લંડનઃ યુકેમાં ઘરબારવિહોણાં લોકોની સંખ્યા વધતી જાય છે. દર મહિને ૧,૦૦૦થી વધુ અથવા દરરોજ ૩૬ લોકોના દરે આ વધારો થાય છે. નવાં વિશ્લેષણ મુજબ તો ૨૦૦ બ્રિટિશરમાંથી એક નાગરિક પાસે રહેવાનું કાયમી સ્થળ નથી. હાલ ૩૨૦,૦૦૦ લોકો શેરીઓમાં, દુકાનોની બહાર અથવા હંગામી સ્થળોએ સૂઈ રહે છે, જે વધતાં ભાડાં, વેલ્ફેર લાભમાં કાપ અને સોશિયલ હાઉસિંગના અભાવથી દેશમાં હાઉસિંગ કટોકટી દર્શાવે છે. સરકારના કહેવા અનુસાર આ સમસ્યા ઉકેલવા તે ૧.૨ બિલિયન પાઉન્ડનું રોકાણ કરી રહેલ છે.
ગમે ત્યાં સૂવાનું, કામચલાઉ રહેવાસના સત્તાવાર આંકડા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા અપાયેલી વિગતોના સરવાળા સાથે શેલ્ટરનો ડેટા જણાવે છે કે ગયા વર્ષે ઘરબારવિહાણાં લોકોની સંખ્યામાં ૧૩,૦૦૦ અને ગત બે વર્ષમાં ૨૫,૦૦૦થી વધુનો ઉમેરો થયો હતો. લંડનમાં સૌથી વધુ આશરે ૧૭૦,૦૦૦ અથવા દર બાવનમાંથી એક વ્યક્તિ પાસે ઘર કહેવાય તેવો આશરો નથી. બીજી તરફ, આ સંખ્યા બ્રાઈટનમાં (૬૭માં એક), બર્મિંગહામમાં (૭૩માં એક), માન્ચેસ્ટરમાં (૧૩૫માં એક)ની છે.
તાજા આંકડા મુજબ ૧૦૦,૦૦૦થી વધુ પરિવારો ૧૦ વર્ષ કરતાં વધુ સમયથી કાઉન્સિલ હાઉસિંગના વેઈટિંગ લિસ્ટ પર છે. કાઉન્સિલ હાઉસિંગની ઘટતી સંખ્યાના કારણે પરિવારોને ગરીબ અને ભીડવાળા કાઉચલાઉ રહેઠાણોમાં આશરો લેવો પડે છે અથવા મોંઘા ભાડાં ભરવાં પડે છે.


