૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડમાં સમાવેશિતાની ઉજવણી

Wednesday 18th September 2019 04:54 EDT
 
 

લંડનના પાર્ક લેનસ્થિત ગોવનર હાઉસ હોટેલમાં શુક્રવાર છઠ્ઠી સપ્ટેમ્બરે પ્રતિષ્ઠિત ૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં બિઝનેસ ટાયકૂન્સ, એન્ટ્રેપ્રીન્યોર્સ અને મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. અભિનેતા નીતિન ગણાત્રા અને બીબીસીના માસ્ટરશેફ યુકેના સેમી ફાઈનાલિસ્ટ નિશા પરમારે એવોર્ડ સમારંભના ઉદ્ઘોષકોની કામગીરી બજાવી હતી. પ્રતિષ્ઠિત લાઈફટાઈમ લાઈફટાઈમ એચિવમેન્ટ ઓફ ધ યર એવોર્ડ પરોપકારી બિઝનેસ ટાયકૂન અને વેદાંતા રિસોર્સીસના ચેરમેન અનિલ અગ્રવાલના ફાળે આવ્યો હતો જ્યારે, લંડનના ડેપ્યુટી મેયર રાજેશ અગ્રવાલને એડિટર્સ એવોર્ડ ફોર પબ્લિક સર્વિસીસ, પ્રદીપ ધામેચાને એડિટર્સ ચોઈસ એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ, ફિલાન્થ્રોપી એન્ડ એન્ટ્રેપ્રીન્યોરશિપ તેમજ ડો. નીલેશ યુ. પટેલ MDને એડિટર્સ એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ટુ થોરાસિક સર્જરીના વિશિષ્ટ એવોર્ડ્સથી નવાજાયા હતા.

 વિવિધ કેટેગરીમાં એવોર્ડવિજેતા મહાનુભાવોમાં એબિલિટીનેટના ટ્રસ્ટી તેમજ યુકેના ટેક સેક્ટરમાં સૌથી પ્રભાવશાળી ૧૦ BAME અગ્રણીમાંના એક કુશ કનોડિયાને એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર, તેમજ Per-Scentના સીઈઓ વિપુલ વડેરાને બિઝનેસ પર્સન ઓફ ધ યર, કોર્પોરેટ લોયર અને LGBTQ એક્ટિવિસ્ટ કૃષ્ણા ઓમકારને પ્રોફેશનલ ઓફ ધ યર, બર્મિંગહામમાં હર મેજેસ્ટીની કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ સર્વિસીસમાં ભરતીની સેવામાં મદદરુપ હાફ્સા કુરેશીને યુનિફોર્મ્ડ, સિવિલ એન્ડ પબ્લિક સર્વિસીસ, સિટી શીખ્સ નેટવર્કના સ્થાપક સભ્ય ઓંકારદીપ ભાટીઆ MBEને એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ, બીબીસી ન્યૂઝના ઈકોનોમિક એડિટર ફૈઝલ ઈસ્લામને એચિવમેન્ટ ઈન મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર, ન્યૂ એન્ટ્રેપ્રીન્યોર્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ નીતા પટેલને વુમન ઓફ ધ યર, જીબી મેન્સ વ્હીલચેર બાસ્કેટબોલના મુખ્ય કોચ હરજિત સિંહ ભનીઆ OBEને સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યરથી વિભુષિત કરાયાં હતાં. આ વર્ષની મુખ્ય ચેરિટી ભારતમાં વંચિત અને કચડાયેલાં બાળકોને શિક્ષણ આપવાના કાર્યમાં જોડાયેલી સંસ્થા ‘યુવા અનસ્ટોપેબલ’ હતી. ખ્યાતનામ લેખક જેફ્રી આર્ચરના કુશળતાપૂર્ણ હરાજીકાર્યથી ચેરિટી માટે ૧૬૭,૦૦૦ પાઉન્ડની જંગી રકમ એકત્ર કરવામાં મદદ મળી હતી.

