લંડનઃ કોવિડ મહામારીનો હજુ અંત આવ્યો નથી ત્યારે સરકાર આ વર્ષે શિયાળામાં ફ્લુ વેક્સિનેશન પ્રોગ્રામ બમણો કરીને ૫૦ વર્ષથી વધુ વયના અને ૧૧ વર્ષથી ઓછી વયના બાળકો સહિત ૩૦ મિલિયન લોકોને ફ્લુની મફત રસી ઓફર કરશે. ગયા વર્ષે આશરે ૧૫ મિલિયન લોકોને સીઝનલ પ્લુની રસી આપવામાં આવી હતી. લોકોને રસી અપાવાથી NHS હોસ્પિટલો પર સારવારનું ભારણ ઓછું થશે તેમ નિષ્ણાતો આશા રાખે છે. નિષ્ણાતોને ભય છે કે લોકોને એક સાથે કોવિડ -૧૯ના કેસીસ અને સીઝનલ ફ્લુના બેવડાં આક્રમણનો સામનો કરવો પડશે. મોટા ભાગના લોકોને ક્રિસમસ સુધીમાં ફ્લુની રસી આપી દેવાનું લક્ષ્ય છે.
યુકેમાં સામાન્ય રીતે ૬૫ વર્ષથી વધુ વયજૂથના લોકો, નર્સરી અને પ્રાઈમરી સ્કૂલના બાળકો, સગર્ભા મહિલાઓ તેમજ અસ્થમા, કિડની અને હાર્ટના રોગ જેવી આરોગ્ય સમસ્યા ધરાવતા લોકોને ફ્લુની રસી આપવામાં આવે છે. જોકે, સરકાર અભૂતપૂર્વ અભિયાનમાં શિલ્ડેડ પેશન્ટ લિસ્ટમાં રહેલા લોકો અને તેમના પરિવારના સભ્યો, ધોરણ ૭ સુધી તમામ વયના બાળકોને ફ્લુની ફ્રી રસી ઓફર કરશે. ફ્રન્ટલાઈન હેલ્થ અને સોશિયલ કેર વર્કર્સ પણ રસી મેળવવાને પાત્ર છે.
હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે જણાવ્યું હતું કે,‘શિયાળા માટે તૈયાર રહેવાનું આ મહત્ત્વપૂર્ણ મિશન છે. વડા પ્રધાને NHSના રક્ષણ માટે વધારાના ૩ બિલિયન પાઉન્ડની જાહેરાત કરી જ છે. આપણે અત્યાર સુધી નહિ અપાયેલી બહોળી સંખ્યામાં ફ્લુ વેક્સિનેશન થકી લોકોને વ્યાપક રક્ષણ આપીશું. ઈતિહાસમાં આ સૌથી મોટો ફ્લુ વેક્સિનેશન કાર્યક્રમ બની રહેશે.’
હેલ્થ એન્ડ સોશિયલ કેર ડિપાર્ટમેન્ટ આશા ધરાવે છે કે લોકોને બહોળી સંખ્યામાં ફ્લુની રસી અપાવાની હોવાથી હોસ્પિટલોમાં ફ્લુના પેશન્ટ્સની સંખ્યા પ્રમાણમાં ઓછી રહેશે અને NHS હોસ્પિટલો કોરોના વાઈરસ પેશન્ટ્સ પર વધુ ધ્યાન આપી શકશે. એક વખત સૌથી વધુ જોખમ ગ્રૂપના લોકોનું રસીકરણ થઈ ગયા પછી હેલ્થ વિભાગ ૫૦-૬૪ વયજૂથના લોકો માટે પણ ફ્રી ફ્લુ રસી કાર્યક્રમ ખુલ્લો મૂકશે જેની વિગતો પાછળથી જાહેર કરાશે.