લંડનઃ ગ્રૂમિંગ ગેન્ગના બે સભ્ય ઉસ્માન ખાલિદ અને મોહમ્મદ અકરમને ૧૨ વર્ષની બાળા પર બળાત્કારના ગુનામાં કુલ ૨૭ વર્ષની જેલની સજા લીડ્ઝ ક્રાઉન કોર્ટે ફરમાવી છે. ખાલિદને પાંચ વર્ષની અને અકરમને ૨૨ વર્ષની સજા થઈ છે. અકરમ બળાત્કારના અન્ય ગુના માટે હાલ ૧૭ વર્ષની સજા સાથે જેલમાં જ છે અને તેની સજા સાથે ગણવામાં આવશે.
ઉસ્માન ખાલિદ અને મોહમ્મદ અકરમે બાળા ૧૧ વર્ષની હતી ત્યારે ફોસલાવી હતી અને વર્ષો સુધી તેનો શારીરિક ઉપભોગ કર્યો હતો. પ્રોસીક્યુટર રિચાર્ડ રાઈટ QCએ જણાવ્યું હતું કે માતા ડ્રગ્સની બંધાણી હોવાથી બાળાને કેરહોમમાં રખાઈ હતી. તેના પર સૌ પહેલા ઝાહિદ હસને બળાત્કાર કર્યો હતો, જેને સંખ્યાબંધ બળાત્કારો બદલ ૧૮ વર્ષની સજા થયેલી છે. અકરમને જાતીય શોષણ, અપહરણ અને ૧૩ વર્ષથી ઓછી વયની બાળા પર બળાત્કાર માટે મે મહિનામાં દોષિત ઠરાવાયો હતો.
વેસ્ટ યોર્કશાયર પોલીસના ‘ઓપરેશન ટેન્ડરસી’ના ભાગરુપે તપાસના પગલે આ બે આરોપીને સજા થઈ હતી. વર્ષ ૨૦૦૪થી ૨૦૧૧ વચ્ચે આચરાયેલા ગુનાઓ માટે ગયા વર્ષે જાન્યુઆરીથી ઓક્ટોબરના ગાળામાં ૨૦ આરોપીને કુલ ૨૫૭ વર્ષની સજા જાહેર કરાઈ હતી.


