લંડનઃ લોકો છેતરપીંડી આચરી કમાણી કરવાના વિવિધ નુસખા અપનાવતા રહે છે. સાઉથ યોર્કશાયરના બાર્ન્સલીના દંપતી પોલ હેરિસન અને સામન્થા હેરિસને ૭૦૦,૦૦૦ વપરાયેલી ટપાલટિકિટોને બરાબર સાફ કરી ધોઈને ઈ-બે અને એમેઝોન પર નવી ટિકિટો તરીકે વેચી ૨૨૫,૦૦૦ પાઉન્ડનું મોટું કૌભાંડ આચર્યું હતું. નવ વર્ષથી ચાલતા કૌભાંડના પરિણામે, રોયલ મેઈલને ૪૨૧,૦૦૦ પાઉન્ડનું જંગી નુકસાન ગયું છે. બર્મિંગહામ ક્રાઉન કોર્ટે હેરિસનને ચાર વર્ષની જેલની સજા સાથે પત્ની સામન્થાને બે વર્ષની સસ્પેન્ડેડ જેલ ઉપરાંત, ૧૫૦ કલાકના અવેતન કાર્યની સજા ફરમાવી છે. બર્મિંગહામના તેમના સાથી ગ્રેહામ રાઉટને ૧૮ મહિનાની સસ્પેન્ડેડ જેલની સજા અને ૮૫ કલાકના અવેતન કાર્યનો આદેશ કરાયો હતો. હેરિસન દંપતીએ કૌભાંડની કમાણીનો ઉપયોગ વૈભવી જીવન ગાળવામાં કર્યો હતો.
બાર્ન્સલીના ૫૨ વર્ષીય પોલ હેરિસન અને તેની ૪૪ વર્ષની પત્ની સામન્થાએ ૭૦૦,૦૦૦ વપરાયેલી ટિકિટોને બરાબર ધોઈ નવી ટિકિટો તરીકે ઈ-બે અને એમેઝોન પર ઓનલાઈન વેચવાનું ૨૨૫,૦૦૦ પાઉન્ડનું મોટું કૌભાંડ આચર્યું હતું. આ ગુના બદલ બર્મિંગહામ ક્રાઉન કોર્ટે દંપતીને સજા ફરમાવી છે. આ દંપતીએ સ્ટેમ્પ પર લગાવાતી ફ્રેન્કિંગ નિશાનીઓ બરાબર સાફ કરીને નવા તરીકે વેચી હોવાના કારણે રોયલ મેઈલને પણ ૪૨૧,૦૦૦ પાઉન્ડનું જંગી નુકસાન ગયું છે.
હેરિસન દંપતીએ આ કમાણીનો ઉપયોગ લક્ઝરી હોલીડેજ ગાળવામાં તેમજ અંગત નેમપ્લેટ સાથે BMW કાર ખરીદવામાં કર્યો હતો. દંપતીના જોઈન્ટ એકાઉન્ટમાં કૌભાંડની ૨૨૧,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ જમા થઈ હતી જ્યારે, તેમના સાથી ગ્રેહામ રાઉટના ખાતામાં ૪૩,૦૦૦ પાઉન્ડ જમા થયા હતા.
ક્રાઉન કોર્ટે હેરિસનને કૌભાંડ આચરવા, સપ્લાય કરવા તેમજ સાથે રાખેલા સાધનોના ગુનામાં ચાર વર્ષની કેદની સજા જાહેર કરી હતી. ઓગસ્ટ ૨૦૧૬માં તેની ધરપકડ કરાઈ હતી. હેરિસને મની લોન્ડરિંગ અને કૌભાંડના સાધનોના સપ્લાયના ગુના સ્વીકારી લીધા હતા. તેની પત્ની સામન્થાને મની લોન્ડરિંગ અને ગુનામાં સાથ માટે જેલની બે વર્ષની સસ્પેન્ડેડ સજા અને ૧૫૦ કલાકના અવેતન કાર્યની સજા કરાઈ હતી.
સ્કોટલેન્ડમાં મોટા ભાગની શાળાઓને મોકલાયેલા પત્રોને ગ્લાસગો સોર્ટિંગ ઓફિસે નકારી કાઢ્યા પછી આ કૌભાંડ બહાર આવ્યું હતું. પત્રોને મશીન સોર્ટિંગ પરીક્ષણ માટે અલ્ટ્રાવાયોલેટ કિરણો હેઠળ પસાર કરાયા ત્યારે ટપાલટિકિટો પર ફોસ્ફોર તત્વ દેખાયું ન હતું. આ ટિકિટોનું મૂળ હેરિસનના બાર્ન્સલી નિવાસે લઈ ગયું હતુ. પોલીસે ૨૦૦૦૦૦ પાઉન્ડના મૂલ્યની પ્રોપર્ટી પર દરોડો પાડતા સ્ટેમ્પ ધોવાના પૂરાવાઓ મળી આવ્યા હતા. પોલીસે પૂર્વ ડેન્ટલ ટેક્નિશિયન ગ્રેહામ રાઉટના ગાર્ડન શેડ પર દરોડો પાડી તેને ટિકિટો ધોતા રંગે હાથ પકડી લીધો હતો. ગુનેગારોએ ચેરિટી સંસ્થાઓ અને અન્ય સંગ્રાહકો પાસેથી મોટા પાયે સેકન્ડહેન્ડ ટપાલટિકિટો ખરીદી નવા તરીકે વેચવાનું કૌભાંડ આચર્યું હતું. હેરિસન જૂન ૨૦૦૭થી એફોર્ડેબલ સ્ટેમ્પ્સ નામે ઓનલાઈન એકાઉન્ટ ચલાવે છે જ્યારે ગ્રેહામ અઢી વર્ષથી કૌભાંડમાં સંકળાયો હતો.


