લંડનઃ હિન્દુ ફોરમ ઓફ બ્રિટન (HFB) દ્વારા પેલેસ ઓફ વેસ્ટ મિન્સ્ટરમાં હાઉસ ઓફ કોમન્સ ખાતે 9 નવેમ્બર 2023ના રોજ 22મી બહુસાંસ્કૃતિક અને બહુધર્મી દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી. આ અનોખી ઉજવણીમાં હિન્દુ સમુદાયની પરંપરાઓ અને યુકેમાં તેના યોગદાનને સ્પષ્ટ કરાયું હતું. લોર્ડ ધોળકિયાએ ઉપસ્થિત કોમ્યુનિટીને રાજકીય કામગીરીના તમામ સ્તરે હિન્દુ અવાજનું પ્રતિનિધિત્વ કરાય તેની ચોકસાઈ માટે ચાવીરૂપ મુદ્દાઓ વિશે વધુ સક્રિયતા દર્શાવવા પ્રોત્સાહિત કરી હતી. પદ્મશ્રી બોબ બ્લેકમેન MP CBE અને એપીપીજી ફોર બ્રિટિશ હિન્દુઝના અધ્યક્ષે છટાદાર સંબોધનમાં ભારતીય મૂળના હિન્દુઓ, શીખો અને જૈનો દ્વારા બ્રિટિશ અર્થતંત્રમાં યોગદાન વિશે ભારપૂર્વક જણાવ્યું હતું.
લોર્ડ ગઢિયાએ હિન્દુ કોમ્યુનિટીની તેમના મહેનતી કાર્ય તેમજ યુકેમાં તમામ કોમ્યુનિટી સાથે શાંતિપૂર્ણ સહઅસ્તિત્વ માટે પ્રશંસા કરી હતી. યુકેસ્થિત યુગાન્ડાના હાઈ કમિશનર નિમિષા માધવાણીએ તમામને દિવાળીની શુભેચ્છાઓ પાઠવવાં સાથે તમામ કોમ્યુનિટીઓને યુગાન્ડાની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું હતું.
થેરેસા વિલિઅર્સ MPએ હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના કાર્યની પ્રશંસા કરવા સાથે ‘હિન્દુવિરોધી પ્રોપેગેન્ડા’નો સામનો કરવા તેમના અવિરત સમર્થનની બાંયેધરી આપી હતી. ડેપ્યુટી લોર્ડ મેયર ઓફ વેસ્ટમિન્સ્ટર, ઓનરરી એલ્ડરવુમન એન્જેલા હાર્વી, હેરોના મેયર કાઉન્સિલર રામજી ચૌહાણ અને બ્રેન્ટના મેયર કાઉન્સિલર ઓર્લીન હીલ્ટોન, ઈલિંગના મેયર કાઉન્સિલર હિતેશ ટેઈલર દ્વારા સંક્ષિપ્ત દિવાળી સંદેશા અપાયાં હતાં.
HFBના પ્રેસિડેન્ટ અને HFB ચેરિટીના ટ્રસ્ટી તૃપ્તિબહેન પટેલે દિવાળીનાં મહત્ત્વ અને અર્થ વિશે જણાવ્યું હતું. ગોધાર્મિક ચેરિટીના સ્થાપક હનુમાન દાસે પાર્લામેન્ટ ઈવેન્ટમાં HFB દિવાળી માટે ડે્પ્યુટી પ્રાઈમ મિનિસ્ટર ઓલિવર ડાઉડેન CBE તેમજ ડેપ્યુટી સ્પીકર ડેમ એલેનોર ફુલ્ટોન લેઈંગ DBE તરફથી આવેલી શ્રેષ્ઠ શુભકામનાઓ જણાવી હતી. બ્રિગેડિયર જ્હોન કેન્ડાલ, અશોક કુમાર ચૌહાણ MBE તથા બ્રિટિશ આર્મી, નેવી અને એરફોર્સથી આવેલા તમામ ઉપસ્થિતોને સ્ટેજ પર આમંત્રિત કરાયા હતા. ટ્રાન્સપ્યુટેકના પ્રમિલા સેહગલ અને વાસ્ક્રોફ્ટ ફાઉન્ડેશનના ચાંદની વોરાએ આર્મ્ડ ફોર્સીસનું બહુમાન કર્યું હતું.
