લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયના ન્યૂ યર ઓનર્સ લિસ્ટ ૨૦૧૮માં સ્પોર્ટ્સ સ્ટાર્સ, સેલેબ્રિટીઝ અને રાજકારણીઓ ઉપરાંત પોતાની કોમ્યુનિટીના ઉત્થાન માટે કાર્ય કરનારા સેંકડો સમાજસેવકોને સ્થાન અપાયું છે, જેમાં ભારતીય મૂળના ૩૩ બ્રિટિશરનો પણ સમાવેશ થાય છે. યુનિવર્સિટી ઓફ યોર્કના પ્રોફેસર અને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિભાગની અધ્યક્ષા પ્રોફેસર પ્રતિભા લક્ષ્મણ ગાઈને ડેમહૂડથી સન્માનિત કરવામાં આવ્યાં છે. ડેમહૂડનું શાહી સન્માન ૧૯૭૦થી શરૂ કરાયું તે પછી આ સન્માન મેળવનારાં પ્રો. ગાઈ ભારતીય મૂળના ચોથા મહિલા છે. આ અગાઉ ધારણા મહારાણી લક્ષ્મીદેવી (૧૯૩૧), શિક્ષણશાસ્ત્રી આશા ખેમકા (૨૦૧૪) અને મેડીસીન એકેડેમિક પરવીન કુમાર (૨૦૧૭) ને આ સન્માન એનાયત કરાયું છે. ભારતીય મૂળના અન્ય બ્રિટિશરોમાં નવ સભ્યને ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (OBE), ૧૬ સભ્યને મેમ્બર્સ ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (MBE) અને સાત સભ્યને બ્રિટિશ એમ્પાયલ મેડલ્સ (BEM)ની નવાજેશ કરવામાં આવી છે.
આ યાદીમાં કુલ ૧,૧૨૩ લોકોને બ્રિટનને આપેલી સેવા બદલ અભિનંદિત કરાયા છે. તેમાં ૩૧૮ને BEM, ૪૫૨ને MBE તેમજ ૨૧૧ને OBE એવોર્ડ્સની નવાજેશ કરવામાં આવી છે. અન્યોને નાઈટહૂડ, ડેમહૂડ્સ કે અન્ય એવોર્ડ્સ જાહેર કરાયા છે. એવોર્ડ્સ મેળવનારામાંથી ૭૦ ટકાને તેમની સ્થાનિક કોમ્યુનિટીમાં કામ કરવા બદલ પસંદ કરાયા છે. એવોર્ડ્સ યાદીમાં કુલ ૫૫૧ મહિલા (૪૯ ટકા)નો સમાવેશ થયો છે જ્યારે એવોર્ડ્સ મેળવનારામાં ૯ ટકાથી વધુ BAME પશ્ચાદભૂ ધરાવે છે અને પાંચ ટકા ડિસેબિલિટી ધરાવતા હોવાનું માને છે. આશરે ૧૧ ટકા એવોર્ડ શિક્ષણક્ષેત્ર માટે અને ૧૦ ટકા એવોર્ડ હેલ્થ સેક્ટરમાં કામગીરી માટે અપાયા છે. સ્પોર્ટ્સ સ્ટારનું પ્રમાણ ચાર ટકા છે.
ડેમહૂડ
• પ્રોફેસર પ્રતિભા લક્ષ્મણ ગાઈઃ યુનિવર્સિટી ઓફ યોર્કના પ્રોફેસર અને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપ વિભાગની અધ્યક્ષા, કેમિકલ સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની સેવા બદલ સન્માન. તેઓ એટમિક સ્કેલ પર કેમિકલ રીએક્શન્સની ગણતરીની ક્ષમતા ધરાવતા પ્રથમ માઈક્રોસ્કોપની રચના કરવાનું ગૌરવ ધરાવે છે.
OBE
• જરનૈલ સિંહ અથવાલઃ (બિઝનેસ અને ચેરિટી ક્ષેત્રમાં સેવા, ડાચેટ, બર્કશાયર) • ચરણજિત બોન્ત્રાઃ યુનિવર્સિટી ઓફ ઓક્સફર્ડમાં ટ્રાન્સલેશનલ મેડિસિનના પ્રોફેસર, ટ્રાન્સલેશનલ મેડિસિન ક્ષેત્રે સંશોધનની સેવા, ઓક્સફર્ડશાયર • રણજિતલાલ ધીરઃ સ્થાનિક ગવર્મેન્ટ અને ચેરિટી ક્ષેત્રની સેવા માટે (લંડન)
• રિલેશકુમાર જાડેજાઃ ડિસેબિલિટીઝ ધરાવતાં લોકોની સેવા માટે (લંડન) • પારોમિતા કોનાર ઠક્કરઃ એનર્જી એનાલિસિસ ક્ષેત્રની સેવા • રાજન મધોકઃ સ્કોટલેન્ડમાં સંશોધન અને આરોગ્ય અસમાનતાના પડકાર સામેની સેવા.
MBE
• ઓન્કારદીપ સિંહ ભાટિયાઃ કોમ્યુનિટી અને ખાસ કરીને યુવાવર્ગની સેવા માટે, લંડન • અતુલકુમાર ભોગીલાલ પટેલઃ ઈસ્ટ મિડલેન્ડ્સમાં હેરિટેજ અને કોમ્યુનિટીની સેવા, લેસ્ટરશાયર
• મુબીન યુનુસ પટેલઃ પબ્લિક સેક્ટર ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામની સેવા બદલ, લેસ્ટરશાયર • ગુરમિતસિંહ રંધાવાઃ કોમ્યુનિટી સુમેળના ક્ષેત્રની સેવા, વેલ ઓફ ગ્લેમોર્ગન • શ્યામલ કાન્તિ સેનગુપ્તાઃ રેનફ્ર્યુશાયરમાં ઈન્ટરફેઈથ રીલેશન્સ ક્ષેત્રની સેવા, રેનફ્ર્યુશાયર • પ્રોફેસર વિકાસ સાગર શાહઃ બિઝનેસ અને ઈકોનોમી ક્ષેત્રની સેવા, ગ્રેટર માન્ચેસ્ટર • ડોક્ટર મેહૂલ હર્ષદરાય સંઘરાજકાઃ જૈન ધર્મ અને શિક્ષણક્ષેત્રની સેવા, લંડન • બોબી ગુરભેજસિંહ દેવ • ગિલિયન ડિલ્લોંઃ રોજગાર અને કૌશલ્યક્ષેત્રની સેવા • સીમા શ્રીવાસ્તવઃ ગુણવત્તા અને પેશન્ટ સુધારા ક્ષેત્રે સેવા • નોરા ડિલ્લોંઃ સાઉથ લેનાર્કશાયરમાં કોમ્યુનિટી અને એફોર્ડેબલ હાઉસિંગ ક્ષેત્રની સેવા • ડો. સંજીવ કુમાર શ્રીધરઃ પ્રાઈમરી સંભાળક્ષેત્રની સેવા • રોહિત શંકરઃ કોર્નવોલમાં લર્નિંગ ડીસેબિલિટીસ ધરાવતાં લોકોની સેવા • નીલમ ફરઝાનાઃ કોમ્યુનિટીમાં માનસિક આરોગ્યની સેવા • અનવરા અલીઃ કોમ્યુનિટી હેલ્થકેરની સેવા
ડેમહૂડ તથા અન્ય એવોર્ડ્સ ક્વીન એલિઝાબેથ તથા શાહી પરિવારના અન્ય સભ્યો દ્વારા વર્ષ દરમિયાન વિવિધ સમયે બકિંગહામ પેલેસ ખાતે એનાયત કરવામાં આવશે.
જૈન ધર્મની સેવા માટે ડો. મેહૂલ સંઘરાજકા સન્માનિત
ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનેલોજી (IoJ)ના ડિરેક્ટર અને ટ્રસ્ટી ડો. મેહૂલ સંઘરાજકાને જૈન ધર્મ અને એજ્યુકેશનના ક્ષેત્રને આપેલી સેવા બદલ ક્વીન્સ ન્યૂ યર ઓનર્સ લિસ્ટમાં MBE સન્માનની નવાજેશ કરવામાં આવી છે. ડો. સંઘરાજકા ૨૦ વર્ષથી જૈન કોમ્યુનિટીમાં નોંધપાત્ર ભૂમિકા ભજવતા આવ્યા છે. આ પ્રતિષ્ઠિત સન્માનનો ઉત્તર વાળતા ડો. મેહૂલ સંઘરાજકાએ જણાવ્યું હતું કે, ‘MBE એવોર્ડ હાંસલ કરવો ખરેખર ગૌરવની બાબત છે. શિક્ષણ અને જૈનવાદ મારા જીવનના અગત્યના હિસ્સા છે. આ સન્માનથી મને વધુ કરવાની પ્રેરણા મળે છે. આ કાર્યોમાં મારા સહભાગી બનનારા સહુનો હું આભારી છું.’ તેઓ યુકેમાં ૩૨ જૈન સંગઠનોનું પ્રતિનિધિત્વ કરી રહેલી ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનેલોજીના ડિરેક્ટર અને ટ્રસ્ટીપદે ગત ૧૫ વર્ષથી સેવા આપી રહ્યા છે. IoJના ચેરમેન નેમુ ચંદેરિયા OBE એ જણાવ્યું હતું કે, ‘ડો. સંઘરાજકાના અથાક પ્રયાસોથી જૈનો હવે યુકેના ધાર્મિક ફલક નોંધપાત્ર હિસ્સો બન્યા છે.’ લર્નિંગ પોસિબિલિટીઝના સ્થાપક અને સીઈઓ ડો. સંઘરાજકા Jainpedia.org ના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પણ છે.