લંડનઃ મોટા ભાગના યુવાન બ્રિટિશરો ‘બાય નાઉ પે લેટર (BNPL)’ સેવાનો ઉપયોગ કરે છે તેમાંથી આશરે ૨૫ ટકા લોકો ખોરાક, ભાડું અથવા બિલ્સ ચૂકવવાને લાયક રહેતા ન હોવાનું સિટિઝન્સ એડવાઈસ ચેરિટી સંસ્થાનું કહેવું છે.ચેરિટીએ પોતાનું સંશોધન ફાઈનાન્સિયલ કન્ડક્ટ ઓથોરિટી (FCA) સમક્ષ રજૂ કર્યું છે જેણે આવી પેઢીઓ પર નિયંત્રણો લાદવાની જાહેરાત પણ કરી છે.
કોરોના મહામારીના ગત ૧૨ મહિનામાં આશરે ૪૫ ટકા યુવા વયસ્કોએ BNPL સેવાનો ઉપયોગ કર્યો હોવાનું ૧૦,૦૦૦ લોકોના સર્વેમાંથી ચેરિટીને જાણવા મળ્યું હતું. લગભગ અડધોઅડધ (૫૨ ટકા) લોકોએ કશું સમજ્યા વિના જ BNPLનો ઉપયોગ કર્યો હતો અને ત્રણમાંથી (૩૫ ટકા) લોકો તેના વિશે અફસોસ કરી રહ્યા છે.
સર્વેના તારણો અનુસાર BNPL હેઠળ પુનઃ ચૂકવણીમાં નાણા ખર્ચાઈ જતા હોવાથી ૧૮-૩૪ વયજૂથના ૨૪ ટકા વયસ્કો પાસે માસિક આવશ્યક ચીજવસ્તુઓ માટે ચૂકવવાના નાણા રહેતા નથી. BNPL સ્કીમ્સનો ઓનલાઈન ભારે પ્રચાર થાય છે અને તેમાં ખર્ચનું વિભાજન અથવા પાછળથી ‘ઈન્ટરેસ્ટ ફ્રી’ ચૂકવણીના સરળ માર્ગ તરીકે લાલચ અપાય છે. સિટિઝન્સ એડવાઈસ ચેરિટી સંસ્થાનું કહેવું છે કે આવી ઘણી યોજનાઓ સરળતાથી દેવામાં ડૂબાડનારા ઢાળ તરીકે કામ કરે છે.
BNPL સ્કીમ્સ હેઠળ સરેરાશ વ્યક્તિ માસિક ૬૩ પાઉન્ડનું રીપેમેન્ટ કરે છે. જોકે, ચેરિટીના જણાવ્યા અનુસાર ગયા વર્ષમાં યોજનાનો ઉપયોગ કરનાર પાંચમાંથી બે વ્યક્તિ (૫.૭ મિલિયન) આ કરજ યોગ્ય ન હોવાનું માની રહ્યા છે. ૧૦માંથી ચાર (૪૧ ટકા) લોકો હવે પુનઃચુકવણી માટે સંઘર્ષ કરે છે. બીજી તરફ,BNPL ફર્મ્સનું કહેવું છે કે ચેરિટીનો રિપોર્ટ તેમની સેવાઓનો ઉપયોગ કરતા લાખો કન્ઝ્યુમર્સનું પ્રતિનિધિત્વ કરતો નથી. ગ્રાહકો દ્વારા સેવા લેવાય તે પહેલાં તેમનું કડક ક્રેડિટ ચેકિંગ કરવામાં આવે છે.