૬ મિલિયનથી વધુ માઈગ્રન્ટ્સ યુરોપ પહોંચવાની રાહ જુએ છે

Monday 29th May 2017 05:55 EDT
 
 

લંડનઃ ભૂમધ્ય સમુદ્રની આસપાસ રહેતા ૬ મિલિયનથી વધુ લોકો યુરોપ આવવા ઈચ્છતા હોવાનું મનાય છે. જર્મનીના ખાનગી સરકારી દસ્તાવેજ મુજબ છેલ્લાં ત્રણ મહિનામાં આશ્રય મેળવવા માટે લાયક ગણાતા અને ભૂમધ્ય સાગર પાર કરવાની તકની પ્રતીક્ષા કરતા લોકોની સંખ્યા ૫.૯૫ મિલિયનથી ૧૨ ટકા વધીને ૬.૬ મિલિયન થઈ હતી. તેમાં યુદ્ધગ્રસ્ત નોર્થ આફ્રિકાના ૨.૫ મિલિયન લોકોનો સમાવેશ થાય છે.

સીરિયામાં થયેલા સંઘર્ષને લીધે ભાગી આવેલા ૩.૩ મિલિયન જેટલા લોકોને તુર્કીમાં આશ્રય અપાયો હોવાનું મનાય છે. અંકારા અને બ્રસેલ્સ વચ્ચેના વણસતા સંબંધોના ભારે દબાણ હેઠળ યુરોપિયન યુનિયને કરેલા સોદા મુજબ તેમને રાખવા માટે તુર્કી સત્તાવાળાને રકમ ચૂકવવામાં આવે છે.

ગત એપ્રિલના અંત સુધીમાં નોર્થ આફ્રિકા અને મધ્યપૂર્વના દરિયાકિનારાના વિસ્તારોમાં રહેતા લોકોની સંખ્યા વિક્રમજનક સ્તરે પહોંચી હતી. આશ્રય મેળવવા માટે લાયક ગણાતા એક મિલિયન જેટલા માઈગ્રન્ટ્સ ઈજીપ્ત અને લીબિયામાં, જ્યારે ૭,૨૦,૦૦૦ લોકો જોર્ડનમાં, ૧,૬૦,૦૦૦ ટ્યુનિશીયામાં અને ૫૦,૦૦૦ લોકો મોરોક્કોમાં રહે છે. ભૂમધ્ય સાગર પાર કરવાની આશા સાથે બીજા ૪,૩૦,૦૦૦ લોકો અલ્જીરીયામાં વસે છે. નોર્થ આફ્રિકાના માઈગ્રન્ટ્સમાં ઘણાં લોકો નાઈજીરીયા, બાંગ્લાદેશ, ગિની, આઈવરી કોસ્ટ અને ગામ્બીયાના છે.

માઈગ્રન્ટને લઈ જતી બોટ્સને અટકાવવા માટે લીબિયાના કોસ્ટગાર્ડ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવાયું હોવા છતાં તાજેતરમાં ૭ હજારથી વધુ લોકોએ ભૂમધ્ય સાગર પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. અગાઉ, ૫૦૦ લોકોને લઈ જતી બોટ દરિયામાં ઉથલી પડતાં ૨૦૦ લોકો પડી ગયા હતા. બાળકો સહિત ૩૦ લોકો આ ઘટનામાં ડૂબી ગયા હતા. 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter