બ્રિટિશરોએ ભારત પરનો કબજો મજબૂત બનાવવા ઉભી કરેલી દરેક તકમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિનું વિષચક્ર સર્જ્યું હતું. આમાં સૌથી વિનાશક બાબતોમાં એકમાં એવો પ્રચાર કરાયો કે ઉત્તરના આર્યો દક્ષિણના દ્રવિડ લોકોથી તદ્દન ભિન્ન છે. આપણને એમ શીખવાડાયું કે આર્યોએ યુરોપ થઈને આક્રમણ કર્યું હતું અને ભારતના દક્ષિણ હિસ્સા પર પોતાની સંસ્કૃતિ થોપી દીધી હતી. આપણા શસ્ત્રો અને પુરાણોમાં તો આર્યો ભારતના જ મૂળ વતની હોવાના પૂરતાં પુરાવા અપાયેલા છે જ્યારે એક સમયે ભારતનો વિસ્તાર અફઘાનિસ્તાન, નેપાળ, તિબેટ, પાકિસ્તાન, બાંગલાદેશ અને મ્યાંમાર સહિતના વિશાળ પ્રદેશો સુધી વિસ્તરેલો હતો.
આપણા આધ્યાત્મિક વારસાનું મર્યાદિત જ્ઞાન કે જાણકારી હોય તેવા લોકો એમ વિચારે છે કે દક્ષિણ ભારતના લોકો શિવપંથી કે પરંપરાઓને અનુસરે છે જ્યારે ઉત્તરના લોકો વૈષ્ણવપંથ કે પરંપરાને અનુસરે છે. વાસ્તવમાં વૈષ્ણવપંથની મુખ્ય વિચારધારાઓ દક્ષિણ ભારતમાં જ ઉદ્ભવી છે. રામાનુજનો જન્મ હાલના તામિલનાડુમાં 1017માં થયો હતો. અલ્વર્સની માફક તેમણે વૈષ્ણવવાદનો પ્રસાર કર્યો હતો. કર્ણાટકમાં 1238માં જન્મેલા માધવાચાર્ય અને 788માં કેરળમાં જન્મેલા આદિ શંકરે પણ વૈષ્ણવવાદનો પ્રસાર કર્યો હતો. તેમનું પ્રસિદ્ધ ભક્તિકાવ્ય ‘ભજ ગોવિંદમ’ દરેકને ગોવિંદ અથવા કૃષ્ણની આરાધના કરવાનો અનુરોધ કરે છે.
દક્ષિણ અને ઉત્તર ભારત, બંનેમાં સંસ્કૃતનું સ્થાન ઈશ્વરીય ભાષાનું જ છે
દક્ષિણ ભારતમાં કૃષ્ણ અને વિષ્ણુને વિભિન્ન નામોથી ઓળખવામાં આવે છે. કૃષ્ણને તામિલનાડુમાં પાર્થસારથી કહેવાય છે તો તામિલ ભાષામાં કાનન પણ કહેવાય છે. કર્ણાટકમાં કૃષ્ણને વેણુગોપાલા સ્વામી તરીકે પણ ઓળખાવાય છે. કેરળમાં ભગવાન કૃષ્ણનો જન્મદિવસ જન્માષ્ટમી તરીકે ધામધૂમથી ઉજવાય છે. મોટા ભાગના લોકો મધરાત સુધી ઉપવાસ રાખે છે. પરિવારના સૌથી નાના સભ્યને કૃષ્ણ તરીકે વસ્ત્રો પહેરાવાય છે. પ્રસિદ્ધ પદ્મનાભ સ્વામીનું મંદિર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. ભગવાન અય્યપા હરિ અથવા વિષ્ણુ અને હરન (શિવ)ના પુત્ર છે. બાલાજી તરીકે ઓળખાતા વેંકટેશ્વરા ભગવાન વિષ્ણુના 10 અવતારોમાં એક છે. કેરળનું પ્રસિદ્ધ ગુરુવાયુર ટેમ્પલ વિષ્ણુનું પવિત્રધામ છે જેઓ કૃષ્ણના નામથી પણ લોકપ્રિય છે. લોર્ડ મુરુગન તો પાર્વતી અને શિવના પુત્ર અને ભગવાન ગણેશના ભાઈ છે જેઓ કાર્તિકેયાના નામથી પણ ઓળખાય છે. તામિલનાડુના મહાન કવિ, સંત અને દાર્શનિક થિરુવલ્લુવર (ઈ.પૂ. 31) પોતાના પુસ્તક થિરુક્કુરાલ -Thirukkuralમાં કોઈ સ્થળે દ્રાવિડ સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા નથી. દક્ષિણ ભારતમાં રામાયણની કથામાં સીતાજીનું અપહરણ, રાવણના હાથે જટાયુનો વધ, ભગવાન રામની વાનરસેના દ્વારા સેતુનું નિર્માણ અને ભગવાન હનુમાનજીના શ્રી લંકા સુધી ઉડ્ડયનની વાતો આવે છે. ભગવાન રામે રાવણ સામે યુદ્ધ કરતા પહેલા શિવપૂજા કરી હતી. પાછા ફરતી વખતે પણ તેમણે બ્રાહ્મણ રાવણના વધનું પ્રાયશ્ચિત કરવા શિવપૂજા કરી હતી.
દક્ષિણના રાજ્યોમાંથી હજારો ભાવિકો ‘જય શ્રી રામ’ના ઉચ્ચારો સાથે રામેશ્વરમના પવિત્ર મંદિરની યાત્રાએ જાય છે. આંધ્ર પ્રદેશનું પ્રસિદ્ધ તિરુપતિ બાલાજી મંદિર લોર્ડ વેંકટેશ્વરાને સમર્પિત છે જેઓ ભગવાન વિષ્ણુનું જ સ્વરૂપ છે.
ભરત નાટ્યમ જેવાં દક્ષિણ ભારતના પ્રસિદ્ધ નૃત્ય પ્રકારોમાં નિશ્ચિતપણે રામ, કૃષ્ણ અને શિવની કથાઓની રજૂઆતો કરાય છે. હિન્દી ભાષાને લાદવાના ભાષાકીય વિવાદને વડા પ્રધાન મોદીએ પ્રભાવહીન બનાવી દીધો છે જેમણે ભારતની તમામ ભાષાઓ મહત્ત્વની હોવાનું કહેવા સાથે પ્રાદેશિક ભાષાઓને પ્રોત્સાહન આપવાની યોજનાઓ જાહેર કરી હતી.
દક્ષિણ ભારતના મારા તાજેતરના પ્રવાસોમાં જણાયું હતું કે હિન્દી બાષા પ્રત્યે કોઈ દુર્ભાવ નથી અને ઘણા લોકો હિન્દી બોલતા પણ હતા. આ અનિવાર્ય જ છે કારણકે ભારતના લોકોમાં નોકરીધંધાના કારણોસર વિવિધ રાજ્યોમાં સતત સ્થળાંતર કે આવનજાવન કરતા રહેવાનું પ્રમાણ વધ્યું છે. સમાપનમાં એટલું કહેવાનું કે ઉત્તર અને દક્ષિણ ભારત હિન્દુત્વ થકી મજબૂતપણે જોડાયેલાં છે. જેઓ વિભાજન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે તેઓ નિષ્ફળ જ રહેવાના છે.
www.nitinmehta.co.uk


