ગ્લોસ્ટરઃ ૧૪ વર્ષની તરુણીને શરાબ પાઈ તેના પર બળાત્કાર કરનારા ગ્લોસ્ટરના ડ્રગ ડીલર નાસિર શેખને બ્રિસ્ટોલ ક્રાઉન કોર્ટે છ વર્ષની જેલની સજા ફરમાવી છે. નાસિર હાલ ડ્રગ્સની હેરાફેરી અને આર્મ્સ સંબંધિત ગુનામાં આઠ વર્ષની જેલ ગયા વર્ષથી ભોગવી રહ્યો છે, જે પૂરી થયા પછી નવી સજા શરૂ થશે. નાસિરના મિત્ર ખાલિદ અબ્દેલરહેમાનને અઢી વર્ષની સજા થઈ છે.
નાસિર શેખે ગત વર્ષની ૨૫ જૂને છોકરી પર બળાત્કાર અને જાતીય હુમલાના ગુનાઓનો ઈનકાર કર્યો હતો. જોકે, કોર્ટમાં ટ્રાયલ પછી તેને બે મહિના અગાઉ જ દોષિત ઠરાવાયો હતો. કોર્ટ સમક્ષ જણાવાયું હતું કે નાસિર અને તેનો મિત્ર ખાલિદ અબ્દેલરહેમાન ૧૩ અને ૧૪ વર્ષની બે છોકરીઓને ઉપાડી લાવ્યા હતા અને તેમને શરાબ અને સિગારેટ્સ પણ આપ્યા હતા. બરાબર શરાબ પીવડાવ્યા પછી નાસિરે ૧૪ વર્ષીય છોકરી પર બળાત્કાર કર્યો હતો. ખાલિદે પણ બાળા સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. નાસિર અગાઉ ૨૮ ગુના માટે કોર્ટમાં ૧૬ વખત હાજર થયો હતો પરંતુ, કોઈ ગુના સેક્સ્યુઅલ ન હતા અને મોટા ભાગના હિંસા સંબંધિત હતા.


