૫૦ પાઉન્ડની નોટ પર તસવીર માટે જગદીશચંદ્ર બોઝનું નોમિનેશન

Wednesday 28th November 2018 01:18 EST
 
 

લંડનઃ ભારતના ભૌતિકશાસ્ત્રી અને જીવવિજ્ઞાની ડો. જગદીશચંદ્ર બોઝનું તેમના ૧૬૦મા જન્મદિવસ ટાણે રસપ્રદ રીતે સન્માન થયું છે. બ્રિટનમાં ૫૦ પાઉન્ડની નવી નોટની ડિઝાઈન તૈયાર થવા જઈ રહી છે. એ નોટ પર કોઈ વિજ્ઞાનીનો ચહેરો મૂકવાનું સરકારે નકકી કર્યું છે. કયા વિજ્ઞાનીને મૂકવા જોઈએ એ માટે સરકાર લોકો પાસે નામો મંગાવ્યા હતા. ૧૮૬૮ની ૩૦મી નવેમ્બરે જન્મેલા વિજ્ઞાની જગદીશચંદ્રનું નામ પણ તેમાં નોમિનેટ થયું છે.

નવી નોટ છેક ૨૦૨૦માં બહાર પાડવાની છે. પરંતુ એ માટે અત્યારથી લોકમત ઉઘરાવવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે. સરકારને વિવિધ પોણા બે લાખ નામ મળ્યા છે, જેમાં સ્ટીફન હોકિંગનું નામ પણ છે. બ્રિટિશ વિજ્ઞાનીઓના નામ હોય તેની નવાઈ નથી, પરંતુ ભારતીય વિજ્ઞાનીનું નામ આવ્યું એ ગૌરવનો વિષય છે. કેમ કે બ્રિટિશ સરકાર એવા વિજ્ઞાનીને નોટ પર સ્થાન આપવા માગે છે, જેણે બ્રિટનના વિજ્ઞાન ક્ષેત્રે મહત્ત્વનું પ્રદાન આપ્યું હોય.

જગદીશચંદ્ર રેડિયોના સિદ્ધાંતના શોધક અને વનસ્પતિમાં જીવ હોવાનું પૂરવાર કરનાર વિજ્ઞાની તરીકે જગવિખ્યાત છે. વિજ્ઞાનીઓ સાથે રસપ્રદ રીતે પૂર્વ બ્રિટિશ વડાં પ્રધાન માર્ગારેટ થેચરનું નામ પણ લિસ્ટમાં આવ્યું છે. કારણ કે રાજકારણમાં આવતા પહેલાં થેચરે રસાયણશાસ્ત્રમાં નોંધપાત્ર પ્રદાન આપ્યું હતું. આ લિસ્ટમાં જોકે કમ્પ્યુટર વિજ્ઞાનના ભીષ્મ પિતા એલન ટ્યુરિંગ પણ છે અને ટેલિફોનના શોધક એલેકઝાન્ડર ગ્રેહામ બેલ પણ છે. માટે નક્કી કરતી વખતે સ્પર્ધા તીવ્ર થશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter