હેરી અને મેગને ભાવિ સંતાનનો ઉલ્લેખ ‘બેબી સસેક્સ’ તરીકે કર્યો

Wednesday 17th April 2019 02:40 EDT
 
 

લંડનઃ ડ્યુક અને ડચેસ ઓફ સસેક્સે પોતાનાં પ્રથમ સંતાનનું આગમન થયાના દિવસો પહેલાં જ પહેલી વખત જ તેનો ઉલ્લેખ ‘બેબી સસેક્સ’ તરીકે કર્યો છે. સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજ પર પ્રિન્સ હેરી અને મેગને તેમને ગિફ્ટ મોકલવાના બદલે ધ લંચ બોક્સ ફંડ, લિટલ વિલેજ, વેલચાઈલ્ડ અને બેબીટુબેબી સહિત બાળકો અને પેરન્ટ્સની ચેરિટીઝને દાન આપવા બદલ શાહી પ્રસંશકોનો આભાર માન્યો છે.

પ્રિન્સ હેરી અને તેમની પત્ની મેગન મર્કેલ તેમનાં પ્રથમ સંતાનના પ્રસવની રાહ જોઈ રહ્યાં છે. બીજી બાજુ તેમનાં મિત્રોએ શાહી યુગલ પર ભેટોનો વરસાદ વરસાવ્યો છે. મર્કેલના પ્રસંશકોએ સોશિયલ મીડિયા પર ‘ગ્લોબલ બેબી શાવર મૂવમેન્ટ’ની શરૂઆત કર્યા પછી ફોલોઅર્સ પાસે યુગલના નામ પર ૩૧ માર્ચ સુધીમાં ધર્માદા સંસ્થાઓને દાન આપવાની અપીલ કરાઈ હતી.

પાંચ એપ્રિલના રોજ પ્રિન્સ હેરીએ ફોલોઅર્સને યાદ અપાવ્યું કે તે એવાં સંગઠનોને દાન આપે જે જરૂરિયાતમંદોની મદદ કરે છે. શાહી પરિવારના સભ્યો તેમના મિત્રો, સભ્યો પાસેથી ગિફટ લેવાનો ઇનકાર કરતાં નથી પરંતુ, શાહી યુગલ અજાણ્યા લોકોની ભેટ સ્વીકારશે નહિ. જો શાહી મહેલમાં ગિફ્ટ પેક પર મોકલનારનું સરનામું લખ્યું હોય તો તેને સ્ટાફ નોંધ લખીને પાછી મોકલે છે. જો સરનામું ન હોય તો ગિફ્ટ સ્થાનિક હોસ્પિટલો અથવા ચેરિટી સંગઠનોને આપી દેવાય છે. ટેનિસ સ્ટાર સેરેના વિલિયમ્સ અને વકીલ અમલ ક્લૂનીએ ફેબ્રુઆરીમાં મર્કેલના મેનહટ્ટનસ્થિત પેન્ટહાઉસમાં બેબી શાવરનું આયોજન કર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter