લંડનઃ યુકેમાં નિકાહ (પરંપરાગત ઈસ્લામિક લગ્ન) કર્યા હોય તેવી દસમાંથી છ મહિલા કાયદેસર પરીણિત ન હોવાનું સર્વેમાં જણાયું હતું. ફેમિલી કોર્ટને લાગ્યું હતું કે ૬૧ ટકાની અલગ સિવિલ સેરિમની કે સિવિલ મેરેજ થયા હોતા નથી. તેથી લગ્નમાં ભંગાણ સર્જાય તેવા સંજોગોમાં મહિલાઓને સંપત્તિમાંથી હિસ્સો મેળવવા માટે સિવિલ કોર્ટ દ્વારા કેસ લડવાનું મુશ્કેલ બની જાય છે.
૨૦૦૪માં થયેલાં પોતાનાં લગ્ન વિશે રૂક્સાના નૂરે જણાવ્યું હતું કે ધાર્મિક વિધિની સાથે સિવિલ મેરેજ કરવા માટે પતિને સમજાવ્યા હતા. પરંતુ, તેમણે ના પાડી.
પાછળથી લગ્નસંબંધ તૂટી જતા પતિએ ભરણપોષણ આપવાનો ઈનકાર કર્યો. તેમણે જે મકાન ખરીદ્યું હતું તે પણ રૂક્સાનાને મળી શક્યું ન હતું. આ મકાનની લગભગ ૮૦ ટકા રકમ રૂક્સાનાએ ચૂકવી હતી. કાનૂની લડત પાછળ રૂક્સાનાને ૧૦૦,૦૦૦ પાઉન્ડનો ખર્ચ થયો હતો. રૂક્સાનાએ જણાવ્યું હતું કે સરકારે કાયદામાં સુધારો કરીને ધાર્મિક વિધિની સાથે સિવિલ મેરેજ જેવી વિધિ મુજબ લગ્ન ફરજિયાત બનાવવા જોઈએ. જે બન્નેને કાયદેસર બંધનકર્તા રહે અને છૂટા પડવાનું થાય તો મિલ્કતની વહેંચણી સરખા ભાગે થઈ શકે.


