૫૬ ટકા લોકો ઈયુમાં રહેવા અને ૪૪ ટકા બહાર જવા ઈચ્છુક!

Wednesday 23rd January 2019 01:36 EST
 
 

લંડનઃ બ્રિટન ૨૯ માર્ચે ઈયુમાંથી બહાર નીકળી જશે એ તો હાલની ઘડીએ નિશ્ચિત છે પરંતુ, બ્રેક્ઝિટ કઈ રીતે પાર પડાશે તેની અનિશ્ચિતતા છે. વડા પ્રધાન સહિત સાંસદો પણ કોઈ ચોક્કસ માર્ગ સૂચવી શકતા નથી. આ સ્થિતિમાં આજની પળે ઈયુમાં રહેવું કે ન રહેવું તેના માટે બીજો બ્રેક્ઝિટ રેફરન્ડમ યોજવામાં આવે તો પ્રજાનો મિજાજ કેવો હશે તે દર્શાવતો સર્વે YouGov દ્વારા લેવાયો છે. આ મતદાનમાં જાણવા મળ્યું છે કે ૫૬ ટકા બ્રિટિશરો હવે ઈયુમાં રહેવાની ઈચ્છા ધરાવે છે જ્યારે, ૪૪ ટકા ઈયુ છોડવાને સમર્થન આપે છે.

વડા પ્રધાન થેરેસા મેની બ્રેક્ઝિટ સમજૂતીને પાર્લામેન્ટમાં કારમી હાર મળ્યા પછી બહુમતી બ્રિટિશરો કહે છે કે તેઓ ઈયુમાં જ રહેવા માગે છે. YouGovના સર્વેમાં આજે સેકન્ડ બ્રેક્ઝિટ રેફરન્ડમ યોજાય તો તેઓ કેવી રીતે મત આપશે તે પ્રશ્ન ૧,૦૭૦ મતદારને પૂછવામાં આવ્યો હતો. સર્વેમાં બ્રેક્ઝિટીઅર્સ કરતા રીમેઈનર્સ ૧૨ પોઈન્ટની સરસાઈ સાથે આગળ રહ્યા હતા. ૫૬ ટકાએ ઈયુમાં રહેવાની અને ૪૪ ટકાએ ઈયુમાંથી બહાર જવાની ઈચ્છા દર્શાવી હતી. નવો પોલ જણાવે છે કે બ્રેક્ઝિટમાંથી લોકોની ઈચ્છા અને શ્રદ્ધા ઘટી રહી છે. જો વડા પ્રધાનની સમજૂતી એકમાત્ર વિકલ્પ હોય તો ઈયુમાં રહેવા ઈચ્છુકની ટકાવારી વધીને ૬૫ ટકા થાય છે. બ્રેક્ઝિટથી અર્થતંત્રને સહન કરવું પડશે કે કેમ તે પ્રશ્ને ૪૬ ટકાએ હકારમાં જવાબ આપ્યો હતો, જ્યારે ૨૪ ટકાએ અર્થતંત્ર મજબૂત થવાનું જણાવ્યું છે.

પોલમાં એમ પણ જણાયું હતું કે લેબર પાર્ટીમાં સેકન્ડ રેફરન્ડમને ટેકો આપનારાની સંખ્યા વધીને ૭૮ ટકા થઈ છે. આના પરિણામે, બીજા જનમતને સમર્થન આપવા જેરેમી કોર્બીન પર રીમેઈનર્સનું દબાણ વધી રહ્યું છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter