લંડનઃ કેમ્બ્રિજશાયરના હેમર્ટન ઝૂ પાર્કમાં ગત સોમવારની સવારે જીવલેણ ઘટનામાં ૩૩ વર્ષીય ઝૂકીપર રોઝા કિંગને વાઘે ફાડી નાખતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એનિમલ પાર્કના સત્તાવાળાઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે કોઈ પ્રાણી તેના એન્ક્લોઝરમાંથી નાસી છૂટ્યું ન હતુ. સોશિયલ મીડિયામાં એવી અફવાએ જોર પકડ્યું હતું કે વાઘ પાંજરામાંથી નાસી છૂટ્યો હતો પરંતુ, પોલીસે પણ આવું કશું ન થયાને સમર્થન આપ્યું હતું.
ઝૂના અધિકારીઓએ જણાવ્યું હતું કે સવારે આશરે ૧૧.૧૫ની ઘટનામાં મહિલા ઝૂકીપર કામ કરી રહી હતી તે એન્ક્લોઝરમાં વાઘ પ્રવેશ્યો હતો. મેનેજમેન્ટે આ ઘટનાને ‘વિચિત્ર અકસ્માત’ ગણાવ્યો હતો. વાઘ નાસી છૂટ્યો હોવાની અફવાઓ વચ્ચે સ્ટીપલ ગીડિંગ ખાતેના ઝૂમાંથી મુલાકાતીઓને બહાર કાઢવામાં આવ્યા હતા.
મંગળવારે ઝૂ બંધ રાખવાની જાહેરાત સાથે મેનેજમેન્ટ દ્વારા જણાવાયું હતું હતું કે, ‘અમારો સ્ટાફ ગભરાયેલો હોવાથી મીડિયા સાથે વાતચીત કરી શકે તેમ નથી કારણકે અમારા એક સાથીનું સવારે મોત થયું છે. આ ઘટનામાં કોઈ પ્રાણી પાંજરામાંથી બહાર આવ્યું નથી અને લોકોની સલામતીને અસર થઈ નથી.’