ઈવેન્ટના આરંભે રીમેમ્બરન્સ વીક નિમિત્તે એક મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું. ટીમ જીડીના વિજયજી દ્વારા ‘અસતો મા સદ્ગમય’ શ્લોકનું પઠન કરવામાં આવ્યું હતું તેમજ ISKCONના વિશાખાદેવી દાસી, શિવા ટ્રસ્ટના રમણી દેવી, બ્રહ્માકુમારીઝનાં સિસ્ટર દિપ્તિ ખત્રી અને સિસ્ટર જૈમિનીબહેન પટેલ, રાધા કૃષ્ણ મંદિર બ્લાહામના સ્વામિની સુર્યપ્રભા દીદી, શ્રીમતી દેવયાની પટેલ, HG ફાઉન્ડેશનનાં અનિતા ગોયેલ, સ્કૂલ ઓફ હેરોના મિસ રાનુ એમ રાડિયા, ઈન્ટરફેઈથ નેટવર્ક યુકેના ડાયરેક્ટર મિસ હેરિયટ કાર્બટ્રી, MPHA ના શ્રીમતી જનક અમીન અને વર્ષા મિસ્ત્રીનાં હસ્તે સંયુક્ત દીપપ્રાગટ્ય વિધિ કરાયો હતો.
મહેમાનો સમક્ષ પ્રવીણ પ્રતાપે સુંદર બાંસુરીવાદનથી રિસેપ્શનની જમાવટ કરી હતી. સાજન નર્તન એકેડેમીના કળાકારોએ નેહા પટેલ દ્વારા કોરિયોગ્રાફી કરાયેલું પરંપરાગત ભક્તિમય શાસ્ત્રીય નૃત્ય રજૂ કર્યું હતું. ભજનગાયક મિસ શિવાલી ભામ્મેર દ્વારા આ કાર્યક્રમનું સમાપન કરાયું હતું. પ્રિયદર્શિની દ્વારા ભરતનાટ્યમની અનોખી કોરિયોગ્રાફીને સહુએ વખાણી હતી.
સમગ્ર યુકેની સભ્ય સંસ્થાઓ અને HFB ના લક્ષ્યોમાં યોગદાન આપતાં બિઝનેસીસના પ્રતિનિધિઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિતોમાં મોહનજી ફાઉન્ડેશનના વિજય રામાનાયડુ, એક્ટ ફાઉન્ડેશનના જય જયશલીન, અહિંસા કાફેના હેમંત પાંડા, ક્રિસ્ટોફર ગ્રીનવૂડ SMP, નીલેશ સોલંકી અને હીના સોલંકી, લુબોક ફાઈન LLP ના કાજલ નાયી, ફિન્સોલ ટેક્સ કન્સલ્ટન્ટ્સના રાજેશ વેકરિયા, ચાંદની વોરા, રેવેલસ્ટોક ફાર્મસીના ઉમેશ અમીન, યુરોકેનના વિનોદ હાલાઈ, એવરગ્લેડના જયેશ હિરાણી, વેસ્ટ હેરો ગેરેજના અશ્વિન હાલાઈ, એબીકેરના જયેશ પટેલનો સમાવેશ થયો હતો.
વિવિધ મંદિરો અને સમાજના નેતાઓનો તેમના સતત સંપર્કકાર્ય, સપોર્ટ અને આધ્યાત્મિક સહભાગિતા બદલ ઉલ્લેખ કરાયો હતો. ઉલ્લેખિતોમાં, BAPS ના વિનુભાઈ ભટ્ટેશા અને ડો. મયંક શાહ, જલારામ મંદિરના પ્રકાશ ગંડેચા, HCUKના જનરલ સેક્રેટરી શ્રી રજનીશ કશ્યપ, NCHT ના પ્રેસિડેન્ટ અરુણ ઠાકર, SSGP ના શ્રી ગોવિંદભાઈ પટેલ, કેમ્બ્રિજ સનાતન વિલેજના ડો. માલવ ભીમપુરીઆ, અનૂપમ મિશનના વિનોદ નાકરજા, HSS ના વિશાલ શાહ, NHSF ના ભવ્યા શાહ, KPCS ના સોનલ શેર, ડોગરા સોસાયટી યુકેના મનુ ખજુરીઆ, APPG ઈન્ડિયન સાયન્સીસના અમરજીત ભામરા અને HFB ના પ્રથમ PRO કપિલ દૂદકીઆનો સમાવેશ થયો હતો.
મેગેઝિનનું ડિઝાઈન અને પ્રિન્ટ કાર્ય બિમલભાઈ પટેલ દ્વારા કરાયું હતું. HFB ના કોમ્યુનિટી લાયેઝન વાઈસ પ્રેસિડેન્ટ પ્રવીણભાઈ અમીને મહેમાનોનું સ્વાગત કર્યું હતું. HFB દિવાળી કમિટીના અધ્યક્ષ વેલજીભાઈએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો.