હજુ ગયા મહિને જ તા. ૭ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ પોતાના સુખી લગ્ન જીવનની ૭૨મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરનાર વણિક એસોસિએશન અોફ યુકેના સ્થાપક અને ભૂતપુર્વ પ્રમુખ શ્રી ચીમનલાલ અમરશી શાહનું તા. ૨-૩-૧૫ના રોજ રાત્રે ૧૦-૩૦ કલાકે ટૂટીંગની સેન્ટ જ્યોર્જીસ હોસ્પિટલમાં ૯૨ વર્ષની વયે નિધન થયું હતું. તેઅો છેલ્લા ચાર દિવસથી ઉંમરને લગતી બીમારીથી પિડાતા હતા.
સૌરાષ્ટ્રના ખારી ખીજડીયા ગામના વતની અને હાલ સાઉથ લંડનના સ્ટ્રેધામ ખાતે રહેતા શ્રી ચીમનલાલ શાહ વણિક સમાજના અગ્રણી તરીકેની નામના ધરાવતા હતા અને તેમણે પ્રારંભના વર્ષોમાં જ યુકેમાં વસતા વણિક સમુદાયના વિવિધ ફીરકાઅોને એકત્ર કરી મજબૂત સંગઠનની સ્થાપના કરી હતી. શ્રી ચીમનલાલ શાહ અને તેમના પત્ની સવિતાબેન શાહની ૭૨મી લગ્ન જયંતિની શાનદાર ઉજવણી તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી. જેમાં તેમના ચાર પેઢી સુધીના સંતાનો-પૌત્રો-પ્રપૌત્રો ઉમળકાભેર ઉપસ્થિત રહ્યા હતા અને દાદા-દાદીના સુખી લગ્ન જીવન અને તંદુરસ્ત આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. ૭૨ વર્ષના સુખી લગ્ન જીવન માટે ચીમનલાલ અને સવિતાબેનને મહારાણી તરફથી શુભેચ્છા પાઠવતું કાર્ડ મળતા તેઅો ખૂબજ ખુશ થયા હતા અને ગૌરવ અનુભવ્યું હતું.
સ્વ. ચીમનલાલ તેમની પાછળ પત્ની સવિતાબેન (ઉ.વ. ૮૨), પુત્ર સ્વ. દિનેશભાઇ, પ્રવિણભાઇ, પ્રફુલ્લભાઇ પુત્રીઅો પ્રતિમાબેન અને રક્ષાબેન (પ્રમુખ, વણિક એસસિએશન યુકે) તેમજ વિશાળ પરિવારને વિલાપ કરતા મૂકી ગયા છે. 'ગુજરાત સમાચાર'ના સહયોગમાં શ્રી ચીમનલાલ શાહે જૈન સમાજ સહિત કેટલીય સામાજીક પ્રવૃત્તિઅોમાં ખૂબજ સુંદર યોગદાન આપ્યું હતું. અંતિમ ક્રિયા અને અન્ય માહતી માટે સંપર્ક: રક્ષાબેન શાહ 07947 833 970.