૮૦ મિલિયન પિન્ટ દૂધનો બીનજરૂરી વેડફાટ!

Wednesday 20th February 2019 05:03 EST
 
 

લંડનઃ વધુપડતી સાવચેતીપૂર્ણ યુઝ-બાય ડેટ્સના કારણે ૮૦ મિલિયન પિન્ટ (૩૭.૫ મિલિયન લિટર) દૂધ બીનજરૂરી રીતે ગટરમાં વહાવી દેવાય છે તેમ પર્યાવરણ અભિયાન જૂથ ‘ફીડબેક’ દ્વારા હાથ ધરાયેલા સંશોધનના તારણો જણાવે છે. સંશોધન જણાવે છે કે સુપરમાર્કેટમાં વેચાતાં દૂધ તેની સત્તાવાર યુઝ-બાય ડેટ્સ (ઉપયોગની આખરી તારીખ)ના સાત દિવસ સુધી પણ પીવાને લાયક હોય છે. જો આ તારીખમાં માત્ર એક દિવસનો પણ ઉમેરો કરી દેવાય તો ૮૦ મિલિયન પિન્ટ દૂધ વેડફાતું બચાવી શકાય તેમ કેમ્પેઈન ગ્રૂપનું કહેવું છે.

યુનિવર્સિટી ઓફ ચેસ્ટરના NoWFOOD સેન્ટર દ્વારા ટેસ્કો, અસ્ડા, સેઈન્સબરી અને મોરિસન્સ સુપરમાર્કેટ્સમાંથી દૂધ મેળવી પરીક્ષણો કરવામાં આવ્યા હતા. ‘ફીડબેક’ ગ્રૂપે જણાવ્યું હતું કે યુઝ-બાય ડેટ સિસ્ટમને બદલવામાં તે મદદરૂપ બની શકે છે. સુપરમાર્કેટ્સ દ્વારા ઓછામાં ઓછાં ત્રણ દિવસનો સમયગાળો વધારાવો જોઈએ. મોટા ભાગના લોકો સુંઘીને જ દૂધ બગડી ગયું છે કે કેમ તે કહી શકે છે. જોકે, રીટેઈલર્સ અને ફૂડ વોચડોગ્સની દલીલ છે કે તાજા ખોરાક પર તારીખના લેબલને વળગી રહેવું મહત્ત્વનું છે. નોર્વે અને ડેનમાર્ક જેવા દેશોમાં ખોટો બગાડ થતો અટકાવવા ‘બેસ્ટ બીફોર’ ડેટના લેબલ લગાવાય છે.

વેસ્ટ ચેરિટી WRAP ના જણાવ્યા અનુસાર દેશમાં દર વર્ષે અંદાજિત ૨૦ બિલિયન પાઉન્ડના મૂલ્યના ૧૦.૨ મિલિયન ટન સારા ખાદ્યપદાર્થો ફેંકી દેવામાં આવે છે. ફીડબેકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેરિના મિલ્સ્ટોન કહે છે,‘અમારા અનુભવ મુજબ દૂધ મોટા ભાગે તેની યુઝ-બાય ડેટ પછી પણ ઉપયોગને લાયક રહે છે. યુઝ-બાય ડેટ્સ ત્રણ કે વધુ દિવસ લંબાવાય તેમજ ફ્રીઝના તાપમાન અને સંગ્રહની અન્ય શ્રેષ્ઠ પદ્ધતિ વિશે સ્પષ્ટ માર્ગદર્શન અપાય તો દૂધનો બગાડ અટકાવી શકાય છે.’

આવો જ અન્ય અભ્યાસ નોર્થ લંડન વેસ્ટ ઓથોરિટીના ‘સેવ અ ક્રસ્ટ’ અભિયાન માટે કરાયો છે. લોકોદર વર્ષે બ્રેડનો ૧.૨ બિલિયન પોપડો ફેંકી દે છે અને ખાદ્યપદાર્થોના બગાડમાં વધારો કરે છે. પાંચમાંથી એક પરિવાર પાઉં-બ્રેડનો છેલ્લો પોપડો સીધો કચરામાં જ જવા દે છે, આ રીતે ફેંકી દેવાતા પોપડા ૫૯ મિલિયન પાઉંની સમકક્ષ હોય છે, જેનું અંદાજિત કુલ મૂલ્ય વર્ષે ૬૨ મિલિયન પાઉન્ડ થાય છે. ફૂડ વેસ્ટ નિષ્ણાતો કહે છે કે આ પોપડાનો પણ અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter