લંડનઃ હિન્દુ ફોરમ યુકે (HEF UK)ની સાથોસાથ વિકસી રહેલા હિન્દુ વિમેન એન્ટ્રેપ્રીન્યોર નેટવર્ક (HWEN) દ્વારા વિમેન એન્ટ્રેપ્રીન્યોરશિપ અને કોમ્યુનિટી ઉત્કૃષ્ટતાને ઉજવતી સીમાચિહ્ન સાંજ HWEN બિઝનેસ એક્સપો 2025નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ 17 બિઝનેસ સ્ટોલ્સ થકી આપણી વ્યાપક કોમ્યુનિટીમાં ઉદ્યોગસાહસિકતા અને ઈનોવેશન્સનુ પ્રદર્શન કરાયું હતું, જેમાં ફાઈનાન્સ, જ્વેલરી, વેલનેસ, ટેકનોલોજી, ફેશન અને લાઈફ સ્ટાઈલ સહિત પ્રોડક્ટ્સ અને સર્વિસીસ રજૂ કરાયા હતા.
HEF કમિટી સભ્ય અને HWEN પાછળ ગતિશીલ બળ શ્વેતા સિંહની અભૂતપૂર્વ નેતાગીરી થકી આ ઈવેન્ટ શક્ય બન્યો હતો. ઈવેન્ટમાં ઈલિંગ સાઉથોલના પૂર્વ સાંસદ વિરેન્દ્ર શર્મા, હર્ટ્સમીઅરના પૂર્વ ડેપ્યુટી મેયર કાઉન્સિલર પરવીન રાણી, બેલમોન્ટ કાઉન્સિલના કાઉન્સિલર મીનાબહેન પરમાર, હેરોના પૂર્વ મેયર કાઉન્સિલર કૃષ્ણા સુરેશ, હેરોના પૂર્વ ડેપ્યુટી મેયર કાઉન્સિલર શશિકલા સુરેશ, હેરો કાઉન્સિલના કાઉન્સિલર ચેતના હાલાઈ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.
HEF Ukના સીઈઓ કન્નાઈયાન શંકરે હિન્દુ કોમ્યુનિટી માટે એકસંપ ઈકોનોમિક પ્લેટફોર્મ્સની આવશ્યકતા અને બ્રિટનની એન્ટરપ્રાઈઝ ઈકોસિસ્ટમમાં તેમના યોગદાનો વિશે જણાવ્યું હતું. ચાવીરૂપ વક્તાઓમાં નેટવેસ્ટ ગ્રૂપના કસ્ટમર પ્રપોઝિશન એન્ડ જર્નીઝના મેનેજિંગ ડાયરેક્ટર તન્વી ગોખલેએ ફાઈનાન્સિયલ સેક્ટરમાં તેમની નેતૃત્વ યાત્રા વિશે જણાવી મહિલાઓ ઈન્ડસ્ટ્રીઝના નિર્માણ અને પરિવર્તન માટે આગળ આવે તેના પર ભાર મૂક્યો હતો. પોટર્સ એકાઉન્ટિંગ એન્ડ ફાઈનાન્સના માલિક વ્રિશા કૌશલે ત્રણ બાળકોને ઉછેરવા સાથેની યાત્રા વિશે જણાવ્યું હતું. ગેટ એ ડ્રિપ-પિન્નેરના પાર્માસિસ્ટ અને માલિક ગુપિન્દર શ્યાને ફાર્મસીમાંથી વેલનેસ એન્ટ્રેપ્રીન્યોરશિપની યાત્રાની વાત કરી હતી.
યુથ હિન્દુ એન્ટ્રેપ્રીન્યોર્સ નેટવર્ક (YHEN)ના પ્રતિનિધિ સંકેત ટકાલેએ આગામી યુવા કાર્યક્રમો અને મેન્ટરશિપ ઈનિશિયેટિવ્ઝ સંદર્ભે ખાસ રજૂઆતો કરી હતી.
HWENના કોઓર્ડિનેટર ઈન્દુ વેણુગોપાલ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો. તેમણે વક્તાઓ, વોલન્ટીઅસર તેમજ શ્વેતા સિંહ, સોનિયા પટેલ, હેમા અરાન, અનુરાધા શર્મા, પ્રભાવતી અન્પાઝાગનની બનેલી કોર એડમિન ટીમ પ્રતિ આભાર વ્યક્ત કર્યો હતો. ડિનર અને વાઈબ્રન્ટ નેટવર્કિંગ સાથે સાંજનું સમાપન થયું હતું.