એવોર્ડ સમારંભની સલૂણી સંધ્યા બ્રિટનની તમામ કોમ્યુનિટીઓમાં સમાવેશિતા (inclusivity)ની સાચી ઉજવણીની સાક્ષી બની રહી હતી. એવોર્ડવિજેતાઓમાં વિવિધ સાઉથ એશિયન કોમ્યુનિટીઓના પ્રતિનિધિરુપ વર્તમાન સમાવેશી, બહુસાંસ્કૃતિક અને વૈવિધ્યપૂર્ણ બ્રિટનના સાચા આત્માનું પ્રતીક જોવાં મળ્યું હતું.

બ્રિટિશ જીવનના અંગભૂત હિસ્સો બની ગયેલી એશિયન કોમ્યુનિટી દેશની સમૃદ્ધિને કંડારવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ‘પીપલ્સ ચોઈસ એવોર્ડ્સ’ના હુલામણા નામથી ઓળખાતા એશિયન એચિવર્સ એવોર્ડ્સ વિવિધ પશ્ચાદભૂ અને વ્યવસાયોના વિશાળ ફલકમાં સાઉથ એશિયન વ્યક્તિઓના અદ્ભૂત કાર્યો અને સિદ્ધિને બિરદાવે છે.

ABPL Group ના પ્રકાશક/તંત્રી અને એશિયન એચિવર્સ એવોર્ડ્સના ચેરમેન સી.બી. પટેલે જણાવ્યું હતું કે, ‘આ વર્ષનું અમારું થીમ- વિષય સમાવેશિતા છે. સમાવેશિતા માત્ર વૈવિધ્યને સંબંધિત નથી પરંતુ, દરેકનો સમાવેશ થાય તે વિશે છે. આથી જ અમારા શોર્ટલિસ્ટમાં આ વર્ષે LGBTQ સમુદાયના સભ્યોનો પણ સમાવેશ કરાયો છે. ઈતિહાસના પરિપ્રેક્ષ્યમાં પણ આજનો દિવસ મહત્ત્વપૂર્ણ ગણાય કારણકે ભારતમાં સમલૈંગિકતાને અપરાધ નહિ ગણાવવાને એક વર્ષ પૂર્ણ થાય છે. આપણા ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આ યોગ્ય દિશાનું કદમ છે.

‘ઘણી વ્યક્તિઓ માટે સામાજિક બહિષ્કાર, એકલવાયી ઓળખ અને સમાજમાંથી અલગાવ આજે પણ વરવી વાસ્તવિકતા છે અને એશિયનો માટે તે વધુ મુશ્કેલ બની રહે છે. આથી, હંમેશાંની માફક આપણું કાર્ય ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના આપણા પ્રકાશનો મારફત જ નહિ પરંતુ, વ્યક્તિગત સ્વાતંત્ર્ય માટે અભિયાન ચલાવવા અને કોઈ પણ અવરોધો સામે ઝઝૂમતાં લોકોની કદર કરવા સાથે આજના એશિયન એચિવર્સ એવોર્ડ્સ થકી પણ એક દાખલો સ્થાપવાનો છે.

‘આમ કરવાના આપણા પ્રયાસોમાં આવા નોંધપાત્ર ઉમેદવારોને નોમિનેટ કરવામાં આપણા તમામ વાચકો અને સમર્થકોએ તેમજ પોતાનું કાર્ય સુપેરે બજાવવા બદલ આપણા સ્વતંત્ર નિર્ણાયકોની પેનલે જે જહેમત ઉઠાવી છે તેમનો હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું ૧૯મા એશિયન એચિવર્સ એવોર્ડ્સના તમામ વિજેતાઓને અભિનંદન પાઠવું છું. સમાજ અને સમુદાયને તેમના નોંધપાત્ર યોગદાનની ગહન અસર પડેલી છે અને હું તેમની સિદ્ધિઓને બિરદાવવામાં ગૌરવ અનુભવું છું.’

