૫૦ ટકાથી વધુ ભારતીય અમેરિકનો ભેદભાવનો ભોગ બન્યા

Tuesday 15th June 2021 14:42 EDT
 
 

ન્યૂ યોર્કઃ ૫૦ ટકાથી વધુ ભારતીય અમેરિકનોને પ્રાથમિક રીતે વર્ણ અથવા ધર્મને લીધે તેમની સાથે ભેદભાવ થતો હોય તેમ લાગે છે. પરંતુ, ઘણી વખત જ્ઞાતિને લીધે અન્ય ભારતીય અમેરિકનો તેમના પ્રત્યે ભેદભાવ રાખતા હોવાનું  જૂને પ્રકાશિત થયેલા ઈન્ડિયન અમેરિકન્સ એટિટ્યુડસ સર્વેમાં જણાયું હતું.  
ગયા સપ્ટેમ્બરમાં યુગોવ દ્વારા કરાયેલા ઓનલાઈન સર્વેમાં ૧૮ વર્ષથી વધુની વયના ૧,૨૦૦ ભારતીય અમેરિકનોએ તેમને પૂછાયેલા ૧૫૭ પ્રશ્રોના જવાબ આપ્યા હતા.  
સોશિયલ રિયાલિટીઝ ઓફ ઈન્ડિયન અમેરિકન્સઃ રિઝલ્ટ્સ ફ્રોમ ૨૦૨૦ ઈન્ડિયન અમેરિકન્સ એટિટ્યુડસ સર્વેનો અહેવાલ પ્રકાશિત થયા પછી ઈન્ટરવ્યૂમાં વૈષ્ણવે જણાવ્યું કે આ કોમ્યુનિટી ખૂબ ઝડપથી વિકાસ કરી રહી છે. તેમનો રાજકીય, સાંસ્કૃતિક અને આર્થિક પ્રભાવ વધી રહ્યો છે. તે છતાં તેમના વિશે ખૂબ ઓછો અભ્યાસ કરાયો છે. આશા છે કે આ સર્વે સંવાદનો પ્રારંભ બનશે.  
સર્વેમાં ૩૧ ટકાએ જણાવ્યું કે ભારતીય અમેરિકન કોમ્યુનિટી માટે રંગભેદ મોટી સમસ્યા છે. ૫૩ ટકા માને છે કે આ નાની સમસ્યા છે અને ૧૭ ટકાએ જણાવ્યું કે આ કોઈ સમસ્યા નથી.
રંગભેદના અનુભવ વિશે વાત કરનારા પૈકી ૩૦ ટકા માને છે કે તે વર્ણ અને ૧૮ ટકા  તે ધર્મને લીધે હોવાનું માને છે. પાંચ ટકાએ પોતાની જ્ઞાતિને લીધે ભેદભાવ થયાનું જણાવ્યું હતું.  
એશિયન અમેરિકન ફાઉન્ડેશનના ફાઉન્ડર સોનલ શાહે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ભેદભાવનો અનુભવ કરનારા લોકોમાંથી ૨૫ ટકાએ જણાવ્યું કે સાથી ભારતીય અમેરિકનોએ જ તેમની સાથે ભેદભાવ કર્યો હતો.  
આ સર્વેમાં આઈડેન્ટીટી એટલે કે ઓળખ પણ મહત્ત્વનું પાસું હતું. દસમાંથી માત્ર ચાર લોકોએ જણાવ્યું કે તેઓ પોતાને ભારતીય અમેરિકન તરીકે ઓળખાવે છે. ૨૫ ટકાએ ભારતીય તરીકે ઓળખ આપવાનું, દસ ટકાએ સાઉથ એશિયન અમેરિકન્સ, સાત ટકાએએશિયન ભારતીય અને છ ટકાએ માત્ર અમેરિકન તરીકે ઓળખ આપવાનું પસંદ કર્યું હતું.
આ અહેવાલના લેખકો યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયાના પીએચ.ડી વિદ્યાર્થિની સુમિત્રા બદ્રીનાથન, એશિયા પ્રોગ્રામ્સ એન્ડ સ્ટાર ફાઉન્ડેશનના પ્રોફેસર દેવેશ કપૂર,જહોન્સ હોપકિન્સ યુનિવર્સિટી સ્કૂલ ઓફ એડવાન્સ્ડ ઈનટરનેશનલ સ્ટડીઝના પ્રો. જોનાધન કે અને કાર્નેગી એન્ડાઉમેન્ટ ફોર ઈન્ટરનેશનલના સાઉથ એશિયા પ્રોગ્રામના ડિરેક્ટર મિલન વૈષ્ણવ છે.
===


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter