લંડનઃ એક વર્ષની રીડીંગ ચેલેન્જ માત્ર ત્રણ મહિનામાં પૂરી કરવા બદલ બોલ્ટનના લોસ્ટોકના આઠ વર્ષીય મિલન પોલ કુમારને રોયલ સીલ ઓફ અપ્રુવલ અપાયું હતું. લોકડાઉન દરમિયાન ૫૦ પુસ્તક વાંચીને આ ચેલેન્જ પૂરી કરનાર મિલનકુમારને ડચેસ ઓફ કોર્નવોલ, કેમિલાએ અભિનંદન પાઠવતો પત્ર લખ્યો હતો. તેની આ સિદ્ધિ અદભૂત હોવાનું કેમિલાની સહીવાળા પત્રમાં જણાવાયું હતું. મિલન પોતાની જાત પર ગર્વ અનુભવશે તેવી આશા ડચેસે વ્યક્ત કરી હતી. રોયલ સોસાયટી ઓફ લિટરેચરના પેટ્રન કેમિલાએ સ્થાનિક અખબારના એવોર્ડ માટે નોમિનેટ થવા બદલ પણ મિલનને અભિનંદન પાઠવ્યા હતા.
ચેલેન્જમાં તેણે વિલિયમ શેક્સપિયર, ડેવિડ વિલિયમ્સ અને જે.કે. રોલિંગના પુસ્તકો તેમજ નેલ્સન મંડેલા અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનની જીવનકથા વાંચી હતી. મિલને જણાવ્યું હતું કે તેણે આ ચેલેન્જ જૂનમાં આવતા તેના જન્મદિન અગાઉ પૂરી કરવાનું માર્ચમાં લક્ષ્ય નિશ્ચિત કર્યું હતું. તેણે ઉમેર્યું હતું કે,‘મેં ડેવિડ વિલિયમ્સની બુક્સના વાંચનથી શરૂઆત કરી હતી, ટોની રોસના ઈલસ્ટ્રેશન્સ મને ખૂબ ગમ્યાં હતાં અને હસીને બેવડ વળી ગયો હતો. જેમ જેમ વાંચનમાં આગળ વધતો ગયો તેમ પુસ્તકો વધુ પડકારરુપ બનતાં ગયાં હતાં.
મેં વાંચન ચાલુ રાખ્યું અને નેલ્સન મંડેલાની ‘Walk to Freedom’ જીવનકથા સહિત ૫૦થી વધુ પુસ્તકો વાંચ્યા. મંડેલાની આત્મકથા પ્રેરણાદાયક હતી અને ગયા વર્ષે પરિવાર સાથે માણેલી સાઉથ આફ્રિકાની હોલિડેની યાદ આવી ગઈ હતી. મેં હેરી પોટર પુસ્તકો વાંચ્યા જેનાથી મને મિત્રતા, હિંમત અને વિશ્વમાં પરિવર્તન લાવનારા પ્રેમ વિશે શીખવા મળ્યું હતું.’
તેની માતા દક્ષાબહેને જણાવ્યું હતું કે મિલનની બોલ્ટન સ્કૂલ જુનિયર બોઈઝ સ્કૂલ દ્વારા આ ‘Blazer Black Belt Challenge’ સ્પર્ધા બાળકોને વાંચન માટે પ્રોત્સાહિત કરવા યોજાઈ હતી. તે સમયે મિલન માત્ર સાત વર્ષનો હતો તેથી આ ચેલેન્જ પૂરી કરવાનું માનીએ તેટલું સહેલું ન હતું. દક્ષાબહેને જણાવ્યું હતું કે તેઓ અને તેમના પતિ પોલ તેમના પુત્ર મિલનને પ્રેરણા પૂરી પાડવા બદલ ડચેસ ઓફ કોર્નવોલનો આભાર માનવા માગે છે. મિલન હવે આવતા વર્ષની રીડીંગ ચેલેન્જની પ્રતીક્ષા કરી રહ્યો છે.