લંડનઃ NHSમાં કામ કરતા ૬૭ વર્ષીય હેવાનઈલેક્ટ્રિશિયન ડેવિડ ફુલરે હોસ્પિટલના શબઘરોમાં મૃતદેહો સાથે સેક્સ્યુઅલ દુષ્કર્મો કર્યાનો એકરાર ગુરુવાર ૪ નવેમ્બરે મેઈડસ્ટોન ક્રાઉન કોર્ટ સમક્ષ કરતા સનસનાટી મચી ગઈ છે. કોર્ટે ફુલરને દોષિત જાહેર કર્યો છે અને ટુંક સમયમાં સજાની જાહેરાત કરાશે. ફુલરે ૧૨ વર્ષના ગાળામાં બે મહિલાની હત્યા અને આશરે ૧૦૦ મૃતદેહ સાથે દુષ્કર્મ આચર્યું હતું. હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે આ ઘટનામાં ઈન્ક્વાયરીના આદેશ આપ્યા છે.
ડેવિડ ફુલરે કેન્ટ એન્ડ સસેક્સ હોસ્પિટલ તેમજ કેન્ટની ટુનબ્રિજ વેલ્સ હોસ્પિટલની મોર્ચ્યુરીઝ- શબઘરોમાં પેશન્ટ્સના મૃતદેહો સાથે સેક્સ્યુઅલ દુષ્કર્મ કર્યાની તસવીરો લીધી હતી અને વિકૃત હરકતોનું રેકોર્ડિંગ પણ કર્યું હતું. પોલીસે તેના ૯૯ શિકારમાંથી ૭૮ની ઓળખ કરી હતી. ડેવિડે વર્ષ ૧૯૮૭માંબે મહિલા- વેન્ડી નેલ (૨૩ જૂન) અને કેરોલિન પિયર્સ (૨૪ નવેમ્બર)ની હત્યા કરી હતી. એ પછી ૧૯૮૯થી ૧૨ વર્ષ સુધી શબઘરમાં આવનારા મહિલાના મૃતદેહોની સાથે દુષ્કર્મ કરતો રહ્યો હતો.
ક્રાઉન પ્રોસિક્યુશન સર્વિસે જણાવ્યું હતું કે પોલીસે ફુલરના સસેક્સ ખાતેના નિવાસે કરેલી તપાસમાં સેક્સ્યુઅલ એબ્યુઝની ચાર મિલિયન ઈમેજીસ મેળવી હતી. આમાંથી મોટા ભાગની તસવીરો ઈન્ટરનેટ પરથી ડાઉન કરેલી હતી જ્યારે ઘણી તસ્વીરો મૃતદેહો સાથે તેના દુષ્કર્મ સંબંધિત પણ રેકોર્ડ કરાયેલી હતી. ગયા વર્ષે દાયકાઓ જૂના ડીએનએ આધારિત નવા પૂરાવાઓ હાંસલ કરાયા પછી ૩ ડિસેમ્બરે તેની ધરપકડ કરાઈ હતી. નવાઈની વાત તો એ કહેવાય કે આરોપીને પકડવામાં પોલીસને ૩૩ વર્ષ લાગી ગયા હતા. ફુલરની ધરપકડ પછી મેઈડસ્ટોન ક્રાઉન કોર્ટમાં કેસ ચાલ્યો હતો. ફુલરે અન્ય ૫૧ ગુનાઓનો પણ એકરાર કર્યો હતો. ફુલરના ૨૦૦૮થી નવેમ્બર ૨૦૨૦ સુધીના દુષ્કર્મોના શિકારમાં ૧૮ વર્ષથી ઓછી વયના ત્રણ બાળક તેમજ ૮૫થી વધુ વયની મહિલાઓનો પણ સમાવેશ થયો હતો.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે હત્યારા અને દુષ્કર્મી ફુલરની પ્રવૃત્તિને ઘૃણાજનક ગણાવવા સાથે પૂર્વ ડોક્ટર અને હોસ્પિટલના ચીફ એક્ઝિક્યુટિવ સર જોનાથન માઈકલ આ ઘટનાની તપાસ કરશે તેવી જાહેરાત કરી છે. તેમણે કહ્યું હતું કે હોસ્પિટલોને તેમના શબઘરોની સુરક્ષા વધારવા સૂચના અપાઈ છે અને હ્યુમન ટિસ્યુ ઓથોરિટી મોર્ચ્યુરી સર્વિસીસ અંગે પ્રવર્તમાન નિયમો સુધારવાની જરૂર વિશે તપાસ હાથ ધરશે.


