લંડનઃ ભારતીય મૂળની ૧૨ વર્ષીય રાજગૌરી પવાર બ્રિટિશ Mensa IQ ટેસ્ટમાં સર્વોચ્ચ ૧૬૨ પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે આવી હતી. જે આલ્બર્ટ આઈન્સ્ટાઈનનો અંદાજિત સ્કોર અને સ્ટીફન હોકિંગ્સના ૧૬૦ પોઈન્ટથી વધુ છે. આ સ્કોર સાથે તેને વિશ્વભરમાં ઉચ્ચ આઈક્યૂ ટેલેન્ટ્સ માટે બ્રિટિશ એલાઈટ મેમ્બરશિપ મળી હતી. તે યુકેની વિખ્યાત ગણાતી એલ્ટ્રીન્ચમ ગર્લ્સ ગ્રામર સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.
યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં રિસર્ચ સાયન્ટિસ્ટ તરીકે ફરજ બજાવતા તેના પિતા ડો. સૂરજકુમાર પવારે તેને આ ટેસ્ટ આપવા પ્રોત્સાહિત કરી હતી. તેમણે જણાવ્યું હતું,‘ દુનિયામાં માત્ર ૧,૫૦૦ બાળક સહિત ૨૦ હજાર વ્યક્તિનો IQ ઉંચો છે અને મારી પુત્રીએ ખૂબ નાની વયે આ સિદ્ધિ મેળવી છે.’
રાજગૌરીએ જણાવ્યું હતું કે,‘હું વિશ્વમાં ટોચના સ્થાને હોઉં તેવું લાગે છે અને આનંદને શબ્દોમાં વ્યક્ત કરી શકું તેમ નથી. આ ટેસ્ટ શરૂઆતમાં સરળ અને અંતમાં ખૂબ અઘરો હતો. ટેસ્ટ સમયસર પૂરો કરવો તે મોટી મુશ્કેલી હતી. વિદેશની ભૂમિ પર ભારતનું પ્રતિનિધિત્વ કરવું અને આ સિદ્ધિ મેળવવી તે મારાં માટે ખૂબ ગૌરવની વાત છે. હું ભવિષ્યમાં મેડિસીન ફેકલ્ટીમાં જવાં માગું છું. આ સિવાય મને ફિઝિક્સ, એસ્ટ્રોનોમી અને એન્વાયર્નમેન્ટના વિષયમાં ખૂબ રસ છે.’