર્વાદ વરસતા રહે તેવી જ શુભકામના.
ઈશ્વર સહુને સલામત અને તંદુરસ્ત રાખે.
સુરેશ અને ભાવના પટેલ
મારખમ, કેનેડા

