હેરિસ મ્યુઝિયમ ખાતે ગુજરાત હિંદુ સોસાયટી (GHS) ના પ્રોજેક્ટનો શુભારંભ

Friday 27th July 2018 07:20 EDT
 
 

હેરિસ લાયબ્રેરી ખાતે ગઈ ૧૧ જુલાઈએ ગોલ્ડન માઈલસ્ટોન પ્રોજેક્ટનો શુભારંભ કરાયો હતો. આ પ્રોજેકટ અંતર્ગત હેરિસ મ્યુઝિયમ સાથે કાર્ય ચાલી રહ્યું છે. ગુજરાત હિંદુ સોસાયટી (GHS) વિશે વધુ લોકોને માહિતી મળી શકે અને તેનો વીડિયો તથા સભ્યોએ કરેલી રજૂઆત નિહાળી શકે તે માટે હેરિસ મ્યુઝિયમમાં અત્યારથી આગામી સપ્ટેમ્બરના મધ્ય ભાગ સુધી પ્રદર્શન અને વીડિયો નિદર્શનના આયોજન માટે બન્ને વચ્ચે સંમતિ સધાઈ હતી.

હેરિસ મ્યુઝિયમના સંરક્ષક જેમ્સ આર્નોલ્ડે જણાવ્યું હતું કે હેરિસ મ્યુઝિયમ ખાતે ગુજરાત હિંદુ સોસાયટીના સમૃદ્ધ ઈતિહાસને રજૂ કરવાનું યજમાન પદ મેળવતાં મ્યુઝિયમ ગૌરવની લાગણી અનુભવે છે અને હેરિટેજ લોટરી ફંડની સહાય ધરાવતા પ્રોજેક્ટ સાથે સંકળાતા આનંદ અનુભવે છે.

GHSના પ્રમુખ ઈશ્વરભાઈ ટેલરે જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં જેમ્સ આર્નોલ્ડની નિપુણતા અને માર્ગદર્શન મેળવવાનું તેમજ તેમની સાથે કામ કરવાનું સદભાગ્ય સાંપડ્યુ છે. હેરિસ મ્યુઝિયમ જેવી મુખ્ય પ્રવાહની સંસ્થા સાથે ભાગીદારીમાં કામ કરવામાં અને સમાજની સંગઠિતતા તથા છેલ્લાં ૫૦ વર્ષમાં GHSના વિકાસનો સમાજનો ભવ્ય ઈતિહાસ રજૂ કરવામાં સમાજ ગૌરવ અનુભવે છે.

મેયર કાઉન્સિલર ટ્રેવર હાર્ટે રિબન કાપીને પ્રદર્શનને ખૂલ્લું મૂકવાની જાહેરાત કરી હતી. તેમણે નૃત્ય કલાકારો રિતીકા અને કરિશ્માએ રજૂ કરેલો નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ નિહાળ્યો હતો.

વધુ માહિતી માટે GHSના સેન્ટર મેનેજર અભિનો 01772 253 912 પર અથવા હેરિસ મ્યુઝિયમના હિસ્ટ્રી ક્યુરેટર જેમ્સ આર્નોલ્ડનો 01772 905 406 પર સંપર્ક સાધવા વિનંતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter