૭,૫૦૦થી વધુ કેર હોમનિવાસી કોરોનાથી મોતને ભેટ્યાનો ભય

Sunday 19th April 2020 01:06 EDT
 
 

લંડનઃ દેશમાં કોવિડ-૧૯થી મૃતકોનો આંકડો વધી રહ્યો છે ત્યારે કેર હોમ્સના ૭,૫૦૦થી વધુ રહેવાસીઓ કોરોના વાઈરસથી મોતને ભેટ્યા હોવાનો ભય ફેલાયો છે. સ્કોટલેન્ડના એક કેર હોમમાં એક જ દિવસમાં ચાર સહિત ૨૦ રેસિડેન્ટ મોત પામ્યાના અહેવાલ છે. કેર ઈંગ્લેન્ડના જણાવ્યા મુજબ કેર હોમ્સમાં કોરોનાથી મોત થયાનો આંકડો સરકારી આંકડાથી ઘણો વધારે છે. સિલેક્ટ કમિટી સમક્ષ હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે પણ સ્વીકાર્યું હતું કે મોતની સંખ્યા અને પ્રમાણ રિપોર્ટ કરાયા કરતાં ઘણા વધુ છે અને કોરોના બીમારીથી મોત પામેલા રેસિડેન્ટ્સનો ડેટા ટુંક સમયમાં મળશે તેવું વચન પણ આપ્યું હતું.

કેર હોમ્સની દેશની સૌથી મોટી પ્રતિનિધિ સંસ્થા કેર ઈંગ્લેન્ડના જણાવ્યા મુજબ દેશના ૪૦ ટકા કેર હોમ્સમાં કોરોનાનું સંક્રમણ ફેલાયું છે અને ૭૫૦૦થી વધુ રેસિડેન્ટ્સના મોત થયા છે. જોકે, ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના આંકડા કહે છે કે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં ત્રીજી એપ્રિલ સુધીમાં કેર હોમ્સમાં કોરોના વાઈરસથી માત્ર ૨૩૭ નિવાસીના મોત થયા છે. અગાઉ ડેઈલી મેઈલ અખબારે કેર પ્રોવાઈડર્સને ઓછામાં ઓછાં ૪,૦૦૦ લોકોના મોતની શંકા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. પરંતુ, કેર ઈંગ્લેન્ડના ચીફ એક્ઝિક્યુટિવ પ્રોફેસર માર્ટિન ગ્રીને આંકડો ૭,૫૦૦ સુધી પહોંચ્યાનું જણાવ્યું છે.

સ્કોટલેન્ડના આયરશાયરના પ્રેસ્ટવિકમાં આવેલા ધ બેરેલેન્ડ્સ કેર હોમમાં કુલ ૨૦ રહેવાસીના કોરાનાથી શંકાસ્પદ મોત થયાનું બહાર આવ્યું છે જેમાંથી, ચાર મોત એક જ દિવસમાં થયા હતા. કેર હોમના પ્રવક્તાએ વધુ ચાર મોત કોવિડ-૧૯થી થયા હોવા હોવાની માન્યતા દર્શાવી હતી. હેલ્થ વોચડોગ કેર ક્વોલિટી કમિશને પણ જણાવ્યું છે કે ૧૫ એપ્રિલ સુધી ઈંગ્લેન્ડમાં કોરોના રોગચાળા સાથેના ૩,૦૮૪ કેર હોમ્સ હતા.

૨૮૦૦ કેર હોમ માલિકો, મેનેજર્સ અને સ્ટાફના પોલમાં ૨૮ ટકાએ જણાવ્યું હતું કે તેઓ કોરોના માટે ટેસ્ટ પોઝિટિવ આવેલા રેસિડેન્ટ્સની દેખભાળ કરી રહ્યા છે. ૪૦ ટકાથી વધુએ જણાવ્યું હતું કે તેમને કોવિડ-૧૯ રોગચાળાના કેસીસની શંકા છે. સરકારની વારંવારની ખાતરીઓ છતાં, carehome.co.uk અને ITV ન્યૂઝ પોલમાં ૮૦ ટકા કેરર્સે જણાવ્યું હતું કે તેમના સ્ટાફનું કદી પરીક્ષણ કરાયું જ નથી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter