હોમ ઓફિસ અધિકારીના નામે ઠગાઇ કરનારની ચૂંગાલ સામે ચેતવણી...

જ્યોત્સના શાહ Wednesday 20th March 2019 11:22 EDT
 
 

ગયા સપ્તાહે બનેલ આ હિચકારો બનાવ આપણા રૂંવાડા ખડા કરી દે એવો છે. જે વ્યક્તિ વડીલ બહેનો અને ડીસેબલના સલાહકારના નાતે બધાને કહેતાં હોય કે, ‘ જુઓ કોઇ અજાણ્યા ફોનનો જવાબ આપવાનો નહિ! કોઇ અજાણી વ્યક્તિ બારણે બેલ મારે તો બારણું ખોલવાનું નહિ! આજકાલ જાતજાતની ઠગાઇના બનાવો બને છે માટે ચેતતા રહેજો.’ આવી સલાહ આપનાર મને જ કોઇ ઠગી જાય એ વાતથી જ મારૂં મન હલી જાય છે. શરમથી માથું ઝૂકી જાય છે. માન્યામાં નથી આવતું કે, હું કેવી રીતે ફસાઇ ? તમે મારી આ આપવીતી જાણશો તો તમારા ય રૂંવાડા ખડા થઇ જશે! તમને થશે કે આવું કદી બને ખરૂં? પણ, હા...આ આ સાચી હકીકત છે. માત્ર નામ કાલ્પનિક છે.
મને તો વીતી પણ તમને ના વીતે એ માટે મારી આપવીતિ સખેદ રજુ કરું છું. - રમાબેન
૯ માર્ચ, શુક્રવારની સવારે નોર્થ લંડનમાં રહેતાં રમાબેનના ઘરે આઠેક વાગ્યાના સુમારે બે-ત્રણ વાર ફોનની ઘંટડી વાગે છે. હેલો..હેલો...કર્યું પણ સામેથી જવાબ ન મળતાં ફોન મૂકી દીધો. ત્યારબાદ લગભગ ૧૧ વાગ્યાના સુમારે ફોનની ઘંટડી ફરી રણકી ઉઠી. રમાબેન (ઉ. વ. ૭૭)ફોન ઉંચકે છે. "હલો:હુ ઇસ સ્પીકીંગ? “
સામેથી કડકાઇ ભર્યા અવાજમાં કોઇ અંગ્રેજ અધિકારી પૂછે છે, "આર યુ રમાબેન રાજપરા?" બેન કહે છે, યસ. હાઉ કેન આઇ હેલ્પ યુ? લીશન મી કેરફુલી!
જુઓ તમારા પાસપોર્ટમાં એલિયન નંબર નથી. રમાબેન: આવું મેં ક્યારેય સાંભળ્યું નથી! એ વળી શું?
અધિકારી: બધા પાસપોર્ટમાં એ હોય છે, તમે જોયું નથી કોઇ દિવસ? તમારા પાસપોર્ટમાં એ નંબર નથી. એની વે, તમે ગુજરાતી છો ને ? ઉભા રહો, હું મારા ગુજરાતી સાથીને આપુ છું. એ તમને સમજાવશે. પેલા ભાઇએ કહ્યું, બહેન મારૂં નામ દિનેશ પટેલ છે. હું તમારા દિકરા જેવો છું. તમારા પાસપોર્ટમાં એલીઅન (કોડ) નંબર નથી. હાલ ઇનવેસ્ટિગેશન ચાલે છે. હોમ ઓફિસે તમને ટાર્ગેટ કર્યા છે. હોમ ઓફિસ કહે છે કે, તમારો રેકોર્ડ સારો છે એટલે અંદર-અંદર પતાવી દઇએ. જો તમે સહમત નહિ થાઓ તો, પંદરેક મિનિટમાં પોલીસની કાર આવશે અને તમને લઇ જઇ જેલમાં પૂરી દેશે! અઢાર દિવસ કસ્ટડીમાં રાખશે પછી ડીપોર્ટ કરી દેશે. મારૂં નહિ માનો તો જિંદગીભર પસ્તાશો અને મોટો દંડ ભરવાનો થશે!!
રમાબેન: ઉભા રહો, મને મારા દીકરા સાથે વાત કરવા દો પછી હું તમને જણાવું છું. ત્યારે મને કોઇ સાથે વાત કરવાની સખત મનાઇ ફરમાવાઇ. મારો મોબાઇલ નંબર માગ્યો. મેં ગભરાતાં ગભરાતાં આપ્યો. અને તરત જ એના પર ફોન આવ્યો. તમારે જો આ ચુંગાલમાંથી છૂટવું હોય તો રસ્તો બતાવું. હાલ તમારે પાઉન્ડ ૫૦૦૦ ભરી દેવાના, પછી ૮૦ % પાછા મળશે.
રમાબેન સાથે આમ સતત સવારના ૧૧ થી ૩ વાગ્યા સુધી રકઝક, વાદ-વિવાદ ને વાર્તાલાપ ફોન પર ચાલ્યા જ કર્યો. બેન ઘરેથી તૈયાર થઇ બેંકમાં નાણાં ઉપાડવા નીકળ્યાં. બસમાં બેઠાં પણ સતત પેલા ભાઇની વાત ચાલુ જ. રમાબહેન અવાર નવાર રટતાં રહ્યાં કે, આ શું સાચું છે? તો ધમકાવીને કહેવામાં આવ્યું કે, વારંવાર પૂછ પૂછ ના કર નહિ તો પોલીસ આવી પકડી જશે. રમાબહેને કેટલીય વાર કહ્યું કે, મારી પાસે એટલા બધા પૈસા નથી તો કહે કે, જેટલા છે એટલા આપી દો, બાકીના સાંજે તમારો દીકરો આવે એટલે લઇને આપી દેજો. બ્રિટિશ પાસપોર્ટધારી અને દાયકાઓથી લંડનમાં રહેતાં બહેન પર જાણે કે વશીકરણ કર્યું હોય એમ એની ચુંગાલમાં એ લાચાર બની ફસાતાં ગયાં.
એમને વધુમાં એવું પણ કહેવામાં આવ્યું કે, બેંક પાસે લોન કે ઓવરડ્રાફ્ટ લઇ લો અને અમને નાણાં ચૂકવી દો નહિ તો જિંદગીભર પસ્તાવું પડશે. બેને જણાવ્યું, મને બેંક લોન આપવાની ના પાડે છે. આખરે જણાવાયું કે, ચાલો જેટલા છે એટલા નાણાં જમા કરાવવા કેશ મશીન પાસે જાવ અને એ માટે દિશા સૂચન કર્યું. મશીન માત્ર ૨૦-૨૦ પાઉન્ડની નોટો જ સ્વીકારે છે એવી માહિતી આપતાં બેહેને
જણાવ્યું કે, એ મશીનમાં
નાણાં મૂકવાની મને ફાવટ નથી. તેમ છતાં યેનકેન પ્રકારેણ ગાઇડ કરી એમની પાસે બેંકમાં પાઉન્ડ ૨૦૦૦ જમા કરાવડાવ્યાં.
નાણાં જમા થયા બાદ રસીદ આવશે. એ લઇ એમને ત્યાં ઉભા રહેવા કહ્યું. વધુમાં જણાવ્યું, હમણાં અમારો અધિકારી યુનિફોર્મમાં કોડ નંબર માટેનું ફોર્મ લઇ આવશે એ તમારે ભરી એને આપવાનું. પંદર-વીસ મિનિટ થઇ પણ કોઇ જણાયું નહિ...અને બહેનને ધીરે ધીરે ભાન થયું કે, "આ તો હું ઠગાઇ ગઇ. કાપો તો લોહી ના નીકળે. ગભરાતી ગભરાતી, ધ્રુજતી ધ્રુજતી, આંખોમાં આંસુ સાથે એ નજીકમાં રહતી પોતાની એક સખીને ત્યાં ગયાં. એ બહાર ગઇ હતી. એના હસબન્ડ સાથે વાત કરી. એમણે કહ્યું બેસ, હમણા હસુ આવશે પછી તમે પોલીસ સ્ટેશનમાં જઇ ફરિયાદ નોંધાવી આવજો. તેઓ પોલીસ સ્ટેશને ગયા અને ફ્રોડ કેસ કઇ રીતે કરવો એની માહિતી મેળવી ઘરે ગયા ત્યાં સુધીમાં અંધારું થઇ જવા આવ્યું હતું.
સાંજે ઘરે પાછા જઇ દીકરાને ભારે હૃદયે ફોન કરી બહેને પોતે ઠગાયાની હકીકત જણાવી. દીકરાએ મમ્મીને સાંત્વના આપી કે, "મમ્મી ૨૦૦૦ પાઉન્ડ ભલે ગયા. તમે ચિંતા ના કરો. તમને હાનિ નથી થઇ એ અગત્યનું છે. તમે સલામત છો એ અમારા માટે મોટું આશ્વાસન અને બોનસ છે. હવે તમે વધુ સજાગ રહેજો અને કોઇની વાતમાં આવી ના જશો."
સૌ વાચકોને નમ્ર વિનંતિ છે કે, આવા કોઇ અજાણ્યાનો ફોન એટેન્ડ ના કરશો અને ગભરાઇ ના જશો. વિચાર કર્યા વગરનું ખોટું પગલું ના ભરશો. જીવનમાં આ મોટું લેસન છે. ક્યારેય કોઇની વાતમાં ભરમાઇ ના જાવ. તમારી ઉંમર, એકલતા કે લાચારીનો લાભ કોઇ લઇ ન જાય એ માટે સજાગ બનો. કોઇપણ ડિપાર્ટમેન્ટના નામે વાત કરવાનું ટાળી લેખિત માહિતી મોકલવા સૂચવો. આવી મોંની વાત પર ભરોસો ના કરશો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter