લંડનઃ ઇંગ્લેન્ડમાં ૨૦૫૦ સુધી રસોઈ ગેસના વપરાશ પર પ્રતિબંધની યોજના બનાવાઈ છે. રાંધણગેસની જગ્યાએ ઓછા કાર્બન ઉત્સર્જનવાળા વિકલ્પોનો ઉપયોગ કરાશે, જેના માટે ૨.૫ બિલિયન પાઉન્ડની ક્લીન ગ્રોથ સ્ટ્રેટેજી બનાવવામાં આવી છે. અગાઉ, સરકારે ૨૦૪૦ સુધીમાં પેટ્રોલ અને ડીઝલ કાર બંધ કરવાની જાહેરાત કરી છે.
એક વિચાર એવો પણ છે કે ૨૦૨૫થી ગ્રામીણ વિસ્તારોમાં જે પણ નવા ઘરો બનાવાય તેમાં હિટ પંપ જેવા વૈકલ્પિક વસ્તુઓનો ઉપયોગ થાય. જેમાં પાઇપ દ્વારા જમીનની અંદરની ગરમીનો પ્રયોગ કરવામાં આવશે. રસોઈમાં હાઇડ્રોજન અથવા બાયોગેસનો ઉપયોગ કરવાનો વિચાર છે. આ માટે ઓવન તથા અન્ય અપ્લાયન્સની બનાવટને બદલવાની પણ જરૂરિયાત પડી શકે છે.
ઓછી ઊર્જા વપરાશ કરતા ઘરોના નિર્માણને આકર્ષિત કરવા તેના પર સ્ટેમ્પ ડ્યુટીમાં પણ ઘટાડા સહિત અન્ય પ્રોત્સાહનો પણ વિચારાશે. બાંધકામમાં લાકડાનો ઉપયોગ વધારી શકાય તે માટે ૧૧ મિલિયન વૃક્ષ વાવવા સાથે નવા જંગલોનું નિર્માણ કરાશે. શરૂઆતમાં આ થોડું મોંઘું લાગશે. પરંતુ લાંબા સમયે આ વિકલ્પમાં નાણાંની બચત થશે. આ ઉપરાંત હાનિકારક ગેસોનું ઉત્પાદન પણ નહિ થાય.