નાનકડા ધાતુભંગારના બિઝનેસને તાંબુ, ઝીંક અને એલ્યુનિનિયમની એસેટ્સ સાથે લંડનમાં લિસ્ટિંગ થયેલા વેદાંતા રિસોર્સીસમાં તબદિલ કરનારા ધાતુ અને ખાણોના માંધાતા અનિલ અગ્રવાલને ધ લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડથી વિભુષિત કરાયા હતા. આજે વેદાંતા રિસોર્સીસ વિશ્વમાં ૧૦ સર્વોચ્ચ માઈનિંગ જાયન્ટસમાં સ્થાન ધરાવે છે, જેની ૨૦૧૭માં રેવન્યુ ૧૫.૪ બિલિયન અમેરિકી ડોલર હતી. એવોર્ડ જીત્યા પછી અનિલ અગ્રવાલે જણાવ્યું હતું કે,‘એશિયન કોમ્યુનિટીને એકસાથે જોડી રાખવાનું કાર્ય કરી રહેલા એશિયન વોઈસ અને ગુજરાત સમાચારને હું અભિનંદન પાઠવું છું.’

લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલને એડિટર્સ એવોર્ડ ફોર પબ્લિક સર્વિસીસ એનાયત કરાયો હતો. તેમણે સમારંભમાં જણાવ્યું હતું કે ‘આ એવોર્ડ પીઠ થાબડવા સમાન છે. હું છેલ્લાં ૧૫ વર્ષથી સમારંભમાં હાજરી આપતો આવ્યો છું, જ્યાં હું ઘણા પ્રેરણાદાયી લોકોને મળ્યો છું. એશિયન કોમ્યુનિટીની સિદ્ધિઓ અને યોગદાનની કદર કરવાનું કાર્ય મહાન છે. આપણે આ દેશના સામાજિક-આર્થિક પોતમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું છે.’ લંડનના ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ રાજેશ અગ્રવાલનો જન્મ ભારતમાં થયો હતો અને તેઓ ૨૦૦૧માં લંડન આવ્યા હતા. એન્ટ્રેપ્રીન્યોર તરીકે તેમણે ૨૦૦૫માં RationalFX અને ૨૦૧૪માં Xendpayની સ્થાપના કરી હતી. આ બંને કંપનીઓએ બિઝનેસીસ અને વ્યક્તિઓ માટે આંતરરાષ્ટ્રીય નાણા ટ્રાન્સફર કરવાના ખર્ચમાં ભારે ઘટાડો કરવા ટેકનોલોજીના ઉપયોગથી કર્યો હતો.

ન્યૂ યોર્કમાં કાર્ડિયાક સર્જરીમાં સ્પેશિલાઈઝેશન ધરાવતા ડો. નીલેશ યુ. પટેલ MD ને એડિટર્સ એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ટુ થોરાસિક સર્જરીના વિશિષ્ટ એવોર્ડ્સથી નવાજાયા હતા. તેઓ મેડિસીન ક્ષેત્રમાં ૩૩ વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે અને યુએસએની સંખ્યાબંધ હોસ્પિટલો સાથે સંકળાયેલા છે. ડો. પટેલ કાર્ડિયાક કોમ્પ્લિકેશન્સ ઘટાડતી બાયપાસ સર્જરીના ટ્રાન્સએબ્ડોમિનલ એપ્રોચ માટે જાણીતા છે. તેઓ રોબોટિક બાયપાસ સર્જરીના પ્રણેતા છે અને તેમણે વિશ્વના ૩૦થી વધુ ટોચના સર્જનને આ સર્જરીમાં ટ્રેનિંગ આપી છે. તેઓ સેન્ટ માઈકલ્સ મેડિકલ સેન્ટર ન્યૂ યોર્ક અને સેન્ટ મેરીઝ જનરલ હોસ્પિટલ ન્યૂ યોર્ક જેવી પ્રતિષ્ઠિત હોસ્પિટલોમાં કાર્ડિયાક સર્જરીના વડા છે.

