હેરી અને મેગન ૨૦૧૮ની ૧૯મી મેએ લગ્ન કરશે

શાહી પરિવારના નિયમો શીખવા માટે મેગન રોજ ૬ કલાક ટ્રેનિંગ લે છે

Wednesday 20th December 2017 06:19 EST
 
 

લંડનઃ બ્રિટિશ રાજગાદીના પાંચમા ક્રમના ૩૩ વર્ષીય વારસદાર પ્રિન્સ હેરી અને ૩૬ વર્ષીય અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલનાં લગ્ન ૨૦૧૮ની ૧૯મી મેએ થશે. ઇંગ્લેન્ડના રોયલ પેલેસે સત્તાવાર નિવેદનમાં જાહેરાત કરી છે કે બર્કશાયરમાં આવેલા વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચર્ચમાં રોયલ પરંપરા મુજબ લગ્નની વિધિઓ થશે. ત્રણેક સપ્તાહ પહેલાં બંનેએ સગાઈ કરી લીધાની જાહેરાત કરી હતી.

પ્રિન્સ વિલિયમ સામે નાના ભાઈ પ્રિન્સ હેરી અને અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલના લગ્નમાં ૧૯મેના રોજ હાજરી આપવા અંગે અસમંજસની સ્થિતિ પેદા થઈ છે. ૧૯મે ના રોજ જ વેમ્બલી ખાતે ફૂટબોલ એસોસિએશન (એફએ) કપની ફાઇનલ યોજાવાની છે. પ્રિન્સ વિલિયમ ફૂટબોલ એસોસિએશનના અધ્યક્ષ હોવાને લીધે તેમણે જ આ વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવાની હોવાથી તેમની સામે નાના ભાઈ હેરીના લગ્નમાં જવા અથવા ફૂટબોલ કંપની ફાઇનલમાં હાજરી આપવા એમ બન્નેમાંથી કોઈ એક જગ્યાએ હાજરી આપવાનો વિકલ્પ રહ્યો છે.

બીજી બાજુ, મેગન રોયલ બ્લડ નથી તેથી હેરી સાથે લગ્ન પહેલાં મેગનને રોયલ ફેમિલીના શિષ્ટાચાર નિયમ-કાયદા પણ શીખવાડવાના છે. મેગનની ટ્રેનિંગ શરૂ થઈ ગઈ છે. અમેરિકન સ્કૂલ ઓફ એટિકેટ્સનાં ફાઉન્ડર જેરિફ હાર્ડી મેગનને ટ્રેનિંગ આપી રહ્યાં છે. રોયલ ફેમિલીનો વ્યવહાર શીખવા માટે દરરોજ મેગનની ૪થી ૬ કલાક સુધી ટ્રેનિંગ ચાલી રહી છે. પાંચ તબક્કામાં યોજાતું રોયલ ડાઇનિંગ એટલે ખાણીપીણી સાથે સંબંધિત ટ્રેનિંગ સૌથી જટિલ અને લાંબી છે.

મેગનને નેપકીનથી માંડીને ચમચા પકડવા સુધીની રાજવી રીતભાત શીખવાડાઇ રહી છે

. ફર્સ્ટ ઇમ્પ્રેશન ટ્રેનિંગઃ ટ્રેનિંગના પ્રથમ તબક્કામાં મેગનને શીખવાડવામાં આવી રહ્યું છે કે રોયલ ડાઇનિંગ ટેબલ પર બેસતી વખતે પ્રિન્સેસનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આ તબક્કાના શિષ્ટાચાર હેઠળ ખુરશી ખેંચવાની રીત, તેના પર બેસવાની સ્ટાઇલ અને ટેબલ પર હાથ મૂકવાની રીતભાત શીખવાડાય છે.

. નેપકીન વાપરવાની રીતઃ ટ્રેનિંગના આ તબક્કામાં મેગનને શીખવાડવામાં આવી રહ્યું છે કે ટેબલ પર બેસતાની સાથે જ સામે મૂકેલા નેપકીનને કેવી રીતે ખોલવો. આ ઉપરાંત, ભોજન કરતી વખતે અને ભોજન કર્યા પછી અલગ-અલગ નેપકીનનો કેવી રીતે અલગ-અલગ ઉપયોગ કરવાનો રહે છે તે પણ તાલીમ અપાય છે.

. ચા પીવાની રીતઃ રાજવી પરિવારના સભ્યોએ ચા પીતી વખતે કપ-પ્લેટનો કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ, ચા કેવી રીતે તૈયાર કરવી જોઈએ અને ચમચા કેવી રીતે રાખવા જોઈએ. આ બધી વાતો આ ટ્રેનિંગમાં શીખવાડવામાં આવે છે.

. કટલરીના ઉપયોગની ટ્રેનિંગઃ ડાઇનિંગ ટેબલ પર મૂકેલાં દરેક સાધનના યોગ્ય ઉપયોગની ટ્રેનિંગ આપવામાં આવે છે. જેમ કે કાંટા-ચમચા કેવી રીતે પકડવાના છે, ભોજન કરતી વખતે વેઈટરને કોઈ સંકેત આપવા માટે કોઈ વાસણને કેવી રીતે મૂકવાનું છે અને ભોજન પૂરું થયા પછી વાસણ કેવી રીતે રાખવાના છે.

. ભોજન કરવાની રીતઃ આ ટ્રેનિંગનો અંતિમ તબક્કો હોય છે. આ તબક્કામાં રાજવી શૈલી અને સભ્યતા મુજબ ભોજન કેવી રીતે કરવાનું હોય તે દર્શાવવામાં આવે છે. એટલે રાજવી શૈલીમાં વાનગીને ચાવવાથી માંડીને રોટલી કે બ્રેડનાં ટુકડાં કરવા સુધીની ટ્રેનિંગ આપવામાં આવે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter