હોળીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી

Wednesday 27th March 2019 02:46 EDT
 
 

લંડનઃ વસંત ઋતુના આગમન અને અશુભ પર શુભના વિજયના પ્રતીકરૂપે હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવે છે. ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), પ્રેસ્ટન અને હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા બુધવાર ૨૦ માર્ચે હોળી-ધૂળેટીના તહેવારોની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.

ગુજરાત હિન્દુ સોસાયટીના હોળી ઉજવણી કાર્યક્રમમાં ૫૦૦થી વધુ લોકો સામેલ થયા હતા. આ દિવસે હવામાન સારું હતું આ ઉજવણીમાં રેડિયો લેન્કેશાયરના ગ્રેહામ લિવર પણ હાજર રહ્યા હતા. સંસ્થાના પ્રમુખ દશરથભાઈ નાયીએ ધાર્મિક વિધિ-પૂજા પછી હોળી પ્રગટાવી હતી. તમામ ઉપસ્થિત સ્ત્રીઓએ હોળીની પૂજા કરી હતી તેમજ યુવાન અને વૃદ્ધ લોકો પણ હોળીની પ્રદક્ષિણામાં જોડાયા હતા. લોકોએ હોળીમાં શ્રીફળ પણ પધરાવ્યાં હતાં.

આ પછી, યુવાન અને વૃદ્ધ લોકોએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. લોકો મોડી રાત સુધી હોળીની આસપાસ ફરવા માટે આવતા રહ્યા હતા અને મંદિરમાં સેવા કરવામાં પણ સામેલ થઈ શક્યા હતા. ચારે તરફ ખુશી અને ઉલ્લાસનું વાતાવરણ ફેલાયેલું હતુ. ઉલ્લેખનીય છે કે યોગાનુયોગે હોળીના દિવસે જ ઈન્ટરનેશનલ હેપીનેસ ડે પણ હતો.

હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા કેન્ટન, કિંગ્સબરી અને વેમ્બલીના એશિયન વેપારીવર્ગના સહયોગથી બુધવાર ૨૦ માર્ચે રોએ ગ્રીનપાર્ક, કિંગ્સબરી NW9 9PA ખાતે સાંજના છથી રાતના નવ વાગ્યા સુધી હોળીના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી. યુકેમાં સૌપ્રથમ વખત ૧૯૭૫માં હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ દ્વારા હોળીકાદહનનું આયોજન રાઉન્ડવૂડ પાર્ક ખાતે કરવામાં આવ્યું હતું, જે ૧૯૮૪થી કિંગ્સબરી ખાતે થતું આવ્યું છે. હવે આ યાત્રા ૩૫ વર્ષની થઈ છે. હવે તો યુકેના મોટા ભાગના વિસ્તારોમાં હોળીનું આયોજન કરવામાં આવે છે પરંતુ, હિન્દુ કાઉન્સિલ, બ્રેન્ટ ગત ૪૪ વર્ષથી સતત હોળીની ઉજવણી કરે છે, જેમાં તમામ જાતિના સભ્યો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter