લંડનઃ ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સ (ONS)ના અભ્યાસ અનુસાર ૫૦થી વધુ વયે નોકરી ગુમાવનારા લોકો અન્ય વયજૂથોની સરખામણીએ બે વર્ષ જેટલો લાંબો સમય બેરોજગાર રહે તેવી શક્યતા વધુ રહે છે. યુકેમાં ૫૦થી વધુ વયના બેરોજગારોની સંખ્યા ૪૦૭,૦૦૦ની છે જે તમામ બેરોજગારોમાં ચારમાંથી એક (૨૪ ટકા)નું પ્રમાણ દર્શાવે છે. ૫૦થી વધુ વયના લોકોની ડિજિટલ કોમ્યુનિટી ‘Rest Less’ દ્વારા આ અભ્યાસ કરાવાયો હતો.
ONSનો અભ્યાસ જણાવે છે કે ૫૦થી વધુ વયના બેરોજગાર લોકોમાં એક તૃતીઆંશ લોકો ઓછામાં ઓછાં એક વર્ષ તેમજ પાંચમાંથી એક બેરોજગાર ઓછામાં ઓછાં બે વર્ષ કામવિહોણા રહ્યા હતા. ૫૦થી ઓછી વયના લોકોમાં આ પ્રમાણ અનુક્રમે ૨૦ ટકા અને ૮ ટકાનું હતું. ‘Rest Less’ના સ્થાપક સ્ટુઅર્ટ લુઈસનું કહેવું છે કે,‘ સ્ટેટ પેન્શનની વય વધીને ૬૬ વર્ષ થઈ છે ત્યારે ટુંકી મુદતથી લાંબા ગાળાની બેરોજગારીની બાબત ૫૦થી વધુ વયના લોકોને પહેલી નિવૃત્તિ તરફ ધકેલવાનું જોખમ સર્જે છે જેની તેમને ઈચ્છા ન હોય કે પોસાય પણ નહિ.’
મહામારી અગાઉ, યુકેમાં ૮૦ ટકા રોજગાર વૃદ્ધિ ૫૦થી વધુ વયના લોકોમાં હતી. મહામારીમાં ઉદ્યોગો બંધ કરાતા ન હતા ત્યાં નોકરીઓમાં કાપ મૂકાય તેમાં મોટી ઉંમરના લોકોની જ નોકરીઓનો પહેલા ભોગ લેવાતો હતો. HMRCના ડેટા અનુસાર ઓક્ટોબરના અંતે ફર્લો પરના ૨૫ વર્ષથી ઓછી વયના વર્કર્સની સંખ્યા ઘટી હતી પરંતુ, ફર્લો પરના ૫૫ વર્ષથી વધુ વયના વર્કર્સનું પ્રમાણ વધ્યું હતું. આનો સંકેત એવો હતો કે બિઝનેસીસ તેમના યુવાન વર્કર્સને પહેલા કામે લઈ શકે છે. સરકારના બેક-ટુ-વર્ક પ્રોગ્રામ્સ પણ આ વયજૂથ માટે કામના નીવડ્યા નથી. ૫૦થી વધુ વયના પાંચમાંથી માત્ર એક વ્યક્તિને વર્ક પ્રોગ્રામ હેઠળ નોકરી મળી હતી જ્યારે ૨૫ -૪૯ વયજૂથ માટે ત્રણમાંથી એક અને ૧૮ -૨૪ વયજૂથ માટે ૪૦ ટકાનું પ્રમાણ રહ્યું હતું.