ભાઈ મનીષ અને બનેવી મુકેશ વિઠલાણી સાથે મળી બિઝનેસનું સંચાલન કરતા ધામેચા ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ પ્રદીપ ધામેચા OBEને એડિટર્સ ચોઈસ એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ, ફિલાન્થ્રોપી એન્ડ એન્ટ્રેપ્રીન્યોરશિપ એનાયત કરવામાં આવ્યો હતો. તેઓની પરગજુતા અને સામુદાયિક પ્રતિબદ્ધતા જાણીતી છે અને તેમના દ્વારા ચેરિટી સંસ્થાઓને ઉદાર હાથે યોગદાન કરાતું રહે છે. પ્રદીપ ધામેચાને એક્સપોર્ટ્સ, આર્થિક વૃદ્ધિ અને પરગજુતાના ક્ષેત્રમાં સેવા બદલ ક્વીન્સ બર્થડે ઓનર્સ લિસ્ટ ૨૦૧૮માં OBE એનાયત કરાયો હતો.

એશિયન એચિવર્સ એવોર્ડ સમારંભની સાંજને ઈન્ટરનેશનલ બોલીવૂડ ફ્યુઝન ગ્રૂપ એપિકા ડાન્સ, બ્રિટન્સ ગોટ ટેલન્ટ કાર્યક્રમના સેમિ ફાઈનાલિસ્ટ અને બ્લેકપૂલ યુકેની એક્રોબેટિક ફિગર સ્કેટિંગ બેલડી રોઝી અને આદમના પરફોર્મન્સીસ તેમજ દિલધડક સાયકલ બેલેન્સિંગના કાર્યક્રમોએ વિશિષ્ટ મનોરંજનથી વધુ રંગીન બનાવી દીધી હતી.

—————

વર્ષ ૨૦૧૯ માટે એવોર્ડવિજેતા મહાનુભાવની યાદી

એડિટર્સ એવોર્ડ ફોર પબ્લિક સર્વિસીસ

રાજેશ અગ્રવાલ, લંડનના ડેપ્યુટી મેયર

એડિટર્સ એવોર્ડ ફોર કન્ટ્રિબ્યુશન ટુ થોરાસિક સર્જરી

ડો. નીલેશ યુ. પટેલ, MD

એડિટર્સ ચોઈસ એવોર્ડ ફોર કોમ્યુનિટી સર્વિસ, ફિલાન્થ્રોપી એન્ડ એન્ટ્રેપ્રીન્યોરશિપ

પ્રદીપ ધામેચા

લાઈફટાઈમ એચિવમેન્ટ ઓફ ધ યર

અનિલ અગ્રવાલ, વેદાંતા રિસોર્સીસના ચેરમેન

બિઝનેસ પર્સન ઓફ ધ યર

વિપુલ વડેરા- Per-Scentના સીઈઓ

એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર

કુશ કનોડિયા, એબિલિટીનેટના ટ્રસ્ટી તેમજ ટેક સેક્ટરમાં પ્રભાવશાળી BAME અગ્રણી

વુમન ઓફ ધ યર

નીતા પટેલ, ન્યૂ એન્ટ્રેપ્રીન્યોર્સ ફાઉન્ડેશનના ચીફ એક્ઝિક્યુટિવ

પ્રોફેશનલ ઓફ ધ યર

કૃષ્ણા ઓમકાર, કોર્પોરેટ લોયર અને LGBTQ એક્ટિવિસ્ટ

યુનિફોર્મ્ડ, સિવિલ એન્ડ પબ્લિક સર્વિસીસ

હાફ્સા કુરેશી, બર્મિંગહામમાં હર મેજેસ્ટીની કોર્ટ્સ અને ટ્રિબ્યુનલ સર્વિસીસમાં ભરતીની સેવામાં મદદ

સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર

હરજિત સિંહ ભનીઆ OBE- જીબી મેન્સ વ્હીલચેર બાસ્કેટબોલના મુખ્ય કોચ

એચિવમેન્ટ ઈન મીડિયા આર્ટ્સ એન્ડ કલ્ચર

ફૈઝલ ઈસ્લામ, બીબીસી ન્યૂઝના ઈકોનોમિક એડિટર

એચિવમેન્ટ ઈન કોમ્યુનિટી સર્વિસ

ઓંકારદીપ ભાટીઆ MBE, સિટી શીખ્સ નેટવર્કના સ્થાપક સભ્ય


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter