લંડનઃ શનિવારની સવારની ઠંડી છતાં હુંફાળા તડકામાં લંડનનો મિલેનિયમ ટાવર પાયર પ્રવાસીઓથી ધમધમતો હતો પરંતુ, તેમાંથી ‘બ્રિટિશ વિમેન ઈન સારીઝ’ની મહિલાઓ અને પરંપરાગત સુંદર ભારતીય વસ્ત્રોમાં સજ્જ તેમના ડાયસ્પોરાના જીવનસાથીઓ અલગ તરી આવતાં હતાં. તેઓ અરસપરસ વાતચીતમાં પરોવાયેલા હતા અને કેટલાક તો તેમના વસ્ત્રોની જાળવણી, તેના સ્રોત અને પ્રેરણા વિશે વાત કરતા હતા. જ્યારે અન્ય લોકો તેમના પ્રયાસોને બિરદાવી ભાગ લેનારાઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા.
આ જૂથ મુખ્યત્વે ગ્રામીણ ભારતના વણકરો અને કલાકારો દ્વારા વણાયેલા તેમના રાજસી ઠાઠ અને પરંપરાગત વસ્ત્રો થકી ભારતના વારસા અને સંસ્કૃતિને દર્શાવવા કેટવોક કરવા બોટમાં જવા લંડનના કિનારે એકત્ર થયું હતું. આ વખતે સંસ્થાની સ્ત્રીઓ સાથે તેમના ઉત્સાહી જીવનસાથીઓ પણ પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતા. મોટા ભાગે યુગલ તરીકે ચાલતા પાર્ટિસિપેન્ટ્સે બોટના અપર ડેકમાં ભવ્યતાથી પ્રવેશ કર્યો હતો. તેઓ લોકપ્રિય અને સ્થાનિક ફિલ્મ અથવા ભારતમાં તેમના રાજ્યોના લોકગીતોની ટ્યૂન્સ પર નાચી રહ્યા હતા.
ઈરેઝમસ બોટ પર જતા પહેલા કેટલાકે કોટ અથવા શાલ પહેર્યા વિના જ ભવ્ય ટાવર ઓફ લંડન સમક્ષ પોઝ આપ્યા હતા અને તેમના ભવ્ય ભારતીય સાડીઓ, ઘાઘરા, શેરવાની અને ધોતી વસ્ત્રોને પ્રદર્શિત કર્યા હતા. સંસ્થાના ઓર્ગેનાઈઝર ડો. દિપ્તી જૈન પરંપરાગત બંગાળી સ્ટાઈલમાં લાલ અને ગ્રીન સાડી, લાલ બિંદી અને રાજસી જ્વેલરીમાં સજ્જ હતા. તેઓ ગ્રૂપના સભ્યોને તેમના રાજ્ય મુજબ સત્તાવાર તસવીરો માટે કતારમાં ઉભા રાખવા ઉત્સાહપૂર્વક દોડાદોડી કરી રહ્યાં હતાં.
બપોરના એક વાગ્યાની આસપાસ બોટ થેમ્સ નદી પર લંડનના આઈકોનિક લેન્ડમાર્ક્સ થઈને તરવા લાગી ત્યારે પાર્ટિસિપેન્ટ્સે તેમના પશ્ચિમ બંગાળ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, પંજાબ, ગુજરાત, મહારાષ્ટ્ર, બિહાર, આસામ, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક અને કેરળનું પ્રતિનિધિત્વ કરવા સાથે કોરિયોગ્રાફ્ડ ડાન્સ-ડ્રામા મારફ તેમની પ્રતિભાનું દર્શન કરાવ્યું હતું. ભારતીય સંસ્કૃતિ અને હેન્ડલૂમ વિશે જાગૃતિ ઉભી કરવાના પ્રયાસો સાથે આ દિવસ વિશાળ પાર્ટીમાં ફેરવાઈ ગયો હતો. લોકોએ મિત્રો અને પરિવાર સાથે ફૂડ અને ડ્રિન્ક્સની મોજ માણી હતી.
ઓર્ગેનાઈઝર ડો. દિપ્તી જૈને ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે, લંડનની આઈકોનિક સ્કાયલાઈનની સામે થેમ્સ ક્રુઝ પર રોયલ હેરિટેજ વોક પર તમે શનિવારનાં ઠંડા હવામાનનો સામનો કરી ઉપસ્થિત રહેલા પાર્ટિસિપેન્ટ્સના ઉત્સાહને અનુભવી શકો છો. દરેક રાજ્યની રજૂઆત પાછળ ઘણા પ્રયાસો કરાયા છે, તેમણે તેમના વસ્ત્રોને જે રીતે પહેર્યા છે અથવા લોકગીતોની ધૂન પર નૃત્યો કરી તેમના રાજ્યની સુગંધ પાથરી છે. અમે સાચે જ અમારી સ્ટાઈલ્સ, રંગો, ભારતીય મૂલ્યો અને આપણી ‘મિટ્ટી કી ખુશ્બુ’ને ગ્રેટ બ્રિટનની ભૂમિ પર પ્રસરાવી છે!’
આ સંસ્થાએ અગાઉ ભારતના હેન્ડલૂમ દિનની ઉજવણી કરવા વ્હાઈટહોલ થઈને હેન્ડલૂમ સારીઝ વોકેથોનનું આયોજન કર્યું હતું તેમજ સાડી અને મનમોહક વસ્ત્રોમાં સજ્જ થઈ રોયલ એસ્કોટમાં હાજરી આપી હતી. આગામી વર્ષે તેઓ ન્યૂ યોર્કમાં 4 મેએ વોકેથોન ઈનિશિયેટિવને આગળ વધારશે.