લંડન,ચેન્નાઈઃ વિદ્યાર્થીઓ સહિત ૧૯ બ્રિટિશ નાગરિકોને સોમવાર ૧૭ જુલાઈએ ચેન્નાઈ એરપોર્ટ પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. ઈમિગ્રેશન સત્તાવાળાએ તેમને જણાવ્યું હતું કે તેમને જે વિઝા અપાયા છે તે NGO, India Direct માં કામ કરવા માટે યોગ્ય નથી. બ્રિટિશ સ્કૂલના ૧૬ વિદ્યાર્થી અને ત્રણ કર્મચારી ચિલ્ડ્રન્સ હોમમાં ચેરિટી માટે કામ કરવા ચેન્નાઈ આવ્યા હતા.
માન્ચેસ્ટરની પોઈન્ટોન હાઈસ્કૂલના ૧૬ વિદ્યાર્થી અને ત્રણ કર્મચારીને ચેન્નાઈ એરપોર્ટ પરથી ડિપોર્ટ કરવામાં આવ્યા હતા. તેમને વળતી પ્લાઈટ માટે ૧૧ કલાકની રાહ જોવી પડી હતી. ઈમિગ્રેશન સત્તાવાળાએ તેમની પાસે કયા વિઝા હતા તે સહિત આ મુદ્દે વધુ માહિતી આપવા ઈનકાર કર્યો હતો. તેમને જણાવાયું હતું કે તેઓ ચેન્નાઈની NGO, India Direct દ્વારા સમર્થિત ચિલ્ડ્રન્સ હોમમાં કામ કરવા આવ્યા હોવાથી ભારતમાં પ્રવેશ માટે યોગ્ય વિઝા ધરાવતા નથી. વિદ્યાર્થી સાથે આવેલા શાળાના શિક્ષકની અઢી કલાક પૂછપરછ કરવામાં આવી હતી.
India Direct દ્વારા ટાઈમ્સ ઓફ ઈન્ડિયા અખબારને જણાવાયું હતું કે,‘બધા પાસે માન્ય ટુરિસ્ટ વિઝા હતા. અમારા કાર્યક્રમાં દરેક ચિલ્ડ્રન હોમમાં એક દિવસ ગાળવાનો હતો, જ્યાં તેઓ બાળકો સાથે રમવા ઉપરાંત તેમને પેઈન્ટિંગ સહિતની બાબતો શીખવવાની હતી. અમે તબીબી સુવિધા ન ધરાવતા ગામની મુલાકાતે જવાના હતા અને ગામના લોકો તબીબી તપાસ માટે ડોક્ટરની રાહ જોઈ રહ્યાં હતાં. આ બાબત NGOમાં કામ કરવાનો હોય તેમ અમે માનતા નથી.’ વિદ્યાર્થીઓ દ્વારા આ બાળકો માટે હજારો પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવા સાથે બાળકો માટે રમકડાં અને સ્ટેશનરીનો જથ્થો પણ લવાયો હોવાનો દાવો પણ સંસ્થાએ કર્યો હતો.