અમદાવાદઃ અષાઢ માસના આરંભ સાથે જ હિન્દુ સમુદાયમાં ધાર્મિક પર્વોની મોસમ શરૂ થઇ ગઇ છે. પહેલી જુલાઈના રોજ અષાઢી બીજ એટલે કે ભગવાન જગન્નાથના નગરવિહાર સાથે જ પર્વોની વણઝાર શરૂ થઈ ગઈ છે. અષાઢી બીજથી શરૂ કરીને ઓક્ટોબર માસમાં દિવાલી સુધીના 118 દિવસમાં 29 તહેવારની ઉજવણી થશે. હિન્દુ સમુદાયના સૌથી મોટા અને દિપોત્સવી પર્વ એવા દિવાળી સુધી દર ચોથા દિવસે એક તહેવાર ઉજવાશે. જુલાઈ માસમાં સૌથી વધારે નવ પર્વોની ઉજવણી થશે. જ્યારે ઓગસ્ટ મહિનામાં રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવની રોનક દેખાશે.
ઉલ્લેખનીય છે કે જુલાઈ માસમાં હિન્દુ ચાતુર્માસ શરૂ થવાની સાથે જ નાના-મોટા પર્વોની ઝાકમઝોળ પણ શરૂ થઈ જાય છે. દર વર્ષે જુલાઈથી નવેમ્બર સુધીના સમયગાળામાં જ હિંદુ સમુદાયના મહત્વના અને મોટા પર્વોની ઉજવણી કરવામાં આવે છે. ભગવાન શિવની આરાધનાના મહત્ત્વના અવસર એવા શ્રાવણ માસથી લઈને રક્ષાબંધન, જન્માષ્ટમી, ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી જેવા પર્વો આ ચાર મહિના દરમિયાન જ ઉજવવામાં આવે છે. આમ અષાઢી બીજ સાથે પર્વો-તહેવારોનો આરંભ થઈ જતો હોવાનું માનવામાં આવે છે. અષાઢી બીજથી લઈને દિવાળી સુધીમાં જ મોટા ભાગના પર્વોની ઉજવણી થાય છે. આ વર્ષે 24 ઓક્ટોબરે દિવાળી, 25મીએ નૂતન વર્ષ અને 26મીએ ભાઈબીજ પર્વ છે. ત્યાં સુધીના 118 દિવસમાં 29 તહેવારો છે. જુલાઈમાં સૌથી વધારે 9 પર્વો આવશે. જ્યારે ઓગસ્ટમાં 6, સપ્ટેમ્બરમાં 5 અને ઓક્ટોબરમાં 8 પર્વોની ઉજવણી થશે.


