લંડનઃ યુકેની ૧૫ લોકલ ઓથોરિટી વિસ્તારના ઓછામાં ઓછાં ૨૭ હાઈ રાઈઝ બિલ્ડિંગ્સના ક્લેડિંગ ફાયર સેફ્ટી પરીક્ષણોમાં નિષ્ફળ ગયા છે. ગ્રેનફેલ ટાવરની આગમાં ૭૯ વ્યક્તિનાં મોત નીપજ્યા પછી ડિપાર્ટમેન્ટ ઓફ લોકલ ગવર્મેન્ટ્સ દ્વારા રાષ્ટ્રવ્યાપી તપાસના આદેશ અપાયા હતા. કેમડન, માન્ચેસ્ટર, પોર્ટ્સમથ, બ્રેન્ટ, પ્લીમથ અને હંસલો સહિતના કાઉન્સિલોમાં આ ઈમારતો પર ગ્રેનફેલ ટાવરમાં લગાવાયેલાં આવરણ જેવું જ એલ્યુમિનિયમ ક્લેડિંગ લગાવાયું હોવાનું કહેવાય છે. રહેવાસીઓની સલામતીની ખાતરી આપી ન શકાય તેવી નિષ્ણાતોની ચેતવણીના પગલે કેમડન કાઉન્સિલે ચાર ટાવર બ્લોક્સમાંથી ૬૫૦ પરિવારના ૪,૦૦૦ જેટલા સભ્યોનું અન્યત્ર સ્થાળાંતર કરાવ્યું હતું. જોકે, ૮૩ લોકોએ તેમના ઘર છોડવા ઈનકાર કર્યો હતો.
કેમડનના ચાલ્કોટ્સ એસ્ટેટના ૬૫૦ ફ્લેટ્સમાંથી આશરે ૪,૦૦૦ લોકોનું શુક્રવારે સ્થળાંતર કરાવી કામચલાઉ રહેઠાણ અપાયા હતા. આ લોકોએ ત્રણથી ચાર સપ્તાહ બહાર રહેવું પડશે. જોકે, ટાવરના ૮૩ લોકોએ પોતાના ઘરમાંથી બહાર જવા ઈનકાર કર્યો હતો. એસ્ટેટના પાંચ ટાવર બ્લોક્સના ક્લેડિંગ ગ્રેનફેલ ટાવરના બાહ્ય પ્લાસ્ટિક પેનલ જેવા જ છે. કાઉન્સિલના નેતા જ્યોર્જિયા ગોલ્ડે જણાવ્યું હતું કે ગ્રેનફેલે બધુ બદલી નાખ્યું છે અને હું વધુ જોખમ લઈ શકીએ તેમ માનતી નથી.’
જોકે, સ્થળાંતરની કાર્યવાહીથી આઘાત પામેલા રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેમને ઘણી ટુંકી નોટિસે છેક રાતના ૮.૩૦ કલાકે જાણ કરવામાં આવી હતી કે ત્રણ સપ્તાહ સુધી લોકોએ અન્યત્ર રહેવા જવું પડશે. કાઉન્સિલના બોસીસને ફાયર બ્રિગેડ દ્વારા કહેવાયું હતું કે બિલ્ડિંગ્સ રહેવા માટે સલામત નથી અને તેઓ રહેવાસીઓની સલામતીની ખાતરી આપી શકે તેમ નથી. ખાલી કરાવાયેલા ૬૫૦ પરિવારના ૪,૦૦૦ લોકોને હોટેલ્સ અને સગાંઓ સાથે કામચલાઉ રહેઠાણ અપાયાં હતાં.
માન્ચેસ્ટરમાં નવ બ્લોક્સના ક્લેડિંગ દૂર કરાશે
સાલફર્ડ કાઉન્સિલ દ્વારા નવ ટાવર બ્લોક્સ પરથી ક્લેડિંગ દૂર કરવાની કાર્યવાહી શરુ કરવામાં આવશે. આ નવ બ્લોક્સમાં વ્હાઈટબીમ કોર્ટ, માલુસ કોર્ટ, બીચ કોર્ટ, સેલિક્સ કોર્ટ, સ્પ્રૂસ કોર્ટ, હોલ્મ કોર્ટ, હોર્નબીમ કોર્ટ, થોર્ન કોર્ટ અને પ્લેન કોર્ટનો સમાવેસ થાય છે. ૬૫૦ મિલિયન પાઉન્ડના ખર્ચે ૧૨૫૦ મકાનની નવી સજાવટ કરવાના પ્રોજેક્ટના ભાગ તરીકે આ બ્લોક્સની સજાવટ કરવામાં આવી હતી. પેડલટનના હાઈ રાઈઝ બિલ્ડિંગ્સમાં ગ્રેનફેલ ટાવર પર લગાવેલી એલ્યુમિનિયમ કમ્પોઝિટ સામગ્રીનો ઉપયોગ કરાયો છે.
તમામ NHS ટ્રસ્ટ્સ બિલ્ડિંગ્સના ક્લેડિંગનું પરીક્ષણ
ગ્રેનફેલ ટાવરની ભીષણ આગ પછી દેશના તમામ NHS ટ્રસ્ટ્સને મેડિકલ બિલ્ડિંગ્સના જ્વલનશીલ ક્લેડિંગના પરીક્ષણની સૂચના NHS England દ્વારા આપી દેવાઈ છે. આ દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે સરકાર દ્વારા સેંકડો ઈમારતોનું આ વિશે પરીક્ષણ હાથ ધરાવાયાનું કહેવાય છે. એસ્ટેટડ ડિરેક્ટર્સને સાવધાનીના પગલાં લેવાનું પણ જણાવાયું છે.


