હિન્દુ મહાકાવ્ય રામાયણને જીવંત બનાવતા રેપરટરીના યુવાનો

ધીરેન કાટ્વા Tuesday 11th July 2017 09:26 EDT
 
 

બર્મિંગહામઃ ધ યંગ REP ૧૮-૨૫ કંપની દ્વારા રજૂ કરાયેલા હિન્દુ મહાકાવ્ય રામાયણમાં ઉભરતા અભિનેતા અને યુવા ડિરેક્ટર ભાવિક પરમારે હનુમાનજીનું પાત્ર ભજવ્યું છે. આ કંપની બર્મિંગહામ રેપરટરી (REP) થીએટરની યુવા પાંખ છે. રામાયણ અશુભ પર શુભના વિજયની કથા છે.

ભાવિક પરમારે જણાવ્યું હતું કે,‘રામાયણ દર્શાવે છે કે વિશ્વ સતત નકારાત્મકતા રાચે છે, જ્યાં દુષ્ટ ઈરાદા, કાળજીનો અભાવ અને અસમાનતા વ્યાપક છે છતાં, આશા અને શ્રદ્ધા સાથે વિશ્વમાં આ અવરોધો પાર કરવાની પૂરતી હિંમત અને શક્તિ મળે છે. આ કારણથી જ આ કથા સદા માટે પ્રસ્તુત બની રહે છે.’

દોઢ કલાકના પરફોર્મન્સમાં ૧૫ કળાકારોએ ભૂમિકા ભજવી છે. બર્મિંગહામ REPમાં એજ્યુકેશન ઓફિસર ૨૪ વર્ષીય ભાવિક પોતાના બાળપણને યાદ કરતા કહે છે કે ‘મને મારી માતૃભાષા ગુજરાતીમાં રામાયણની વાર્તાઓ કહેવાતી હતી. ઘણા શબ્દો અને ઉપદેશોની મને સમજ પડતી ન હતી પરંતુ, આ પરફોર્મન્સમાં ભાગ લેવાથી મને મારા ધર્મનું સંશોધન કરવાની તક મળી છે.’ ગુજરાતના જામનગરમાં જન્મેલા અને ૧૯૯૬માં બ્રિટન આવેલા ભાવિકે રોયલ સેન્ટ્રલ સ્કૂલ ઓફ સ્પીચ એન્ડ ડ્રામા, યુનિવર્સિટી ઓફ લંડનથી ૨૦૧૪માં ડ્રામા, એપ્લાઈડ થીએટર અને એજ્યુકેશનમાં બીએ (ઓનર્સ) ડીગ્રી મેળવી છે.

રામાયણના ડિરેક્ટર અને એંગ્લો-ઈન્ડિયન વારસો ધરાવતા ડેનિયલ ટાયલર બર્મિંગહામ REPમાં એજ્યુકેશન વડા છે. તેમણે ૧૫ વર્ષ અગાઉ રામાયણના આ સ્વરુપનું બર્મિંગહામ REPમાં પ્રીમિયર કરાયું હતું તેની વાત કરી હતી. ધ યંગ REPમાં ૩૦૦થી વધુ સભ્યો છે જેઓ ૭થી ૨૫ વયજૂથના છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter