હેન્ડ ઓન હાર્ટઃ લંડનમાં ઘરવિહોણાની મદદ

Friday 07th August 2020 06:45 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસ મહામારી દરમિયાન લંડનના ઘરવિહોણા લોકોને ‘હેન્ડ ઓન હાર્ટ’ પ્રોજેક્ટ થકી મહત્ત્વની મદદ સાંપડી છે. ૧૨૦થી વધુ વોલન્ટીઅર્સની સહાય સાથે ‘હેન્ડ ઓન હાર્ટ’ પ્રોજેક્ટ સમગ્ર સેન્ટ્રલ લંડનમાં ઘરવિહોણા લોકોને ૮૫૦ આવશ્યક પેક્સ પૂરાં પાડવામાં આગળ રહ્યો હતો. આ પેક્સમાં હેન્ડ સેનેટાઈઝર્સ, વેટ વાઈપ્સ, મોજાં, અંડરવીઅર્સ અને જીવન આરામપ્રદ બનાવે તેવી વધારાની ચીજવસ્તુઓનો સમાવેશ કરાયો હતો.

આમ તો, મહામારી દરમિયાન ઘરવિહોણા લોકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો પરંતુ, શેરીઓમાં ઘણા લોકો એવા હતા જેમને મદદની જરુર હોય. ‘હેન્ડ ઓન હાર્ટ’ના પ્રોજેક્ટ લીડર અફઝલ પ્રધાન BEMએ જણાવ્યું હતું કે,‘ કારણ ગમે તે હોઈ શકે પરંતુ, લંડનની શેરીઓમાં સુઈ રહેનારા ઘરવિહોણા લોકોની સંખ્યા ઘણી છે. આવા સમયગાળામાં જ ઘરવિહોણા લોકોને અગાઉ કરતાં મદદની વધુ જરુર રહે છે. આ પેક્સના વિતરણ દરમિયાન, આભાર અને કદરની વ્યક્ત કરાયેલી લાગણી ખરેખર અભૂતપૂર્વ હોય છે. મદદ મેળવનારાઓએ પેક્સ અને આઈટમ્સની કદર કરી એટલું જ નહિ, વય, સંસ્કૃતિ અથવા બેકગ્રાઉન્ડની ચિંતા કર્યા વિના તેમને મદદ કરનારા લોકો હોય છે તે જાણીને તેઓ ઘણા આભારી બન્યા હતા.’

વર્ષ ૨૦૨૦માં ન્યૂ યર્સ ઓનર્સમાં ક્વીનના હસ્તે BEMનો ખિતાબ મેળવનારા અફઝલ પ્રધાન તેમના પત્ની આસિફા સાથે હજારો ઘરવિહોણા લોકોને આવશ્યક ચીજવસ્તુઓ પૂરી પાડવાના હેન્ડ ઓન હાર્ટ પ્રોજેક્ટનું સંચાલન કરે છે. હેન્ડ ઓન હાર્ટ પ્રોજેક્ટ હેઠળ હેરો, હેમેલ હેમ્પસ્ટીડ, વોટફર્ડ, સેન્ટ આલબાન્સ સહિત નજીકના વિસ્તારો તેમજ લંડનના મિલ્ટન કીનેસ જેવા દૂરના વિસ્તારોમાં પણ મદદ પહોંચાડવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter