૧૨ મહિનાથી ઓછાં જેલવાસને રદ કરવાની ભલામણ કરાઈ

Wednesday 10th April 2019 02:21 EDT
 
 

લંડનઃ બ્રિટિશ જેલો ગુનેગારોથી ખીચોખીચ ભરાયેલી છે અને કેદીઓની સલામતી ભયમાં હોવાની કટોકટીના નિવારણ તરીકે ૧૨ મહિનાથી ઓછી જેલની સજાને રદ કરવા જસ્ટિસ વિભાગના નવા રિપોર્ટમાં ભલામણ કરાઈ છે. જસ્ટિસ સેક્રેટરી ડેવિડ ગૌકેએ જણાવ્યું હતું કે કેટલાક ગુનાઓ માટે ટુંકી મુદતના જેલવાસની સજા નાબૂદ કરવાનો કાયદા દાખલ કરી શકાશે. જોકે, આ મુદ્દે નિર્ણય લેવાયો નથી તેમ કહી તેમણે ઉમેર્યું હતું કે સુધારા રાતોરાત કરી શકાતા નથી.

આ દરખાસ્તોને હવે કોમન્સ જસ્ટિસ કમિટીનું પણ સમર્થન મળ્યું છે. તેણે નવા રિપોર્ટમાં ૧૨ મહિનાથી ઓછી સજા જ નાબૂદ કરી દેવાની ભલામણ કરી છે. કોમન્સના રિપોર્ટમાં જણાવાયું છે કે જેલમાં કેદીઓની વસ્તીની કટોકટી એવા સ્તરે પહોંચી છે કે નિર્ણાયક પ્રતિભાવ આપવો જરૂરી છે. આ કટોકટી પાંચ વર્ષથી છે અને તેની સુધારણા માટે વધારાના રોકાણની જરૂર રહેશે. આ રિપોર્ટ અનુસાર, ઈંગ્લેન્ડ અને વેલ્સમાં જેલોમાં કેદીઓની વસ્તી ગત ૨૫ વર્ષમાં લગભગ બમણી થઈ છે.

જસ્ટિસ સેક્રેટરી ગૌકેએ ફેબ્રુઆરીમાં જ હિંસક અથવા સેક્સ્યુઅલ ક્રાઈમના અપવાદ સિવાય છ મહિના કે તેથી ઓછી સજા રદ કરવા વિશે જણાવ્યું હતું. ટુંકી મુદતની કસ્ટડીના બદલે મજબૂત કોમ્યુનિટી ઓર્ડર્સ આપી શકાય. તેમણે જસ્ટિસ કમિટી સમક્ષ ગુનેગારોને જેલની ટુંકી સજા ઓછા પ્રમાણમાં અપાય તેવો કાયદો ઘડવાની વિચારણા ચાલતી હોવાનું જણાવ્યું હતું. ટુંકી સજાની અસર વિશે તેઓ ચિંતિત હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ટુંકી સજાના મુદ્દાને નાણા બચાવવાની તક તરીકે ન જોવાય તેમ પણ તેમણે કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter