ધ ઈકોનોમિસ્ટના મુખપૃષ્ઠ પર નરેન્દ્ર મોદી કાગળના વાઘ પર સવારી કરતા હોય તેમ દર્શાવાયું છે. તે શેનો નિર્દેશ કરે છે? કોઈ પણ વાચકનો તત્કાળ પ્રતિભાવ તો એ જ રહેવાનો કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર તેમના દેશને ગેરમાર્ગે દોરી રહી છે. ઘણી વખત ભ્રમણાઓ ભૂલાવામાં નાખી દે છે. ધ ઈકોનોમિસ્ટ સન્માનીય પ્રકાશન છે. આ જ કદાચ તેની શૈલી છે. ઉશ્કેરણી કરે તેવી હેડલાઈન કે મથાળું વાચકોનું ધ્યાન ખેંચે છે. આર્ટિકલમાં ઝીણા અક્ષરે શું લખાયું છે તે કોણ વાંચે છે?
ધ ઈકોનોમિસ્ટે તેની આખા પાનની કોમેન્ટ કે તંત્રીલેખ સાથે ત્રણ પાના આર્ટિકલને ફાળવ્યાં છે. તેઓ જેને ખામીપૂર્ણ નેતૃત્વ માને છે તેના પર ભાર મૂકવા બહુમૂલ્ય ૫,૦૦૦ શબ્દોનો ઉપયોગ કર્યો છે. આપણે માત્ર હેડલાઈન પર જ ધ્યાન આપવાની જરૂર નથી. ફાઈન પ્રિન્ટ શું કહે છે તે પણ આપણે જોઈ લઈએ. પાન-૨૧ પરની સબ-હેડલાઈન કહે છે કે,‘નરેન્દ્ર મોદીએ ભારતીય અર્થતંત્રના સંચાલનની ઠીક કહેવાય તેવી કામગીરી બજાવી છે પરંતુ, તેને સુધારવા માટે તે પૂરતી નથી.’ પહેલી જુલાઈથી અમલી બનનારા ગુડ્ઝ એન્ડ સર્વિસીસ ટેક્સ સંદર્ભે ધ ઈકોનોમિસ્ટ ઘણું સકારાત્મક નીરિક્ષણ કરે છે. એક રીતે આ ઐતિહાસિક પગલું ભારતીય બિઝનેસીસ માટે રાહત લાવનારું બની રહેશે તેમ કહેવા સાથે તેમાં એમ પણ જણાવાયું છે કે,‘નરેન્દ્ર મોદી સત્તા પર આવ્યા ત્યારે ઉદારીકરણના સુધારા ભારતીય અર્થતંત્રમાં નવો પ્રાણ ફૂંકશે તેવી હવા બંધાઈ હતી.’ ચોક્કસપણે, એવી પણ શક્યતા હતી કે GSTને વધુ સંપૂર્ણ બનાવી શકાયું હોત. આપણે બધા ‘અડધો ગ્લાસ ભરેલો અને અડધો ગ્લાસ ખાલી’ના અવલોકન વિશે જાણીએ છીએ.
આગળ વાત કરીએ તો, ધ ઈકોનોમિસ્ટ એવો દાવો કરે છે કે ૨૦૧૪ના પ્રકરણ સુધી લઈ જતા ‘ચૂંટણીપ્રચાર દરમિયાન (આ અખબારે) ભાજપના સાંપ્રદાયિક અને ધ્રુવીકરણના ઝોક વિશે ભય પ્રદર્શિત કર્યો હતો.’ ખરેખર, આવું હતું? કેટલાકનો મત એવો છે કે મોદી લગભગ ચૂંટાઈ આવ્યા ત્યાં સુધી તો ધ ઈકોનોમિસ્ટનો નરેન્દ્ર મોદી વિશેનો અભિપ્રાય તદ્દન અલગ હતો.
આપણે આ લેખના અન્ય નિવેદનોને પણ તપાસીએ. ‘મિ. મોદીએ દર્શાવ્યું છે કે તેઓ વારસામાં મળેલી આર્થિક મશીનરીના કાબેલ વહીવટકાર છે. ભ્રષ્ટાચારમાં ઘટાડો થયેલો દેખાય છે, ઓછામાં ઓછું સરકારના ઉચ્ચ સ્તરોએ તો આમ જ છે. જોકે, જેના થકી ટકાઉ વિકાસ આવી શકે તેવા સુધારાઓ તરફ તેમનું વલણ ઉદાસીન છે...’ ભારત જેવા વિશાળ દેશમાં, જ્યાં લોકશાહી જોશપૂર્ણ, ઘોંઘાટપૂર્ણ અને કદી તો વિભાજક જણાય ત્યાં સરકારના કોઈ પણ નીરિક્ષકને મોદીના નેતૃત્વ હેઠળના NDA અને ભાજપની સરકારના પ્રથમ ત્રણ વર્ષની કામગીરીથી આનંદ અને લગભગ સંતોષ થાય તેમ કહી શકાય. હવે આપણે ફરી ધ ઈકોનોમિસ્ટને ટાંકીએ. ‘ઈન્વેસ્ટમેન્ટના નિયમોમાં છૂટાછવાયાં ઉદારીકરણે વિદેશી હુંડિયામણની વિક્રમી રકમો હાંસલ કરવામાં મદદ કરી છે, જે અત્યાર સુધી નીચા સ્તરે હતી. સ્ટોકમાર્કેટમાં પણ તેજી છે. એપલ અને એમેઝોન જેવા ટેક જાયન્ટ્સ ભારતને ભાવિ સરહદ તરીકે તરીકે નિહાળી રહ્યા છે.’
ઓઈલના ગગડેલાં ભાવનો યોગ્ય ઉપયોગ
ભારત ઓઈલનો મોટો આયાતકાર દેશ છે અને ઓઈલના ગગડેલાં ભાવે દેખીતી રીતે જ ભારતની ઘણી મદદ કરી છે. ધ ઈકોનોમિસ્ટ પણ કહે છે કે‘તબક્કાવાર ફ્યુલ સબસિડી ઘટાડવા અને બજેટની ખાધને મુખ્યત્વે અંકુશમાં રાખવા ઓઈલના અચાનક લાભનો સમજદારીપૂર્ણ ઉપયોગ કરવાનો યશ મિ.મોદીને જ મળવો જોઈએ.’
‘મે ૨૦૧૬માં દાખલ કરાયેલો નવો નાદારી કાયદો ધીરાણના કોન્ટ્રાક્ટને અમલી બનાવી શકશે..મિ. મોદીએ આધાર તરીકે ઓળખાતી રાષ્ટ્રવ્યાપી બાયોમેટ્રિક યોજનાની પણ હિમાયત કરી છે... આધારથી મળનારા લાભ નોંધપાત્ર બની રહેશે...’ કદાચ ધ ઈકોનોમિસ્ટે એમ કહેવું જોઈતું હતું કે ખરેખર યુપીએ સરકારના શાસનમાં વિકસાવાયેલી આધાર યોજનાનો અમલ કરવામાં મોદી સરકારે જરા પણ ખચકાટ અનુભવ્યો ન હતો. ધ ઈકોનોમિસ્ટને આધારથી મળનારા લાભ અપાર જણાયા છે ત્યારે વિમુદ્રાકરણ- ડીમોનેટાઈઝેશનને તેણે હિંમતભર્યું પગલું લેખાવ્યું છે. એક રીતે તેના આ પગલું આવશ્યક જણાયું છે. તે દેખીતી રીતે જ લોકોની માનસિકતામાં વિશાળ પરિવર્તન હતું અન્યથા લોકશાહીના નિયંત્રણોની અંદર તેનો વહીવટી રાતોરાત થઈ શકે તેમ ન હતો. ભારત એ કાંઈ ચીન નથી.
ધ ઈકોનોમિસ્ટને બજારમાં અપારદર્શકતા, શિક્ષણક્ષેત્રમાં સક્ષમ વર્કફોર્સ વગેરે સહિતની બાબતોની ચિંતા છે. ચોક્કસ, આ અને ઘણી બધી બાબતો આવશ્યક છે. પરંતુ, આપણને આશ્ચર્ય એ બાબતનું થાય કે 'Modi's India' સાથે ખાસ કરીને નકારાત્મક ભ્રમણા સજાવીને ધ ઈકોનોમિસ્ટ શા માટે આટલી હદે નીચે ઉતરી ગયું . ’ તેઓ રીફોર્મર કરતા તો કાબેલ વહીવટકાર વધુ છે.. તેઓ પોતાના પુરોગામી કરતા વધુ ઊર્જાવાન છે.’
ધ ઈકોનોમિસ્ટને ભારતમાં કેટલીક ધાર્મિક બાબતો વિશે યોગ્ય ચિંતા છે અને આમાં કશું ખોટું નથી. આપણે અથવા તો હું એક શાકાહારી તરીકે પણ લોકોએ શું ખાવું અને શું ન ખાવું તેવી સૂચના આપતાં કોઈ રાજ્યતંત્રને સમર્થન આપતો નથી.
‘સુધારાઓ માટે રાજકીય સંજોગો અનુકૂળ હોય તે પણ હંમેશાં જરૂરી છે. મિ. મોદીની સરકાર દાયકાઓમાં સૌથી વધુ મજબૂત છે. પાર્લામેન્ટના નીચલા ગૃહમાં તેની ભારે બહુમતી છે અને ઉપલા ગૃહનો અંકુશ મેળવવા તરફ આગળ વધી રહી છે. આ ઉપરાંત, મોટા રાજ્યોમાં તેનું શાસન ચાલે છે અને વિપક્ષો હતાશ છે.’ હવે આપણે ધીમા પડીએ. તમે પ્રભાવશાળી પરિબળને સરળતાથી બદલી શકતા નથી. વાત તો આગળ વધી જ રહી છે. દર વખતની માફક, જોકે, અગાઉની સરખામણીએ એનું પ્રમાણ ઘટી ગયું છે, ધ ઈકોનોમિસ્ટ વાચકોને ૨૦૦૨ના ગુજરાત રમખાણોની યાદ અપાવે જ છે. મારે સ્પષ્ટપણે કહેવું જોઈએ કે મારા પ્રકાશનો દ્વારા વારંવારના સંપર્ક પછી તેમજ અન્ય રજુઆતના પરિણામે ધ ઈકોનોમિસ્ટ, ફાઈનાન્સિયલ ટાઈમ્સ અને અન્ય પ્રકાશનોએ તેમનો મત બદલી નાખ્યો છે અથવા અતિશયોક્તિને થોડી હળવી બનાવી છે અને ‘જેનોસાઈડ’ કે ‘જાતિસંહાર’ જેવાં અનુચિત અને ઉશ્કેરણીજનક શબ્દોનો ઉપયોગ બંધ કર્યો છે.
આથી ધ ઈકોનોમિસ્ટ નિસ્તેજ વધુ જણાય છે. કદાચ, મોદી સરકારના વધુ સુસ્પષ્ટ બેલેન્સ-શીટ સાથે આપણે યોગ્ય આર્ટિકલને ચોક્કસ આવકારીશું. જોકે, ત્યાં સુધી તો હેડલાઈનના શબ્દોનો અતિરેક લેખમાં અંદર ઝીણા અક્ષરે છપાયેલી સામગ્રી સાથે જરા પણ બંધબેસતો નથી.